હું સમયની પાર વિસ્તરતો રહું,
તું અનાગત થઈ મને મળતી રહે.

લોક સમજે કાંકરો ડૂબી ગયો….
અંકમાં રાખી મને વહતી રહે.
વિવેક મનહર ટેલર

પાર્કિન્સન ના અંતિમ તબક્કા ના દર્દી ની ગઝલ

પંગુતાને આ અમે એવી તો પહેરી લીધી છે,
વાણી પણ ખુદની તમારી જીભને દઈ દીધી છે.

વાતો ને ગાળો અને અપમાન લોહીથી યે લાલ,
પીધી છે, પીધી છે, મેં તો જિંદગીને પીધી છે.

તુજ વિના હાલી શકું, હાલત નથી એ મારી તોય
આંગળી તારા તરફ કહી ને બિમારી ચીંધી છે.

જિદ છે તારી ઉપેક્ષાની, અપેક્ષા મારી જિદ,
કોની લીટી કોનાથી કહો તો વધારે સીધી છે !

રહી ગયેલાં શ્વાસનો બોજો હતો કે શું ખભે ?
કે પછી વધતી પીડાએ વક્ર રેખા કીધી છે ?!

હાથ મારો ઝાલે તું એ ઝંખના કાયમની છે,
ભૂલ્યો, પણ મેં ક્યાં કદી મારી હથેળી દીધી છે ?

સૂર્ય પેઠે હું ઊઠી શકતો હતો પણ તે છતાં,
સાંજ ને કાયમ મેં મારી કાખઘોડી કીધી છે.

હું મરું ત્યારે દિલે ખટકો જરી થાશે નહીં,
શું ઉપાધિ આ બધી સાવ જ અકારણ કીધી છે?!

ડૉ. વિવેક મનહર ટેલર

આજે “વિશ્વ પાર્કિન્સન દિવસ” છે. પાર્કિન્સનની બિમારી -શેકિંગ પાલ્સી- એટલે મનુષ્યની સાહજિક ગતિને થતા લકવાની બિમારી. આખા શરીરે અવિરત થતું કંપન ચાનો કપ પણ સહજતાથી પકડવા દેતું નથી. સમયની સાથોસાથ વાંકું વળતું જતું શરીર અને શરીરનું ગુરૂત્વબિંદુ ખસી જતાં વારંવાર સંતુલન ગુમાવી જમીનદોસ્ત થવાની લાચારીનું બીજું નામ એટલે પાર્કિન્સન્સ ડિસીઝ. સપાટ ભાવહીન ચહેરો, મોઢામાંથી ટપકતી રહેતી લાળ, સામાની ધીરજનો બંધ તૂટી જાય એવી અંતહીન શિથિલતા, ઝીણા થતા જતા અક્ષરોની સાથે ઝીણા થતા જતા સંબંધોના પોત અને ક્ષીણ-અસ્પષ્ટ વાચા- પોતાની લાશને પોતાના જ ખભા પર વેંઢારવાની મજબૂરી મૃત્યુની પ્રતિક્ષા બનીને આંખમાં અંકાઈ જાય છે. મોહંમદઅલી, યાસર અરાફાત, પોપ જહોન પોલ, હિટલર જેવી હસ્તીથી માંડીને મારા પિતા જેવા 63 લાખ લોકોને હંફાવતી આ બિમારીથી પિડાતા દર્દીઓને આ નાનકડી શબ્દાંજલિ છે.

3 Comments »

  1. ધવલ said,

    April 12, 2006 @ 11:29 AM

    પાર્કિન્સનની તકલીફને વાચા આપવાનો સફળ પ્રયાસ.. આ રોગ પર ઘણું કામ થઈ રહ્યું છે. આશા છે કે ભવિષ્યમાં આ પીડાનો પણ ઉપાય નીકળશે.

  2. Monal Shah said,

    April 28, 2020 @ 12:03 AM

    પાર્કિન્સન ના દર્દીનું દુઃખ કોઈ તેના અંગત લોકોજ સમજી શકે…
    સરસ ભાવભીની કવિતા.

  3. વિવેક said,

    April 30, 2020 @ 9:33 AM

    ખૂબ ખૂબ આભાર, મોનલ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment