‘ઓજસ’ તું એને પૂછ મજા ઈંતેજારની,
જેને મિલનપ્રસંગે જુદાઈનો ગમ રહે.
ઓજસ પાલનપુરી

ચાલને, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ – ઉમાશંકર જોશી

ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ.
લહરી ઢળકી જતી,
વનવનોની કુસુમસૌરભે મત્ત છલકી જતી,
દઈ નિમંત્રણ અમસ્તી જ મલકી જતી,
સ્વૈર પથ એહનો ઝાલીએ,
ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,
ચાલને !

વિરહસંત્રપ્ત ઉર પર સરે મિલનનો
સ્પર્શ સુકુમાર, એવો ઝરે નભ થકી ચંદ્રનો
કૌમુદીરસ અહો !
અવનિના ગ્રીષ્મહૈયા પરે પ્રસરી કેવો રહ્યો !
ચંદ્રશાળા ભરી ઊછળે,
આંગણામાં ઢળે,
પેલી કેડી પરે લલિત વનદેવીસેંથા સમો ઝગમગે,
દૂર સરવર પટે મંદ જળના તરંગો પરે તગતગે.
અધિક ઉજ્જવળ કરંતો જ તુજ ભાલને, ગાલને.
સોમ એ હ્રદયભર પી ઘડી મ્હાલીએ,
ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,
ચાલને !

-ઉમાશંકર જોશી

2 Comments »

  1. Suresh Jani said,

    July 11, 2006 @ 9:31 pm

    હરીન્દ્ર દવે નું કાવ્ય ‘ ચાલને વરસાદની મોસમ છે, વરસતા જઇએ’ યાદ આવી ગયું.

  2. લયસ્તરો » પ્રભાત સૂર્યમાં - ઉશનસ્ said,

    April 3, 2007 @ 7:01 pm

    […] થોડા વખતથી બધી ગંભીર રચનાઓ જ મનમાં આવે છે. એટલે આ વખતે ખાસ આ પ્રસન્ન રચના શોધી ! આવું જ એક ગીત ઉમાશંકરનું પણ છે – ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ. […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment