અલગ રાખી મને, મુજ પર પ્રણયના સૂર ના છેડ
વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો !
બેફામ

મૃત્યુ : એક સરરિયલ અનુભવ – સિતાંશુ યશશ્ચંદ્ર

ખરી પછાડી પુચ્છ ઉછાળી દોડ્યા
કાળાડમ્મર ઘોડા ધોળે ખડકાળે રથ જોડ્યા.
ભડક્યા સામી છાતી અડધાં કરું બંધ જ્યાં કમાડ
ધડ ધડ ધડ ધડ આવી સીધા અથડાયા ધાડ
પાંપણ તોડી તોડ્યા ખડકો
ખોપડીઓને ભુક્કે ઊંડે આંખ મહીં જઈ પોઢ્યા.
સેળભેળ ભંગાર પડ્યો ત્યાં ગોળ ગોળ હું ફરું
મારી ને ઘોડાઓની ફાટેલી આંખે લળી ડોકિયાં કરું
અંદરથી ત્યાં
ક્યાં ક્યાં ક્યાં ક્યાં
ખરી પછાડી પુચ્છ ઉછાળી દોડ્યા
ડમ્મર, ધોળા ઘોડા, કાળે ખડકાળે રથ જોડ્યા.

– સિતાંશુ યશશ્ચન્દ્ર

(સિતાંશુભાઈની મોટાભાગની રચના મારી ક્ષમતા બહારની છે એટલે ચંદ્રકાંત શેઠે (કવિતાની ત્રિજ્યામાં) આપેલ સમજૂતીના આધારે સાભાર સંક્ષિપ્ત પ્રયાસ કરું છું)

મૃત્યુનો ‘રિયલ’ અનુભવ – આપણા પોતાના મૃત્યુનો ‘રિયલ(વાસ્તવ)’ અનુભવ શક્ય નથી; ‘સરરિયલ(પરાવાસ્તવ)’  અનુભવ શક્ય છે. વાસ્તવની અપેક્ષાએ જ આ પરાવાસ્તવ અનુભવાતું હોય છે. આ કવિતા સરરિયલના બદલે રિયલ અનુભવની વાત કરતી હોત તો પ્રેતીતિકરતાનો પાયાનો પ્રશ્ન ઊભો થાત !

અહીં મૃત્યુનું બયાન એક તરફ ગતિના પ્રતીક અશ્વ દ્વારા તો બીજી તરફ સ્થગિતતાના પ્રતીક ખડકાળા રથ વડે કરાયું છે. અશ્વ અને રથનું આ જોડાણ ગતિ-સ્થિતિના સંકુલ સંબંધનું, મૃત્યુ -જીવનના નિગૂઢ સંબંધનું દ્યોતક ન ગણાય ? કાળોડમ્મર ઘોડો એ મૃત્યુના ભયાદિ ભાવોનું સૂચન કરે છે.  જે અજ્ઞાત, જે ભયંકર તેને કાળાડમ્મર રંગમાં અવલોકવામાં એક મનોવૈજ્ઞાનિક સત્યનો જ સંચાર વરતાય.  એ કાળાડમ્મર અશ્વની ગતિને ઉઠાવ આપવામાં ખરીનો પછડાટ, પુચ્છનો ઉછાળ જેમ કારણભૂત તેમ રથ, અને તે ય પાછો ખડકાળ, ધોળો, તે ય પણ ઓછો જવાબદાર નહીં !ઘોડા દેખાય એ પહેલાં એના ડાબલા સંભળાય છે. અવાજ દ્વારા અશ્વ એની આક્રમક્તા સાથે આપણા કાવ્યાનુભવના પ્રદેશમાં પ્રવેશે છે.

આપણો અનુભવ છે મૃત્યુને આંખમાં જોવાનો. સેળભેળ ભંગાર, ખોપરીના ભુક્કા અને આંખોના કલ્પનથી મૃત્યુના આકસ્મિક આઘાતનું ઊંડું બળ, ઊંડો પ્રભાવ પામી શકાય છે. મૃત્યુનું આગમન – એની દેમાર દોડ. એ સામે બંધ કમાડરૂપે વ્યક્ત થતો પ્રતિકાઅર; પણ એ ટકવાનો નહીં. ‘ધડ ધડ ધડ ધડ’ ધાડ્ કરતાંકને અથડાતી એ હસ્તી સામે કેમ બચી શકાય?

આપણી ફાટેલી આંખ અને અશ્વની ફાટેલી આંખ વચ્ચે એક ચૈતસિક સાતત્યનો સંબંધ છે જ. મૃત્યુ આ આવ્યું, આ મારામાં પેઠું ને આ… આ સોંસરું વીંધીને ચાલ્યું ! જે દૂર હતું ત્યારે કાળુંડમ્મર – બિહામણું લાગતું હતું તે હવે શ્વેત લાગે છે. રાત(શ્યામ)- દિવસ(ધવલ)ના રૂપ અશ્વમાં ભળી જતાં લાગે. મૃત્યુ એતલે અંત નહીં, ગતિનું સાતત્ય, ચૈતસિક રૂપાંતરનું મૃત્યુ….

12 Comments »

 1. mrunalini said,

  July 11, 2009 @ 3:18 am

  મારી ને ઘોડાઓની ફાટેલી આંખે લળી ડોકિયાં કરું
  અંદરથી ત્યાં
  ક્યાં ક્યાં ક્યાં ક્યાં
  ખરી પછાડી પુચ્છ ઉછાળી દોડ્યા
  ડમ્મર, ધોળા ઘોડા, કાળે ખડકાળે રથ જોડ્યા.
  સુંદર વાસ્તવિક અભિવ્યક્તી
  મૃત્યુથી આવતાં પરિવર્તનોનું આલેખન, દારુણ-કરુણ બાહ્ય પરિસ્થિતિ વિશેના આક્રોશ અને વેદનાને અભિવ્યક્ત કરવાની મથામણો રસાકર્ષક બની છે. કાળ અને પરિસ્થિતિ પ્રમાણે
  કથાવસ્તુ પરિવર્તન પામતું રહે છે.માનસિક સમજ અને બદલાતી પરિસ્થિતિ સ્વીકારવાનો ઈનકાર જીવનને કરુણતમ બનાવે છે

 2. pragnaju said,

  July 11, 2009 @ 3:56 am

  પાંપણ તોડી તોડ્યા ખડકો
  ખોપડીઓને ભુક્કે ઊંડે આંખ મહીં જઈ પોઢ્યા.
  સેળભેળ ભંગાર પડ્યો ત્યાં ગોળ ગોળ હું ફરું
  મારી ને ઘોડાઓની ફાટેલી આંખે લળી ડોકિયાં કરું
  આટલી ભયંકર પરિવર્તનને સરળતાથી સમજીએ તો
  જેવી રીતે આપણે આખો દિવસ કામ કરીને થાકી જઈએ છીએ તો તે થાક મટાડવા રાત્રે સૂઈ જઈએ છીએ. બીજે દિવસે પાછા તાજા થઈને ઊઠીએ છીએ. તો ઊંઘ એ મૃત્યુનું નાનકડું રૂપ છે. હવે રાત્રે ઊંઘમાં બધાં અવયવોને પૂરો આરામ મળી જાય તેવી યોજના હોત તો મૃત્યુની જરૂર જ ન રહેત. સ્વપ્ન ન આવે તો મનને પણ વિશ્રામ મળી જાય છે. પણ રાત્રે ઊંઘમાં પણ પ્રાણનું કામ સતત ચાલે છે. એ બિચારો સતત કામ કર્યા કરે છે એટલે એનો થાક તો મૃત્યુથી જ ઊતરી શકે છે. એટલે મૃત્યુનો અર્થ છે – પ્રાણને આરામ પહોંચાડનારી નિદ્રા. મૃત્યુનું આ સ્વરૂપ આપણા ધ્યાનમાં આવી જાય તો મૃત્યુનું દુ:ખ કે ડર ન રહે, બલ્કે કોઈનું મૃત્યુ થાય તો આપણને આનંદ થાય.ખરી પછાડી પુચ્છ ઉછાળી દોડ્યા
  ડમ્મર, ધોળા ઘોડા, કાળે ખડકાળે રથ જોડ્યા.

 3. પંચમ શુક્લ said,

  July 11, 2009 @ 8:08 am

  સરસ કાવ્ય.

 4. himansu patel said,

  July 11, 2009 @ 7:34 pm

  i wuold like to quote another poetry from ‘surrealist poetry in English’, edited by Edward B. germain.,written by french poet Pierre Lovingcalled The Black Horse
  Rider
  With hoof on flint flint
  The black horse
  Rides:black wind,black
  against fire.

  The black horse crooks his
  forelegs,the hills split open,
  his nostrils pour flame.
  snort,snortthrough miles,
  O charge through rock.
  આ કવિતાનો મારા ‘એક કવિતા પર્યાપ્ત ચે અસ્તિત્વ માતે’ મા અનુવાદ આ રિતે વાચો
  ખરિ અથાડી પચાડી ચકમક
  દોડૅ કાળૉ ઘોડૉ
  કળૉ વાત કળૉ
  અગ્નિ સામો.

  ખરિ ઉચાળી વાકિ વળી ફોડ્યો પર્વત
  નસ્કોરા એના ફુકે ઝાળ
  ચ્હિકે ચ્હિકાટા જોજન લામ્બા
  હે હયરાજ કારાડૉ પાર etc…etc
  i figure i give you comparision

 5. વિવેક said,

  July 11, 2009 @ 10:50 pm

  આભાર, હિમાંશુભાઈ !!!

 6. Kirtikant Purohit said,

  July 12, 2009 @ 2:02 am

  રચના અને સંબંધિત અર્થઘટન સરસ રહ્યાં.

 7. P Shah said,

  July 12, 2009 @ 2:13 am

  સુંદર રચના !

 8. kirankumar chauhan said,

  July 12, 2009 @ 10:13 pm

  લયસ્તરો પર સમયાંતરે આવા અલગ શૈલીનાં કાવ્યો મળી રહે છે એથી આનંદ થાય છે. કારણ કે જે જે સાહિત્યિક આંદોલનો થયા છે એ શોખ ખાતર નથી જ થયાં પણ એ અનિવાર્યતાનું પરિણામ હતું.

 9. વિવેક said,

  July 12, 2009 @ 11:08 pm

  કિરણભાઈ,

  આપની વાત સાચી છે… આભાર !

 10. jyotsna said,

  July 16, 2009 @ 2:02 pm

  ખરેખર ખુબજ અદ્ભુત રચના. સિતન્શુ સર નિ રચના મા કશુ કેવાપણુ ન હોય ભાઇ ! વિચારતા કરિ દે સૌને .

 11. Pinki said,

  July 19, 2009 @ 1:36 am

  કવિતા તો સ-રસ… કઈક તો મૃત્યુ પર લખાયું … !!

  પણ મને એ જ સમજાતું નથી કે, મૃત્યુની કલ્પના always આટલી ભયાનક કેમ ?

  કોઈને મૃત્યુની જાણ નથી કેમ, ક્યારે, કેવી રીતે આવે ?
  પણ જિંદગીમાં ક્યારે શુ થાય – એ ક્યારેય કયાં નક્કી છે.

  નક્કી તો બસ એ જ કે- જીવનનો અંતિમ મુકામ મૃત્યુ !! તો ડર કેમ –
  એજ ‘સગાં’ જે વ્હાલાં નથી અને જે ‘વ્હાલાં’ સગાં નથી થઈ શકતાં
  તેનાથી દૂર જવાનો ડર ડરાવતો હશે ?!!

 12. Maheshchandra Naik said,

  July 21, 2009 @ 4:31 pm

  જુદા જુદા સહિત્યકારોના બ્લોગની માહિતિ માટે આભાર અને બધી જ રચનાઓ મનભાવન રહી, ડો. વિવેક્ભાઈ, અભિનદન્……..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment