આપણો સંબંધ બસ છૂટી ગયો,
તાંતણો કાચો હતો, તૂટી ગયો.
વિજય રાજ્યગુરુ

ઘર – નિરંજન ભગત

ઘર તમે કોને કહો છો?
જ્યાં ટપાલી પત્ર લાવે,
શોધતા વણશોધતા મિત્રો અને મહેમાન જ્યાં આવી ચડે,
ક્યારેક તો આવે પડે,
જેનું બધાને ઠામઠેકાણું તમે આપી શકો
તેને તમે શું ઘર કહો છો?
તો પછી જ્યાં જ્યાં તમે પગથી ઉતારીને પગરખાં,
ભાર-ટોપીનોય-માથેથી ઊતારીને,
અને આ હાથ બે પ્હોળા કરીને ‘હાશ’ ક્હો;
જ્યાં સર્વનાં મુખ જોઈ તમને સ્હેજમાં મલકી ઊઠે
ત્યાં ત્યાં બધે ક્હો તમારું ઘર નથી?
તે ઘર તમે કોને કહો છો?

-નિરંજન ભગત

આ કવિતા અમારે ભણવામા આવતી. કવિને મતે ખરું ઘર ક્યું છે? – એવા પ્રશ્ન પરીક્ષામાં આવતા ! આજે ઘણા વર્ષે અચાનક આ કાવ્ય હાથમાં આવ્યું છે ત્યારે -જીવનના વીસ વધુ વર્ષના અજવાળામાં આ કાવ્ય વાચું છું- તો સમજાય છે કે ભગતસાહેબે કેટલી મોટી વાત કરી છે. ઘર હોવું અને ‘ઘર’ હોવું એ વાતમાં ફરક છે. અને જ્યાં મન મળે એ બધી જગાએ ખરે તો ઘર જ છે. બંને વાતને કવિએ બખૂબી અહીં સમાવી લીધી છે.

Leave a Comment