જો બારણું તૂટે તો સરખું કરાય પાછું,
વાતાવરણ એ ઘરનું ક્યાંથી લવાય પાછું?

ગઈકાલ જે વીતી ગઈ એ ઓરડો નથી કૈં,
કે મન પડે તરત એમાં જઈ શકાય પાછું.
અનિલ ચાવડા

આ ચાર ક્ષણ – રમેશ પાનસે (અનુ. જયા મહેતા)

ઓહો !
જોયું ?
મારી જિંદગીમાં આનંદની મહાન
આ ચાર ક્ષણ !
જેને માટે જીવવાની ઝંખના રાખી હતી !

આ પહેલી
મુંબઈની ગાડીગર્દીમાં મેં એક મોકળો શ્વાસ લીધો.
બીજી
મેં તને મારી કહેવાનું ઠરાવ્યું.
ત્રીજી
આકાશ સ્વચ્છ દેખાયું ગણગણાટ વગર.
ચોથી
મેં તેને ઓળખ્યો : તે પણ એક માણસ જ.

હું હવે સમાપ્ત થવાની શરૂઆત કરું છું.

– રમેશ પાનસે
(અનુ. જયા મહેતા)

કેટલું સીધું જીવન ! માત્ર ચાર એષણા… માત્ર ચાર ક્ષણ… ! એકમાં ભીડને ઓળંગી જવી, બીજામાં એકલતા ઓળંગી જવી, ત્રીજામાં પૃથ્વીને ઓળંગી જવી અને ચોથામાં ઈશ્વરના નિગૂઢત્વને ઓળંગી જવું.  બોલો, છે ને કવિની કમાલ ?

ને બધું મળી ગયા પછી શું ? તમામ પ્રાપ્તિનું અંતિમ ધ્યેય શું ? – સમાપ્ત થવાની શરૂઆત ! Nothingness is our origin, and it is also our destiny.

8 Comments »

 1. KIRANKUMAR CHAUHAN said,

  March 30, 2009 @ 10:15 pm

  અદભુત કાવ્ય અને સુંદર સમજૂતી.

 2. P Shah said,

  March 30, 2009 @ 10:55 pm

  જિન્દગી એટલે મૃત્યુ તરફનું પ્રયાણ જ ને !

  એક સુંદર અછાંદસ રચના !

 3. વિવેક said,

  March 31, 2009 @ 12:11 am

  સુંદર રચના…. સમજૂતી ન આપી હોત તો કદાચ ઉપરથી જ જાત… !!!

 4. Pinki said,

  March 31, 2009 @ 12:27 am

  ચાર દિનકી ચાંદની , ફિર અંધેરી રાત…. !!

  જો કે કવિ તો માત્ર ચાર ક્ષણની જ વાત કરે છે..
  પણ મનુષ્યને ચાર ‘દિન’ નહિં ચાર જન્મ પણ ઝંખના મુજબ મળે
  તો પણ સમાપ્ત થવાની શરુઆત એને નહિં કરવી હોય ?!!

  સુંદર અર્થઘટન

 5. sunil shah said,

  March 31, 2009 @ 6:11 am

  સરસ રચના…
  ધવલભાઈ સરસ સમજૂતિ બદલ ધન્યવાદ.

 6. ઊર્મિ said,

  March 31, 2009 @ 10:13 am

  સાવ સાચી વાત છે… આસ્વાદ વગર આ કવિતા સીધી ઉપરથી જ જાત ! 🙂

 7. pragnaju said,

  April 2, 2009 @ 10:59 pm

  ચોથી એષણા મટે તો તેનો અણસાર થાય
  ખૂબ મઝાની વાત્

 8. અનામી said,

  April 6, 2009 @ 10:03 am

  એકદમ વાસ્તવદર્શી રચના.. એષણાઓ ચાર હોય કે ચારસો કે પછી ચાર હજાર….. અરે એષણાઓ પુરી થાય કે ના થાય સમાપ્તિ એ જ અંતિમ લક્ષ્ય હોઈ શકે અને તેથી સમાપ્તિ સુધીમાં થઈ હોય એ પુરી કરી લેવી અને સીધો હિસાબ છે જેમ એષણાઓ ઓછી તેમ સમાપ્તિ સમયે સંતોષ વધુ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment