ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે
જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે
મિલાવ હાથ ભલે સાવ મેલોઘેલો છે
હૃદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે
રાજેશ વ્યાસ 'મિસ્કીન'

કોને ખબર ? – રમેશ પારેખ

પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?

શ્હેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશિખ ઉજ્જડ રહી ગયું કોને ખબર ?

શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મરણ?
એને મારું એક મન ઓછું પડ્યું ? કોને ખબર ?

સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સતત,
ને સવારે આંખમાંથી શું વહ્યું ? કોને ખબર ?

માછલીએ એકદા જળને પૂછ્યું : તું કોણ છે ?
એનો ઉત્તર શોધવા જળ ક્યાં ગયું, કોને ખબર ?

મેં અરીસાને અમસ્તો ઉપલક જોયો, રમેશ
કોણ એમાંથી મને જોતું રહ્યું, કોને ખબર ?

– રમેશ પારેખ

6 Comments »

  1. વિશાલ મોણપરા said,

    January 4, 2006 @ 12:47 AM

    એક નાજુક નમણી વેલ જેવી અતિશય સુંદર ગઝલ

  2. શબ્દ છે શ્વાસ મારા said,

    January 5, 2006 @ 9:03 AM

    શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મરણ?
    એને મારું એક મન ઓછું પડ્યું ? કોને ખબર ?

    -રમેશ પારેખ જેટલું આપશે, ઓછું જ પડશે આપણી ભાષા ને!

    વિવેક ટેલર

  3. Anonymous said,

    January 5, 2006 @ 9:55 PM

    khub saraslakhan che. Ramesh parek no joto nathi. AAtlu rhyaday sparshi ane sahitya thi bharpur lakhan juj jova male che.

  4. Vaishali Tailor said,

    January 9, 2006 @ 1:21 AM

    રમેશ પારેખની એક બીજી સુંદર રચના…….,

    ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ? તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ?

    પાંદડાએ પૂછ્યુ કે, મારું નામ પાન છે તો શા માટે તારું નામ ઝાડ છે?

    શા માટે તારી ને મારી વચ્ચાળ આમ ડાળી ને ડાળખાંની આડ છે?

    ઝાડવું કહે કે તારી વહાલુડી લીલપને સાચવું છું, આવડે છે એમ!

    પાંદડું કહે કે, મારે અડવું આકાશને
    ને તું મને શા માટે બાંધતું ?

    ઝાડવું કહે કે, એ તો ધરતીનું વ્હાલ છે…
    જે સૌ સાથે આપણને સાંધતું

    તૂટવાનો અર્થ તને અડકે નહીં , એને હું કહું મારો પ્રેમ !

  5. narmad said,

    January 9, 2006 @ 2:26 PM

    ખૂબ સરસ કાવ્ય. આભાર. ર.પા.ના કાવ્યો હંમેશા અલગ ભાત પાડે છે – મનને અડી જાય છે.

    -ધવલ.

  6. Mohammedali Wafa said,

    February 12, 2006 @ 1:36 AM

    પાંદડુ
    પાંદડુ પીળું થયું તો શું થયું.
    કોક દિ તો એને ખરવું રહ્યું.

    ઝાડની કેવી અડગ વીરતા,
    આવશે બીજાં છોને એ ગયું.

    રંગ વસંત નો રહ્યો કંઇ સ્વાર્થી,
    બાગ નિરખી ચરણ લપસી પડ્યું.

    સ્મારણને તો મરણ સુધી સબંધ્,
    એનુ ઝરણ શાહીમા ક્યારે વહ્યું.

    સ્વપનમા તુ વહી ગઈ રઅત્રે,
    ને સવારે હૈયાનુ માતમ થયું.

    માછ્લી જળ વગર ક્યારે રહે,
    પોતાનુજ સરનામુ પુછવુ પડ્યું.

    આયનામા જોતાં શું પડશે ફરક,
    તુ ગયો “વફા”તુજ પ્રતિબિંબ ગયું.

    મોહંમદ અલી વફા ૧૧ફેબ્રુ.૨૦૦૬

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment