ક્રૌંચવધના સમય જે દર્દ હશે, દર્દ એવું જ આજે જન્મ્યું છે;
હૈયું તારું વીંધાયું ત્યાં ને અહીં એ જ પંક્તિઓ પાછી સ્ફુરી છે.
વિવેક ટેલર

ગઝલ – ગની દહીંવાલા

લે કાળ ! તને સંતોષ થશે, હું તારે ઈશારે ચાલું છું,
જીવનની સફર પૂરી કરવા તલવારની ધારે ચાલું છું.

ચોમેરથી થપ્પડ મારે છે તોફાનનાં ધસમસતાં મોજાં,
લોકોની નજર તો નીરખે છે, હું શાંત કિનારે ચાલું છું.

ફૂટીને રડે છે મુજ હાલત પર મારા પગનાં છાલાંઓ,
કંટકથી ભર્યા પંથે આંખો મીંચીને જ્યારે ચાલું છું.

છે નામનો ગૃહસ્થાશ્રમ પણ ઠરવાનો વિસામો ક્યાંય નથી,
જ્યાં થાક જીવનને લાગે છે, હું તેમ વધારે ચાલું છું.

થાકીને ઢળી જ્યાં દેહ પડે, બસ ત્યાં જ હશે મંઝિલ મારી,
એથી જ હું નિજને થકવું છું, બસ એ જ વિચારે ચાલું છું.

સંકટ ને વિપદના સંજોગો ! વંટોળ ને આંધીનાં દૃષ્યો !
સોગંદથી કહેજો હું તમથી ગભરાઈને ક્યારે ચાલું છું ?

ઓ સૂરજ, ચંદ્ર, સિતારાઓ ! ઓ આકાશે ફરનારાઓ !
આ ધરતી પર ચાલી તો જુઓ, જ્યાં સાંજ સવારે ચાલું છું !

વ્હેતી આ સરિતા જીવનની, સુખ–દુઃખ એના બે કાંઠાઓ,
લઈ જાય છે મારું ભાગ્ય ‘ગની’, હું એક કિનારે ચાલું છું.

-ગની દહીંવાલા

‘હૈ તો હૈ’ ફેમ દિપ્તી મિશ્રના સંગ્રહની પ્રસ્તાવનામાં કાલે એક મજાની વાત વાંચી. એ કહે છે કે જીવનના ઋણમૂલક (-)ને જેમ જેમ ઊભી લીટીથી કાપતી ગઈ એમ એમ ધનમૂલક (+) થતું ગયું… નકારાત્મકતાને સકારાત્મક્તામાં ફેરવવાની આ વાત કેવી મજાની છે! આ આખી ગઝલ આજ વાતનો પડઘો નથી?!

10 Comments »

  1. dr bharat said,

    May 20, 2010 @ 3:33 AM

    આવિજ એક મજાની ગઝલ………..
    રમીએ

    સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,

    ચાલ મજાની આંબાવાડી! આવળબાવળ રમીએ.

    બાળસહજ હોડી જેવું કંઈ કાગળ કાગળ રમીએ,

    પાછળ વહેતું આવે જીવન, આગળ આગળ રમીએ.

    માંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવી,

    બાધાને પણ બાધ ન આવે, શ્રીફળ શ્રીફળ રમીએ.

    તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં,

    છળના રણમાં છાનામાના મૃગજળ મૃગજળ રમીએ.

    હોય હકીકત હતભાગી તો સંઘરીએ સ્વપ્નાંઓ,

    પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ.

    ફરફર ઊડતું રાખી પવને પાન સરીખું પહેરણ,

    મર્મર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ.

    હુંય ગની, નીકળ્યો છું લઈને આખોપાખો સૂરજ,

    અડધીપડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ.

    ગની દહીંવાળા

  2. sapana said,

    May 20, 2010 @ 4:46 AM

    થાકીને ઢળી જ્યાં દેહ પડે, બસ ત્યાં જ હશે મંઝિલ મારી,
    એથી જ હું નિજને થકવું છું, બસ એ જ વિચારે ચાલું છું.

    સરસ ગઝલ છે.ભારતભાઈએ લખી એ પણ સુંદર ગઝલ્.ગનીભાઈ એટલે પછી શું કહેવાનુ!!
    સપના

  3. pragnaju said,

    May 20, 2010 @ 6:26 AM

    સુંદર ગઝલના આ શેર ખૂબ ગમ્યા
    ફૂટીને રડે છે મુજ હાલત પર મારા પગનાં છાલાંઓ,
    કંટકથી ભર્યા પંથે આંખો મીંચીને જ્યારે ચાલું છું.

    છે નામનો ગૃહસ્થાશ્રમ પણ ઠરવાનો વિસામો ક્યાંય નથી,
    જ્યાં થાક જીવનને લાગે છે, હું તેમ વધારે ચાલું છું.
    યાદ્
    એકાંતે અટવાતો ચાલું
    મારાથી અકડાતો ચાલું
    હું જ મને અથડાતો ચાલું
    આ સફરની વાચાળે.

  4. Pushpakant Talati said,

    May 20, 2010 @ 6:28 AM

    વાહ ભાઈ વાહ !
    સુન્દર ગઝલ
    એક નહી પણ બે – બે.
    હા – Dr. Bharat ભાઈ એ પણ કોમેન્ટ મા આપીને ?
    સરસ – ખુબ ગમ્યુ હો ! !! !!!

  5. કિરણસિંહ ચૌહાણ said,

    May 20, 2010 @ 7:51 AM

    વાહ! ગઝલિયતથી છલકાતી ગઝલ. જોયું ને આ છે આપણા ગનીચાચા!

  6. urvashi parekh said,

    May 20, 2010 @ 8:59 AM

    ખુબજ સરસ..
    જ્યાં જીવનને થાક લાગે છે,હુ તેમ વધારે ચાલુ છુ.
    અને થાકી ને જ્યાં ઢળી પડે વાળી વાત પણ સરસ છે.

  7. sudhir patel said,

    May 20, 2010 @ 8:09 PM

    સરસ ગઝલનો આ શે’ર વધુ ગમ્યો!

    ઓ સૂરજ, ચંદ્ર, સિતારાઓ ! ઓ આકાશે ફરનારાઓ !
    આ ધરતી પર ચાલી તો જુઓ, જ્યાં સાંજ સવારે ચાલું છું.

    સુધીર પટેલ.

  8. ડૉ.મહેશ રાવલ said,

    May 20, 2010 @ 9:26 PM

    પરંપરાના ઐશ્વર્યથી છલકાતી ગની દહીવાલની આ જાજરમાન ગઝલમાં જે બારિકાઈથી ભાવ અભિવ્યક્તિની ગુંથણી થઈ છે એ કિરણભાઈએ કહ્યું એમ, ગઝલયતથી ભરપૂર છે.
    સલામ ગનીચાચા……

  9. pandya yogesh said,

    May 20, 2010 @ 11:31 PM

    સંકટ ને વિપદના સંજોગો ! વંટોળ ને આંધીનાં દૃષ્યો !
    સોગંદથી કહેજો હું તમથી ગભરાઈને ક્યારે ચાલું છું ?

    વાહ ગનિ ભઇ વાહ

  10. P Shah said,

    May 21, 2010 @ 11:57 AM

    ગઝલના બધા જ પાસાને નિપૂણતાથી આલેખતી ગઝલ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment