પાણી ભરેલ વાદળોને ખેંચી લાવવા,
ઓછાં પડે છે, દોસ્ત ! આ શહેરોને ઝાડવાં.
વિવેક મનહર ટેલર

ગઝલ – મણિલાલ હ. પટેલ

શ્વાસ તો વ્હેતા પવન છે,
ને હૃદય જલતી અગન છે.

ઘાસ જેવી કેટલી ઘટનાઓ સૂકીભઠ પડી છે,
તું આવ ભડભડ દવ બની બળવાનું મન છે.

શ્વાસ વચ્ચે આગ વચ્ચે શ્વાસ વચ્ચે આગ છે,
આખરે તો પાનખર કવિઓનું મન છે.

સાંજનું એવું ગગન છે-
કોઈ પ્રેમીનું જ જાણે કે કફન છે.

ચોતરફ દિશાઓ દાવાનળ બની ઊભી રહી છે,
કાન ફૂંક્યા હોય જાણે એમ રઘવાયો પવન છે.

કારણોની છાતીમાં વિશ્વાસની નદીઓ નથી
કોઈ કહો કેવી તરસનું આ જતન છે ?

તું જળ બનીને આવ, હું તો રેત છું :
ભીનાશને પંપાળવાનું આ સપન છે.

હે શ્વાસ મારા કોઈ ચઢાવે તેમ ના ચઢશો તમે
પ્રેમ તો શાપિત વન છે.

લાગણીઓ લૂંટવા ટોળે મળે :
થાય ઈર્ષા એવું પતંગોનું પતન છે.

પાનખર મેં તો લીધી, અર્પણ વસંતો છે તને
સુખ નામ લે તને મારું વચન છે.

– મણિલાલ હ. પટેલ

ગઝલમાં પ્રયોગખોરી ક્યારથી શરૂ થઈ એવો પ્રશ્ન કોઈ પૂછે તો મને જવાબ આપવાનું મન થાય કે પહેલી ગઝલ લખાઈ ત્યારથી. ઘરેડમાં બંધાઈને જિંદગી જીવવી કદાચ આપણા માટે શક્ય જ નથી… નદીની જેમ માણસ કિનારા બદલતો રહે છે. શરૂઆતની ગઝલોમાં ભાવાભિવ્યક્તિના પ્રયોગ હતા, કદાચ નવ્યતર કલ્પનના પ્રયોગ હતા… સમયની સાથે છંદ-કાફિયા-રદીફ-મત્લા-મક્તાના પ્રયોગો શરૂ થયા… ગઝલમાં આકારના પ્રયોગ થયા… ત્રિકોણ ગઝલ, કુંભગઝલ, હાઈકુ ગઝલ અને યાદી બનાવવા બેસો તો આંગળીના વેઢા ખૂટી પડે… મણિલાલ પટેલની આ ગઝલમાં છંદના ગાલગાગાના અનિયત આવર્તનનો પ્રયોગ ધ્યાનાર્હ બન્યો છે.

16 Comments »

 1. Pinki said,

  June 18, 2009 @ 12:56 am

  અને પિરામિડ ગઝલ …….. ??!

  ઘાસ જેવી કેટલી ઘટનાઓ સૂકીભઠ પડી છે,
  તું આવ ભડભડ દવ બની બળવાનું મન છે.

  લાગણીઓ લૂંટવા ટોળે મળે :
  થાય ઈર્ષા એવું પતંગોનું પતન છે – સરસ

 2. પંચમ શુક્લ said,

  June 18, 2009 @ 4:34 am

  ” ઘરેડમાં બંધાઈને જિંદગી જીવવી કદાચ આપણા માટે શક્ય જ નથી… નદીની જેમ માણસ કિનારા બદલતો રહે છે.”

  બહુ સહજ રીતે વહેતી ભાવવાહી ગઝલ.

  પ્રો. મ. હ. પટેલ, સ. પ. યુનિવર્સિટિના ગુજરાતીના વિભાગના અદ્યક્ષ હતા. મારી પહેલી પ્રકાશિત ગઝલ એમના દ્વાર સંપાદિત ‘દસમો દાયકો’મા લગભગ ૧૯૯૨/૯૩ના અરસામાં પ્રગટ થઈ હતી એ કેમ ભુલાય? મારા મનસપટ પર મ. હ. પટેલ એટલે વિદ્વાન સર્જક, વિવેચક અને પ્રેમાળ વ્યકિત્વ

 3. sunil shah said,

  June 18, 2009 @ 8:25 am

  સરસ પ્રયોગ…!

 4. pragnaju said,

  June 18, 2009 @ 11:03 am

  અ દ ભૂ ત પ્રયોગ
  આ પંક્તી ગમી

  સાંજનું એવું ગગન છે-
  કોઈ પ્રેમીનું જ જાણે કે કફન છે
  ગગનને પ્રેમીનું કફન
  …કદાચ તેમની જ ચોટદાર વાત
  ઘરો લૂટ્યાં તો કબર પણ લૂટી લો,
  ઘણા શબછે તાજા ને તાજા કફન છે.

 5. mrunalini said,

  June 18, 2009 @ 11:19 am

  સામાન્ય રીતે માણસ એની ઘરેડ-રોજિંદા ઘટનાક્રમ વાળી જિંદગી જ જીવવાનું પસંદ કરે છે. આપણે બંધાયેલા રૂટિન પ્રમાણે જ બધાં કામકાજ કરીએ છીએ. પરિણામે આપણું મગજ રૂટિન પ્રકારના જ નિર્ણયો લે છે. અલબત્ત, માણસ સુનિશ્ચિત પદ્ધતિ પ્રમાણે જીવવાનું પસંદ કરે એ સ્વાભાવિક છે. એ કારણે જીવનમાં અમુક જાતની વ્યવસ્થા જળવાય છે, સલામતીનો ભાવ રહે છે.

  તેમ છતાં એકની એક ઘરેડમાં જીવાતું જીવન એકધારા, પૂર્વ નિયોજિત ક્રમમાં જ ચાલતું હોવાથી કંટાળાજનક બની જવાનો ભય રહે છે એથી માણસ જુદી રીતે વિચારતો અટકી જાય છે અને સામાન્યમાં સામાન્ય પડકારવાળી પરિસ્થિતિનો પણ સામનો કરી શકતો નથી.
  કયારેક જિંદગીની ઘરેડ અને સલામતીમાંથી બહાર નીકળીને જીવવાની ટેવ પાડવી જોઇએ. નાનું-મોટું જોખમ ઉઠાવવાની તૈયારી પણ રાખવી જોઇએ.

  લોકો એમની રૂઢિગત માન્યતાઓ, પરંપરાઓ છોડવા તૈયાર હોતા નથી. એવા લોકોને જિંદગીમાં ઘ્યેય એટલે શું એની પણ ખબર હોતી નથી. આપણે એવું જ માનીને ચાલીએ છીએ કે આપણા માટે જે નિશ્ચિત છે એને આપણે બદલી શકવાના નથી. આ એક પ્રકારની જડ-મૃત જીવનદૃષ્ટિ છે.

  ઘરેડ બહાર જઈ કરેી પ્રયોગખોરી ગમી

 6. manharmody ('મન' પાલનપુરી) said,

  June 18, 2009 @ 5:31 pm

  સાચી વાત છે. ઘણી વાર બંધારણમાં બંધાઈને લખતાં વિચારો અને ભાવ સાથે બાંધછોડ કરવી પડે છે.ીવા સમયે મણીલાલ પટેલ જેવા વિદ્વાનની આ ગઝલનું ઉદાહરણ લઈ છૂટછાટ લેવી હોય તો લઈ શકાય. પણ તે અપવાદ તરીકે જ ચાલે. બંધારણની શિસ્ત પણ પાળવી જરૂરી તો છે જ.

  પ્રસ્તુત ગઝલ ખરેખર માણવા લાયક છે.

  લયસ્તરો આવી અલભ્ય રચનાઓ શોધી શોધીને આપણને રસાસ્વાદ કરાવે છે તે માટે લાખ લાખ અભિનંદનોની અધિકારી છે.
  – ‘મન’ પાલનપુરી

 7. sudhir patel said,

  June 18, 2009 @ 8:15 pm

  સરસ પ્રયોગ.
  સુધીર પટેલ.

 8. P Shah said,

  June 18, 2009 @ 11:35 pm

  તું જળ બનીને આવ, હું તો રેત છું :
  ભીનાશને પંપાળવાનું આ સપન છે.

  સુંદર પ્રાયોગિક રચના !

 9. Vijay Bhatt ( Los Angeles) said,

  June 19, 2009 @ 12:52 am

  સારી પ્રયોગખોરી …..પ્રયોગશીલતા ગણાય્ ….!!!!

  પ્રો. મ. હ. પટેલ, સ. પ. યુનિવર્સિટિમા અમારા પાડોશી હતા ….

 10. Sandhya Bhatt said,

  June 19, 2009 @ 1:52 am

  મઝા આવી ગઈ….

 11. Kirtikant Purohit said,

  June 19, 2009 @ 5:45 am

  પ્રો.મણીભાઇ આપણા આદરણિય સાહિત્યકાર છે અને અપવાદ રુપ આ ગઝલ પ્રયોગ એમનો જાણીતો પણ છે. ગઝલ આજે સૌથી લોકભોગ્ય અને સર્જકભોગ્ય બનેલો કાવ્ય પ્રકાર છે એનું એક કારણ એ પણ છે કે તે નિતનવિનનું બિરુદ ધરાવે છે.લયસ્તરોને અભિનંદન.

 12. Bhavesh Joshi said,

  June 19, 2009 @ 8:32 am

  મણીભાઈ હ. પટેલ મારા હમ વતની અમે બન્ને પન્ચમહાલ જિલ્લા ના એક ખોબા જેવડા ગામ ના વતની. મણીભાઈ પલ્લાના અને હુ નવાગામ નો, મારા પિતાજી અને મણીભાઈ એક જ શાળા મા ભણતા. મણીભાઈ મારા થી બહુ વન્ચાયા નથી પણ તેમને ઇન્ટર્નેટ દ્વારા વિશ્વ ના ફલક પર જોઈ ને કેટલો આનન્દ થયૉ હશે તે મારા માટે વર્ણવવુ મુશ્કેલ છે. અમારે ક્યારેય તેમનો સમ્પર્ક રહ્યો નથી પણ જો આપ્નો સમ્પર્ક હોય તો મારા અભિનન્દન આપવાનુ ચુકતા નહી. ખરેખર ખુબ જ સુન્દર રચના છે.
  -Bhavesh Joshi
  Surat

 13. mrunalini said,

  June 19, 2009 @ 9:12 am

  પેડ પરર્થી બે વાર મૂકાયલી પંક્તીઓ કાઢી નાખવા વિનંતિ

 14. urvashi parekh said,

  June 19, 2009 @ 7:05 pm

  કારણો ની છાતી માં વિશ્વાસની નદીઓ નથી,
  કોઈ કહો કેવી તરસ નુ આ જતન છે?
  સરસ….

 15. charmika said,

  September 22, 2009 @ 5:03 am

  first time M H patel sir ni gazal vachhi, very nice .

 16. bharat vinzuda said,

  October 12, 2010 @ 10:33 pm

  AA PRAYOG NATHI.
  PAN GAZAL LAKHAVANI FAVAT NA ABHAVE THAYELI RACHANA CHHE

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment