જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
આદિલ મન્સૂરી

કેવી લડત છે – શેખાદમ આબુવાલા

સત છે અસત છે
સરતું જગત છે

કેવી લડત છે
હું છું જગત છે

દિલની લડત પર
સૌ એકમત છે

ગમ ને ખુશીનું
દિલ પાણીપત છે

તારાં નયનમાં
શી આવડત છે

શાયરનું સ્વપ્નું
શાયરની લત છે

દિલ પાળી શકશે
દિલની શરત છે

મંઝિલ બરાબર
રસ્તો ગલત છે

સર્જન વિસર્જન
જાણે રમત છે

– શેખાદમ આબુવાલા

ટૂંકી બહેરની ગઝલમાં શેખાદમ કેવી ખૂબીથી ઊંડી વાત કરે છે તે જુઓ. એક એક શેર મઝાના ચોટદાર થયા છે. અને લાઘવની એની પોતાની મઝા છે એ અલગ !

7 Comments »

  1. ninad adhyaru said,

    September 16, 2008 @ 1:12 AM

    શાયરનુ સપ્નુ શાયર્નિ લત !

    નવો વિચાર્……….

  2. વિવેક said,

    September 16, 2008 @ 3:18 AM

    મજાની ટૂંકી બહેરની ગઝલ… શાયરની ખરી કસોટી જ આવી ગઝલમાં થાય છે..

  3. sudhir patel said,

    September 16, 2008 @ 8:46 AM

    ખૂબ જ અઘરું છે ટૂંકી બહરમાં ગઝલ કહેવી અને શેખાદમને એની ફાવટ છે!
    સુધીર પટેલ.

  4. pragnaju said,

    September 16, 2008 @ 9:28 AM

    મઝાની ટૂંકી બહેરની ગઝલનાં આ શેર કેટલી ગહન વાત કહે છે!
    સત છે અસત છે
    સરતું જગત છે

    કેવી લડત છે
    હું છું જગત છે

  5. ડૉ. મહેશ રાવલ said,

    September 16, 2008 @ 12:44 PM

    ગઝલ સારી છે પણ,વિરામ ચિહ્નો મૂકાયા હોત તો અમુક પંક્તિઓમાં વધુ નિખાર આવત મને એવું લાગ્યું-જરૂરી નથી કે,બધાને એવું લાગ્યું હોય!

  6. ધવલ said,

    September 16, 2008 @ 8:06 PM

    ખરી વાત છે. વિરામચિહ્નો હોવા જોઈએ એ વિચાર મને પણ આવેલો. પણ મૂળ ગઝલમાં નથી અને મને ઉમેરવાનું ઉચિત ન લાગ્યું એટલે ગઝલ મૂળ સ્વરૂપે જ રજૂ કરી છે.

  7. વિવેક said,

    September 17, 2008 @ 1:32 AM

    સત છે, અસત છે
    સરતું જગત છે

    કેવી લડત છે
    હું છું, જગત છે

    – મારી દૃષ્ટિએ આ બે જ શેરમાં અનુક્રમે ઉલા મિસરામાં અને સાની મિસરામાં વિરામ ચિહ્નની જરૂર જણાય છે. બાકીના તમામ શેર એક સળંગ સૂત્રતા જાળવતા હોવાથી વિરામ ચિહ્ન જરૂરી લાગતા નથી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment