સૂમસામ માર્ગ પર હજી તાજી સુગંધ છે,
કોઈ કહો, વસંતની ક્યાં પાલખી ગઈ ?
ભગવતીકુમાર શર્મા

ગુજરાત – ચંદ્રવદન ચી. મહેતા

ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી,
ધરાતલ ઘૂમો ક્યહીં નહિ મળે રૂડી ચોતરી
પ્રફુલ્લ કુસુમો તણી, વિવિધરંગ વસ્ત્રે ભરી,
સરોવર, તરુવરો, જળભરી નદીઓ ભળી
મહોદધિ લડાવતી નગરબદ્ધ કાંઠે ઢળી
પ્રદેશ પરદેશના સહુ થકી અહીં ગુર્જરી !
ભરી તુજ કૂખે મનોરમ વિશાળ લીલોતરી
સદા હૃદય ઠારતી; અવર કો ન તું પે ભલી.

નહીં હિમસમાધિમાં શિખર નીંદરે, કે ખરે
ઉષાકમળની અહીં ધ્રુવપ્રદેશની લાલિમા
નથી, ઘણું નથી: પરંતુ ગુજરાતના નામથી
સદા સળવળે દિલે ઝણઝણે ઊંડા ભાવથી
સ્ફુરે અજબ ભક્તિની અચલ દીપરેખા, અરે
લીધો જનમ ને ગમે થવું જ રાખ આ ભૂમિમાં.

– ચંદ્રવદન ચી. મહેતા

આજે પહેલી મે. ગુજરાત સ્થાપના દિન. ગરવી ગુજરાતના ગરવા ગુજરાતી હોવાનો ગર્વ કોના હૈયે ન હોય? કવિ મજાની વાત લઈને આવે છે. આખાયે ભારતદેશની એક-એક જગ્યાઓ ખૂંદી વળી બધી જગ્યાની તમામ લાક્ષણિક્તાઓ જોઈ વળો તો પણ જે વાત ગુજરાતમાં છે એ તમને બીજે ક્યાંય નહીં જ મળે એ હકીકત પર કવિ મુશ્તાક છે. અન્યત્ર હોય એવું ઘણું અહીં નથી છતાં ગુજરાતના નામમાત્રથી જે ભાવ અને ભક્તિ હૃદયમાં જાગે છે એ બીજે ક્યાંય નથી અને એથી જ તો કવિ મૃત્યુ પણ આજ ભૂમિમાં મળે એવી અભીપ્સા વ્યક્ત કરે છે.

11 Comments »

 1. Jayshree said,

  May 1, 2009 @ 1:26 am

  ગુજરાતદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…!
  સાચ્ચે… ગુજરાતી હોવાની વાત જ કેવી ગર્વ લેવા જેવી છે..

  મઝાનું સોનેટ..!

 2. Zenith Surti said,

  May 1, 2009 @ 2:56 am

  ખુબજ સુંદર રચના..

  ઝેનિથ સુરતી,
  મારો બ્લોગઃ “મારી વિચારધારા”
  http://gujjuzen.blogspot.com/

 3. Pinki said,

  May 1, 2009 @ 3:23 am

  ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત !!
  જય ગુર્જરી …

  ગુજરાત દિને હૃદયપૂર્વક શુભેચ્છાઓ.

 4. Parul T. said,

  May 1, 2009 @ 4:31 am

  જય જય ગરવી ગુજરાત્
  ખૂબજ સરસ

 5. P Shah said,

  May 1, 2009 @ 8:01 am

  ગુજરાતદિનની શુભેચ્છાઓ…!
  મને ગર્વ થાય છે ગુજરાતી હોવાનો !
  જય ગુજરાત !

 6. preetam lakhlani said,

  May 1, 2009 @ 8:24 am

  દોસ્તો મારા માટે તો મહારાસ્ટ પણ ગુજરાત જેટલુ પ્રિય આજના શુભ દિને, બને રાજયનો ભર પુર વિકાસ થાય એવી પ્રભુને તન મન થી પ્રાથના…..

 7. sneha said,

  May 1, 2009 @ 8:37 am

  ખૂબ જ સરસ રચના છે.મારી કોમ્યુનિટિ છે ઓરકુટમાં-“ગરવી ગુજરાત” કરીને..હું આપશ્રી ની રજા લઈને આ રચના તમારા બ્લોગની લિંક સાથે ત્યાં પોસ્ટ કરવા ઈચ્છુ છું.જો તમને વિરોધ હોય તો મને મહેરબાની કરીને જણાવજો. ફક્ત વધુ ને વધુ લોકો સુધી આ રચના પહોંચે એવો જ મારો વિચાર છે.પણ તમને ના ગમે તો હું એ પોસ્ટ ડિલીટ કરી દઈશ.
  સ્નેહા-અક્ષિતારક.

 8. Pancham Shukla said,

  May 1, 2009 @ 10:09 am

  લીધો જનમ ને ગમે થવું જ રાખ આ ભૂમિમાં.

  ખૂબ જાણીતી, લોકજીભે ચડેલી પંક્તિ.

 9. sudhir patel said,

  May 1, 2009 @ 10:16 am

  ગુજરાત-દિનની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
  સુધીર પટેલ.

 10. વિવેક said,

  May 2, 2009 @ 1:39 am

  પ્રિય સ્નેહાજી,

  ચંદ્રવદન મહેતાની પૂર્વાનુમતિ લીધા વિના જ અમે પણ આ કૃતિ અહીં મૂકી છે. આપ આપના ગ્રુપમાં આ કૃતિ ચોક્કસ જ મૂકી શકો, બસ કવિનું નામ મૂકવાનું ભૂલશો નહીં…

 11. pragnaju said,

  May 2, 2009 @ 11:30 am

  ખૂબ સરસ રચના
  ગુજરાતદિનની શુભેચ્છાઓ…!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment