કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા !
મૂકેશ જોશી

વેલેન્ટાઈન-વિશેષ :૨: તું – રેઇનર મારિયા રિલ્કે (અનુ. મહેશ દવે)

મારી આંખો ફોડી નાંખો : છતાંય હું જોઈ શકીશ;
મારા કાનને ભોગળ વાસી દો : છતાંય હું સાંભળી શકીશ,
તું હોય ત્યાં પગ વગર પણ હું ચાલી આવીશ
અને જીભ વગર પણ તારા અસ્તિત્વને સાદ દઈશ.
મારા હાથ કાપી નાખો :
મારા હૃદયની ઝંખનામાં
મુઠ્ઠીની જેમ તને જકડી રાખીશ,
હૃદયને બંધ કરી દો ને મારું ચિત્ત તારા ધબકાર કરશે,
અને મારા ચિત્તને બાળી મૂકશો
તો મારા લોહીમાં તું વહેતી રહેશે.

– રેઇનર મારિયા રિલ્કે
(અનુ. મહેશ દવે)

જર્મનીના મશહુર કવિ રિલ્કેની નાની છતાં બળુકી રચના. પ્રેમના ઉત્કટ ભાવને તીવ્રતાથી રજૂ કરતી આ કૃતિ ‘મારા’થી શરૂ થઈ ‘તું’ પર સમાપ્ત થાય છે. સફળ પ્રેમની લાં…બીલચ્ચ યાત્રા પણ હકીકતમાં તો ‘હું’થી ‘તું’ સુધીની જ છે ને ! આંખ-કાન-જીભ-હાથપગના રૂપમાં કવિ દૃષ્ટિ-શ્રુતિ-વાચા-સ્પર્શ એમ એક પછી એક ઈન્દ્રિયને ન્યોછાવર કરવાનું આહ્વાન આપે છે. ઈંદ્રિયાતીત થયા પછી હૃદય અને આખરે જો ચિત્તનો પણ નાશ કરવામાં આવે તોય કવિ મુસ્તાક છે પોતાના પ્રેમ પર કે મારા લોહીમાં તો તું વહેતી જ રહેશે… આ જ તો પ્રેમ છે!

5 Comments »

 1. pragnaju said,

  February 14, 2009 @ 9:34 am

  હૃદયને બંધ કરી દો ને મારું ચિત્ત તારા ધબકાર કરશે,
  અને મારા ચિત્તને બાળી મૂકશો
  તો મારા લોહીમાં તું વહેતી રહેશે.
  ખૂબ સુંદર અભિવ્યક્તી
  સુફી સંતોની “ઇશ્કે હકીકી ” જે તેમની કવ્વાલી અને સંગીતની ધૂન સાથે ફૂદરડી ફરતાં ફરતાં તન્મય થઈ જાય છે તે, કે જે રુહાની અહેસાસ કરાવી જાય છે ! સૂફી સંતો આશિકના રુપમાં ઇશ્વર યા ખુદાનું ચિન્તવન કરે છે,આ માટે તેઓએ પ્રેમની પરાકાષ્ઠા રુપે આશિકી ભાવ જ પસંદ કર્યો . પ્રેમી કે પ્રિયતમા સાથેનો પ્રેમ જ અમર્યાદ છે. ત્યાં કોઇ મર્યાદા આડે આવતી નથી. નથી શરીરની મર્યાદા આડે આવતી કે નથી મનની ! નથી કોઇ શર્તો કે નથી કોઇ બંધન, સમાધી જેવો નશો, સ્વપ્નમાં ડુબાડી દેતો નશો, ભાન ભૂલાવી દે તેવો નશો ફક્ત આ એક જ પ્રકારના પ્રેમ- મીરા કહો કે રાધા, કબીર કહો કે સૂફી સંતો, પ્રેમ… પ્રેમ.. આ જ છે “ઢાઇ અક્ષર પ્રેમ…”
  ટહૂકે ટહૂકે ઓગળવું એ પ્રેમ.. સખી દે, તાળી..

 2. ધવલ said,

  February 14, 2009 @ 10:35 pm

  સરસ !

 3. Rajendra Trivedi, M.D. said,

  February 15, 2009 @ 8:48 am

  આ કવિતા નથી
  આત્માનો અવાજ છે.
  ગીતામાઁ એજ કહ્યુઁ છે.

  ” નૈ નૈ છિઁદતિ શસ્ત્રાનિ નૈ નઁ દહતિ પાવક…..”
  આ તો તુ હિ તુ ની પુકાર છે.

  રાજેન્દ્ર ત્રિવેદી

 4. Kishore Modi said,

  February 15, 2009 @ 11:08 am

  સરસ ઘણું ગમ્યું અભિનન્દન

 5. ગુજરાત નો મન ઝરુખો » મારા શ્વાસની શબ્દો સુધીની યાત્રા said,

  March 31, 2009 @ 11:11 pm

  […] જર્મન કવિ રિલ્કેની કવિતા ‘તું’ પરથી […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment