સામસામે થાય સિંજારવ મધુર
એ જ મનમેળાપ છે મીંઢળ વગર!
યામિની વ્યાસ

સૈયર શું કરીએ? – અનિલા જોશી

કોયલ ટહુકે સવારના
ને સાંજે કનડે યાદ
                     સૈયર, શું કરીએ?

આંખોમાં છે ફાગણિયો
ને પાંપણમાં વરસાદ
                     સૈયર, શું કરીએ?

ઊંધમાં જાગે ઉજાગરો
ને શમાણાંની સોગાદ
                     સૈયર, શું કરીએ?

મૂંગામંતર હોઠ તો મારા
ને હૈયું પાડે સાદ
                     સૈયર, શું કરીએ?

પિયર લાગે પારકું
કે સાસરિયાનો સ્વાદ
                     સૈયર, શું કરીએ?

પગમાં હીરનો દોરો વીંટાયો
ને ઝરણાંનો કલનાદ
                     સૈયર, શું કરીએ?

તનમાં તરણેતરનો મેળો
ને મનમાં છે મરજાદ
                     સૈયર, શું કરીએ?

– અનિલા જોશી

પ્રેમની વિષમતાઓ અને પ્રેમીજનની વિવશતાઓનું ઝટ જીભે ચડી જાય એવું ગીત. 

8 Comments »

  1. Jina said,

    November 11, 2008 @ 5:20 AM

    પિયર લાગે પારકું
    કે સાસરિયાનો સ્વાદ
    સૈયર, શું કરીએ?

    તનમાં તરણેતરનો મેળો
    ને મનમાં છે મરજાદ
    સૈયર, શું કરીએ?

    સ્ત્રીની આવી કૂણી – કૂણી લાગણીઓને આટલી સુંદર રીતે વાચા આપવા બદલ કવિયત્રીને અભિનંદન!!

  2. Mansi Shah said,

    November 11, 2008 @ 5:48 AM

    નૈને છલકે ભાદરવો
    ને બેય કાંઠે થયો વિષાદ
    સૈયર શું કરીએ?

  3. pragnaju said,

    November 11, 2008 @ 10:26 AM

    પગમાં હીરનો દોર વીંટાયો
    ને ઝરણાંનો કલનાદ
    સૈયર, શું કરિયેં ?
    તનમાં તરણેતરનો મેળો
    ને મનમાં છે મરજાદ
    સૈયર, શું કરિયેં ?
    સરસ અભિવ્યક્તી- લય અને ભાવમય લોકગીત!
    …યાદ આવ્યું
    સૈયર, તારા કિયા છુંદણે, મોહ્યો તારો છેલ, કહેને?
    સૈયર, તારા કિયા ફૂલની લૂમીઝૂમી વેલ, કહેને?
    કિયા વરતમાં પાંચ આંગળે કિયો પીપળો પૂજ્યો સૈયર?
    મન ભરીને મોહે એવો કિયો ટુચકો સૂઝ્યો સૈયર?
    સૈયર, તું તે કિયા મલકની છલક છલકતી હેલ, કહેને?
    કૂવાને કાંઠે કઈ ઘડીયે રહી ગઈ વાત અધૂરી?
    સૈયર, તારા ઉજાગરાની કિયા તારલે સાખું પૂરી?
    સૈયર, તું તે કઈ સુવાસે મહેકે રેલમછેલ, કહેને?

  4. sudhir patel said,

    November 11, 2008 @ 5:48 PM

    સુંદર ગીત – લોકગીતની કક્ષાએ આંબતું સરળ અને સચોટ.
    સુધીર પટેલ.

  5. uravshi parekh said,

    November 11, 2008 @ 7:49 PM

    મન ની મુન્જવણ સરસ રીતે ને રજુ કરતુ ગીત,
    ઘણિ વખત શુઁ કરવુ તે જ ખબર પડતિ નથી હોતી,
    એ બધા વિચારો ને સરસ રીતે મુક્યા છે.
    નાનિ નાની પન્ક્તિ ઘણુ ઘણુ કહી જાય છે.

  6. Pinki said,

    November 12, 2008 @ 2:14 AM

    બહુ …. જ સુંદર , મસ્ત મજાનું ગીત !!

    મીઠી મીઠી મૂંઝવણનો મીઠો મીઠો અજંપો …. !!

  7. વિવેક said,

    November 12, 2008 @ 9:43 AM

    મજાનું ગીત… તનમાં તરણેતરનો મેળો ને મનમાં મરજાદવાળી વાત ગમી ગઈ…

  8. varsha tanna said,

    November 17, 2008 @ 4:48 AM

    મસ્ત મજાનુ ગીત. હૈયાની સ્થિતિનુ હાલક ડોલક વર્ણન

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment