માળિયું ખાલી કરું હું લાખ, ખાલી થાય નહિ,
કંઈનું કંઈ ઘસડી જ લાવે યાદનો વંટોળિયો.
વિવેક ટેલર

ગઝલ – ડૉ. રઈશ મનીઆર

દીવાનગીની હદ સુધી મુજથી ન જવાયું
ટળવળતું રહ્યું સ્વપ્ન ફરી એક નમાયું

તુજ આત્મકથામાં થયો ઉલ્લેખ ન મારો
એક પાનું જો કે સાવ તેમાં કોરું રખાયું

કાંટા હવે ખૂંચે છે તો ઘા પણ નથી પડતા
ક્યારે તે રુઝાયું છે જે ફૂલોથી ઘવાયું

તારી સ્મૃતિ તારા જ વિચારો અહીં દાટ્યા
ને નામ કબર પર છતાં મારું જ લખાયું

ઇતિહાસ લખાયો તે ઘડી નામ કોઇનું
સગવડતાભરી રીતે ‘રઈશ’ ભૂલી જવાયું

(ડૉ. રઈશ એ. મનીઆર (૧૯-૮-૧૯૬૬) વ્યવસાયે બાળરોગ નિષ્ણાંત અને કર્મે કવિ. મારા જ શહેરના અને મારા કાવ્યગુરૂ રઈશ ગુજરાતી ભાષાની ઝળહળતી આજ અને આવતીકાલ છે. ધર્મ અને સમાજના ઢાંચાને એ વર્ષો પહેલાં જ વળોટી ગયેલાં અને એના પુરાવા કોલેજના નોટીસબૉર્ડ પર એમની કવિતાની નીચે લખેલા નામના પ્રથમ મૂળાક્ષરો R.A.M. થી માંડીને હિંદુ છોકરીને જીવનસાથી બનાવવા સુધી વિસ્તરેલા છે. ધોમધીખતી તબીબી પ્રેક્ટીસને નિયંત્રિત કરીને શબ્દની આરાધના કરવાનું તપ ફક્ત સરસ્વતીનો આ અલગારી ઉપાસક જ કરી શકે. ગઝલના છંદોને સંગીતના સૂર સાથે સાંકળીને સાવ સરળ બનાવતું પુસ્તક, ગુલઝારની કવિતાઓનો સમાન છંદસહિત અનુવાદ તથા ઊર્દૂ અને ગુજરાતી ગઝલનો ઇતિહાસ – આ ત્રણ આગામી પુસ્તકો નિઃશંક આપણી ભાષાના સીમાચિહ્ન બની રહેશે.)

5 Comments »

 1. ધવલ said,

  January 29, 2006 @ 11:53 am

  તુજ આત્મકથામાં થયો ઉલ્લેખ ન મારો
  એક પાનું જો કે સાવ તેમાં કોરું રખાયું

  અદભૂત ! Ram વાળી વાત મને ખબર આજે જ પડી !

  – ધવલ

 2. Siddharth said,

  January 31, 2006 @ 10:22 am

  hi,

  thanks for posting details about Dr. Maniar. Very good.

  You guys are turning out to be “dynamic duo” where combined effect is not cumulative but synergistic.

  Siddharth Shah

 3. Mohammedali Wafa said,

  February 9, 2006 @ 12:30 am

  દિવાના ન થવાયું
  સારુ થયું મારાથી દિવાના ન થવાયું.
  કાંઈક તો મારુ ભલા પ્રોત સચવાયુ.

  હાથ તાળી આપનાર ખુલ્લા પડી ગયા
  મેદી રઆચેલ હાથથી દિલ ન લલચાયુ.

  સાદ તો કંઇ કેટલાયે દીધો હતો અહિંયા
  મજનુ નુ નામ હલકુ હતું ખુબ વગોવaયું.

  બધજ રંગો ‘વફા;માફ્ક નહી આવે
  ભમરાન સબંધો થી હૈયુ આ ઘવાયું
  મોહમ્મદ અલી વફa
  ૮ફેબ્રુ.૨૦૦૬

 4. Jayshree said,

  July 27, 2006 @ 2:41 pm

  વાહ.. સરસ ગઝલ છે.

  તુજ આત્મકથામાં થયો ઉલ્લેખ ન મારો
  એક પાનું જો કે સાવ તેમાં કોરું રખાયું

  કાંટા હવે ખૂંચે છે તો ઘા પણ નથી પડતા
  ક્યારે તે રુઝાયું છે જે ફૂલોથી ઘવાયું

  ડૉ. રઈશ મનીઆર વિષે જાણીને પણ ઘણો આનંદ થયો.
  આભાર, વિવેકભાઇ.

 5. jitesh said,

  April 23, 2009 @ 4:26 am

  ખુબ સરસ છે
  RAM ગમ્યુ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment