હવાને પેક કરી આપું, તરસ મૃગજળથી છીપાવું,
તને સમજાવવાનો યત્ન? ના, હાંફી ગયો છું હું.
- વિવેક મનહર ટેલર

શાશ્વતી – સિતાંશુ યશશ્ચંદ્ર

સૂરજને તો ટેવ છે
લાલ રંગની લૉલીપૉપ આપીને માણસને ફોસલાવવાની.

દિવસ તો માનો ખોળો  – એના રંગબેરંગી છાપેલા સાળુમાં
મોં સંતાડીને પડ્યા રહેવાનું ગમે.

આખો  દિવસ
નાની મોટી ચીજોની આડાશ લઈને આપણે સંતાઈ રહીએ છીએ.

પણ રાત.

મેનહટ્ટનના એક યહૂદી કવિએ મારી હાજરીમાં એની પત્નીને કહ્યું હતું :
I love you, but I don’t like you.
રાત્રિના કામ્ય દેહમાં પ્રગટી જતા બ્રહ્માંડને
જ્યારે ચાહું છું ત્યારે હું નથી હોતો.

શાશ્વત તારાઓની વચ્ચે
વારંવાર મૃત્યુ પામીને વારંવાર જન્મ પામતો ચંદ્ર
કેટલી શરમથી રહેતો હશે !

અને તોપણ
વદ ચૌદશની રહીસહી આડશ પણ ફેંકી દઈને
અમાસની રાત
તારાઓના અઢળક રૂપથી ભરી ભરી પોતાની કાયાને
મારી સામે નિર્લજ્જતાથી ધરી દે છે.

ત્યારે મારીયે ભીતરથી પ્રગટી પડે છે
અરે મનેયે ના ગણકારતો
માણસાઈ વિનાનો કોઈ અતિમાનવ;

આવતા પરોઢ સુધી પંજો લંબાવીને
ઝડપી લે છે એ તાજા સૂરજને
ને રાત્રિના કમનીય પણ અગોચર અવકાશમાં
કરે છે એનો ઘા…

– સિતાંશુ યશશ્ચંદ્ર

અમુક કવિતાઓનું પોત અંગત વાત જેવું હોય છે  જે કોઈ તમને કાનમાં કહેતું હોય. આ એવી કવિતા છે. વળી સિ.ય.નું કાવ્ય છે એટલે બહુઆયામી જ હોવાનું.

રાત્રિની કમનીયતાના આ કાવ્યનું નામ કવિ શાશ્વતી આપે છે.  કવિને દિવસ ગમે છે પણ પ્રેમ રાત્રિ સાથે છે. દિવસમાં તો ખાલી પૃથ્વી દેખાય છે જ્યારે રાત્રે તો સમગ્ર બ્રહ્માંડનો વરદ દેહ ઉજાગર થાય છે. રાત્રિના સથવારે પોતાની અંદરથી જે ઊગે છે એને કવિ ‘માણસાઈ વિનાનો કોઈ અતિમાનવ’ કહે છે… એના હાથે જ રાત્રિનો – અને રાત્રિ સાથે સંકળાયેલી અનંત સંભાવનાઓનો – અંત લખાયેલો હોય છે.

7 Comments »

  1. kirankumar chauhan said,

    May 31, 2009 @ 11:28 PM

    સિતાંશુભાઇનું કાવ્ય અને આટલી સહજતાથી સમજાવવું. ક્યા બાત હૈ ધવલભાઇ!

  2. વિવેક said,

    June 1, 2009 @ 1:40 AM

    કિરણકુમારની વાત સાચી છે… સિતાંશુભાઈની કવિતા સમજવી મારા માટે તો આકાશકુસુમવત્ છે !!

    આ ભાગ ખૂબ જ ગમી ગયો:

    શાશ્વત તારાઓની વચ્ચે
    વારંવાર મૃત્યુ પામીને વારંવાર જન્મ પામતો ચંદ્ર
    કેટલી શરમથી રહેતો હશે !

  3. પંચમ શુક્લ said,

    June 1, 2009 @ 4:06 AM

    કેવું સુંદર કાવ્ય !

    કવિને દિવસ ગમે છે પણ પ્રેમ રાત્રિ સાથે છે. દિવસમાં તો ખાલી પૃથ્વી દેખાય છે જ્યારે રાત્રે તો સમગ્ર બ્રહ્માંડનો વરદ દેહ ઉજાગર થાય છે. સામાન્યથી અસામાન્ય અને ગોચરથી અગોચર તરફનું સંક્રમણ એટલે દિવસનું રાતમાં ગમન.

    થોડામાં ઝાઝું કહી કાવ્યને સરળતાથી ઊઘાડી આપવું એ ધવલની ખૂબી છે. આભાર ધવલ.

  4. Pinki said,

    June 1, 2009 @ 7:09 AM

    દિવસે તો ચહેરા પર મ્હોરું પણ
    રાત પડતાં એનોય થાક લાગતો હશેને… ?!!

  5. pragnaju said,

    June 1, 2009 @ 2:14 PM

    મેનહટ્ટનના એક યહૂદી કવિએ મારી હાજરીમાં એની પત્નીને કહ્યું હતું :
    I love you, but I don’t like you.
    રાત્રિના કામ્ય દેહમાં પ્રગટી જતા બ્રહ્માંડને
    જ્યારે ચાહું છું ત્યારે હું નથી હોતો.

    શાશ્વત તારાઓની વચ્ચે
    વારંવાર મૃત્યુ પામીને વારંવાર જન્મ પામતો ચંદ્ર
    કેટલી શરમથી રહેતો હશે !

    સુંદર
    અને ધવલભાઈનું રસદર્શન

  6. sudhir patel said,

    June 1, 2009 @ 5:16 PM

    ગહન અછાંદસનું સરળ અને સરસ રસ-દર્શન!
    સુંદર પસંદગી અને રસ-દર્શન બન્ને માટે આભાર, ધવલભાઈ!
    સુધીર પટેલ.

  7. ઊર્મિ said,

    June 2, 2009 @ 8:58 AM

    મજાનું મોઘમ કાવ્ય… અને ધવલભાઈનો સ-રસ રસાસ્વાદ વાંચવાની તો વધુ મજા પડી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment