ફૂલ પાસે રૂઆબ ઝાકળનો,
સૂર્યના હાથમાં હથોડી છે!
– હર્ષા દવે

મા – સંદીપ ભાટિયા

sandip bhatia- Maa2
(ખાસ ‘લયસ્તરો’ માટે સંદીપ ભાટિયાનું એક સુંદર ગીત એમના પોતાના અક્ષરોમાં)

*

મારી નીંદરમાં વ્યાપ્યા અંધારાં
મા મારી પાંપણની બારસાખે ટાંગી દે
વારતામાં ટમટમતા તારા

આયખાના બંધબંધ ઓરડામાં
મા મને એકલું જાવાને લાગે બીક
આંગળી ઝાલીને તારાં હાલરડાં ચાલતાં’તાં
ત્યાં લગી લાગતું’તું ઠીક

મેળાની ભીડ મહીં ખોવાયા મા
હવે મારાં સૌ સપનાં નોંધારાં

લખભૂંસ છેકછાક એટલી કરી
કે નથી ઊકલતો એક મને અક્ષર
પાસે બેસાડી તું એકડો ઘૂંટાવે
એ આપ ફરી સોનાનો અવસર

ઝાઝેરું જાણવાની કેડીઓમાં
મા હવે અટવાઈ ઊભા વણઝારા

-સંદીપ ભાટિયા

અંધારું એટલે કાળાશનું હોવું નહીં, અંધારું એટલે સૂરજનું ન હોવું તે. અંધારું એટલે પ્રકાશની ગેરહાજરી. અંધારું એટલે જીવનના ધનમૂલક પરિબળોની બાદબાકી. ઊંઘમાં વ્યાપ્યા અંધારાં કહીને કવિ કેવો મજાનો કાકુ સિદ્ધ કરે છે! ઊંઘવા મથતા પણ ઊંઘી ન શકતા બાળકની નીંદરમાં વ્યાપેલ આ અંધારું -ઊંઘ નામના પ્રકાશની ગેરહાજરી- તો હવે મા મજેદાર વાર્તાઓના ટમટમતા તારાઓ પાંપણની બારસાખે બાંધે તો જ દૂર થવાનું છે… એક બાળકના મા સાથેના સંબંધની સુંદર પરિભાષા વ્યક્ત કરતું આજે બાળક બનીને માણીએ…

સંદીપ ભાટિયાની એક અદભુત ગઝલ -કાચનદીને પેલે કાંઠે- આપે વાંચી છે? અહીં ક્લિક્ કરો.

15 Comments »

  1. Shah Pravinchandra Kasturchand said,

    October 18, 2008 @ 6:59 AM

    મા મારી તું ક્યાં ગઈ,હું શોધું છું ઘર ઘર દ્વારે દ્વારે.
    ઊંઘ નથી,કે સપનું આવે.સપનામાં તું મળી આવે.

  2. pragnaju said,

    October 18, 2008 @ 9:08 AM

    ઝાઝેરું જાણવાની કેડીઓમાં
    મા હવે અટવાઈ ઊભા વણઝારા
    કેટલી સુંદર અભિવ્યક્તી!
    યાદ ગૂજી
    જનમથી એષણા મૃગજળની વચ્ચે અટવાઈ
    યુગાની પ્યાસ છે તૃપ્તિ કદી થનાર નથી

  3. sudhir patel said,

    October 18, 2008 @ 12:21 PM

    જેટલાં સુંદર સંદીપના અક્ષરો એટલું જ અદભૂત ગીત!
    આભાર, વિવેકભાઈ!

  4. Pravin Shah said,

    October 18, 2008 @ 12:44 PM

    સંદીપભાઇનું સુંદર ગીત !
    આ પંક્તિ ખૂબ ગમી.
    મેળાની ભીડ મહીં ખોવાયા મા
    હવે મારાં સૌ સપનાં નોંધારાં…..
    આભાર !

  5. ડૉ. મહેશ રાવલ said,

    October 18, 2008 @ 1:07 PM

    મેળાની ભીડ મહીં ખોવાયા મા
    હવે મારાં સૌ સપનાં નોંધારાં
    મા – એકાક્ષરી ગઝલ.
    આખા ગીતના ભાવકેન્દ્રમાં જે રીતે મા અને બાળકનું ઇમોશનલ એટેચમેન્ટ વણાયું છે એ ભાવકને ય બાળક બનાવી જાય એવું છે.

  6. uravshi parekh said,

    October 18, 2008 @ 1:07 PM

    ખુબ સરસ,
    લખ ભુન્સ છેકછાક એટલિ કરિ,
    કે નથિ ઉકલતો એકે અક્શર,
    પાસે બેસાડિ તુ એક્ડો ઘુન્ટાવે,
    એ આપ ફરિ સોનાનો અવસર.
    મા કેટલિ યાદ આવે છે…
    કાઇ પણ હોય, સારુ કે ખરાબ, મા તો યાદ આવે જ.
    ગુજરાતિ લખવામા બહુ ભુલો થાય છે.
    sorry.

  7. સુનિલ શાહ said,

    October 18, 2008 @ 10:48 PM

    મારી નીંદરમાં વ્યાપ્યા અંધારાં
    મા મારી પાંપણની બારસાખે ટાંગી દે
    વારતામાં ટમટમતા તારા

    અદભૂત પંક્તિઓ..સુંદર ગીત

  8. ASMITA SHAH said,

    October 19, 2008 @ 3:54 AM

    અદ્ભ્ત્!શ્બ્દોનિ રચના ખુબ્સરસ !મઅરિ નિન્દેર મવ્યપય અન્ધરા, સરસ નિન્દર મ પન અન્ધરા?પાપન નિ બર્સખ અદ્ભુત્ આને તો મ સિબવય કૌન જગઅદિસકે?

    “aangadi na terava ne eklata salya kare, adh khuleli aankho aamthi j bidaya kare,”
    bidayi gayeli aankho tara palav ne shodhya kare,tara sparsh no e pamrat
    dil ne bhinjya kare,
    bhinjay gayelu dil tara chera ne shodya kare,vatsalya thi nitarti tari dhara ,dil ne shanta aapaya kare,
    jova taro cheharo juna albaum na pana pharya kare ,aayana mahi jovu maru mukh tu mane tya j malya kare.–asmita atul shah

  9. ધવલ said,

    October 19, 2008 @ 7:26 PM

    સલામ !

  10. varsha tanna said,

    October 20, 2008 @ 5:28 AM

    અદ્ભુત…બીજા શબ્દો જડતા નથી

  11. varsha tanna said,

    October 20, 2008 @ 5:29 AM

    મોટા બાળકનુ અદ્ભુત ગીત..શબ્દો જડતા નથી

  12. varsha tanna said,

    October 20, 2008 @ 5:30 AM

    મા અને બાળકના સ્ઁબધનેી ઓળખાણ

  13. ઊર્મિ said,

    October 20, 2008 @ 7:57 PM

    પાંપણની બારસાખે…. આંગળી ઝાલીને તારાં હાલરડાં ચાલતાં’તાં ત્યાં લગી લાગતું’તું ઠીક… વાહ ક્યા બાત હૈ…!!

    ખરેખર ખૂબ જ સુંદર ગીત.. પરંતુ મને તો આ બાળગીત કરતાંય મોટા થઈ ગયેલા ‘બાળક’નું ગીત વધુ લાગ્યું… જેને શૈશવને યાદ કરીને ‘મોટા’પણામાંથી હવે ફરી બાળક થઈ જવાનું થાય છે…!

  14. Sangita said,

    October 22, 2008 @ 9:22 AM

    ખૂબ જ સુંદર ગીત!

  15. JAYESH said,

    October 24, 2008 @ 5:46 AM

    વાહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment