હું કશું સમજ્યો નથી એવું નથી,
હું બધું સમજ્યો છું એ તકલીફ છે.
વિવેક મનહર ટેલર

તો અમે આવીએ… – વિનોદ જોશી

આપી આપીને તમે પીંછું આપો
        સજન ! પાંખો આપો તો અમે આવીએ…

ચાંદો નીચોવી અમે વાટકો ભર્યો
        ને એને મોગરાની કળીએ હલાવ્યા,
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
        અમે ઊંબરની કોર લગી લાવ્યાં

આપી આપી ને તમે ટેકો આપો
        સજન ! નાતો આપો તો અમે આવીએ…

કાગળની કાળઝાળ રેતી વિંઝાય
        અને લેખણમાં છોડી છે લૂ;
આંગળિયું ઓગળીને અટકળ થઈ જાય
        અમે લખીએ તો લખીએ પણ શું ?

આપી આપી ને તમે આંસું આપો
        સજન ! આંખો આપો તો અમે આવીએ…

– વિનોદ જોશી

વિનોદ જોશી એમના તળપદાં ગીતો માટે જાણીતા છે. સંબંધોમાં આપવામાં અડધુપડધું કશું ચાલે નહીં. કવિએ એ નાજૂક વાત આ ગીતમાં બખૂબી કહી છે. આટલા ઉઝરડાને શમણું ઓઢાડી, અમે ઊંબરની કોર લગી લાવ્યાં.આપી આપી ને તમે ટેકો આપો, સજન ! નાતો આપો તો અમે આવીએ. એ મારી અતિપ્રિય પંક્તિ છે.

4 Comments »

 1. Suresh Jani said,

  July 6, 2006 @ 9:45 am

  સૂફી શૈલી મુજબ થોડું આઘે જોઇએ તો આ ‘સજન’ પેલો અંતરમાં બેઠેલો સર્જનહાર, આપણો પોતાનો સ્વજન નથી લાગતો?
  એ જીવનભર સપનાં અને આશાઓનાં ઝાંઝવાં અને અજ્ઞાનને કારણે ઊપજતી વ્યથાઓનાં આંસું જ આપતો રહ્યો છે. કવિ તો માંગે છે આંખ – જીવવાની એક નવી જ દૃષ્ટિ , એક નવું જ પરિમાણ.
  કવિ માંગે છે ચિરંતન પ્રેમ સંબંધ, અંતર સાથેની ન ખૂટે તેવી ગોઠડી – ખાલી દેખાવનો, સાંત્વનાનો, અલ્પજીવી ટેકો નહીં.
  ખાલી હાથમાં રાખીને હલાવી જ શકીએ તેવું પીંછું નહીં પણ અનંત આકાશમાં ઉડી શકીએ તેવી પાંખો.
  આ મારું અર્થઘટન નથી. જ્યારે કવિના મુખેથી આ કવિતા સાંભળી ત્યારે ‘સજન’ બોલતાં તેમની આંગળી સૂચક રીતે ઊંચી થઇ ગઇ હતી….
  કવિના જ મૂખેથી તેમની રચનાઓ આ પરાયા દેશમાં સાંભળવા મળી એ જીવનનું એક સંભારણું બની રહેશે.

 2. ગુજરાતી સર્જક પરિચય » વિનોદ જોશી said,

  July 6, 2006 @ 9:48 am

  […] કુંચી આપો બાઇજી   તો અમે આવીએ […]

 3. જાની કાકા said,

  July 6, 2006 @ 11:28 am

  ઉપરની કોમેન્ટ લખતો હતો ત્યાં મારાં પત્નીની રાડ પડી કે કોમ્પ્યુટર છોડીને ઘરમાં વેક્ક્યુમ કરી નાંખો. એટલે વેક્યુમ કરતાં કરતાં થોડો મનનો કચરો પણ સાફ થઇ ગયો. વિચાર સ્ફુર્યો કે કવિએ પીંછું નથી જોઇતું એમ કેમ કહ્યું હશે? કવિતામાં બધી ન જોઇતી વસ્તુઓમાં આ જ એક માત્ર ઘન – સોલીડ છે. અને તે પણ નથી જોઇતી, શા માટે?
  આપણી તે સર્જનહારની ભક્તિમાં આપણે માત્ર કહેવા માટે જ સચ્ચિદાનંદની વાતો કરીએ છીએ. સત્ અને ચિત્ તો જવા દો આપણને તો એ આનંદ પણ નથી જોઇતો હોતો. આપણને તો પીંછું જ જોઇએ છે. ભક્તિમાથી એવી શક્તિ મળે તેવું ગમે છે જેના થકી, બે ચાર પીંછા મળી જાય – બસ બે ચાર જ – વૈભવ, સમૃધ્ધિ, માન, મરતબો, સત્તા, પદ, રાજપાટ.
  કવિને ઍ પીછાનો કોઇ ખપ નથી. તેમને તો જોઇએ છે, પાંખો- અને તે પણ કેવી? ગરુડરાજની પાંખો. જોનાથન લીવીંગ્સ્ટન સીગલના જેવી પાંખો, જે તેમને મુક્ત ગગનના પ્રવાસી બનાવે, આનંદ, ચૈતન્ય અને સત્યના ય પ્રદેશોની પાર લઇ જાય તેવી પાંખો.
  આ ભાવ પ્રગટાવતા આપણી મા ગુર્જરીના પનોતા પુત્રને શત શત પ્રણામ.
  આવાં સર્જનો વાંચીએ ત્યારે થાય છે કે આપણી મા જેવી આ ભાષા કેટલી સબળ છે? આવું વાંચીએ અને પીંછાની લોલુપતા છોડી એવી પાંખોની ખેવના કરીએ કે, જે આપણને કમ સે કમ સાચા આનંદની અનુભૂતિ તો કરાવે ! અસ્તુ

 4. Jayshree said,

  July 7, 2006 @ 6:24 am

  પ્રિય દાદા,

  ઘણું સરસ રીતે તમે આ સુંદર કાવ્ય સમઝાવ્યું. thank you….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment