બેય આંખો સાવ કોરી રાખજે,
રોજ ઝાકળ રાતનાં આવે જ છે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

ઓળખાણ – શકૂર સરવૈયા

લોકો કહે છે કે મારો બૌદ્ધિક વિકાસ થયો છે.
હું
મૌન, ચુપકીદી અને નિ:શબ્દતા વચ્ચેનો ફરક
સમજી શકું છું.
કેડી, મારગ અને રસ્તાઓનો તફાવત
મારા મગજમાં બરાબર બેસી ગયો છે.
નજર નાખવી, નીરખવું, ધ્યાન દેવું
વગેરે મને સમજાવવું નથી પડતું.
મારું, અમારું,
તારું, તમારું,
પારકું, પરાયું,
બીજાનું, આપણું
આ ભેદભાવો મનમાં
રેતીમાં પડતા પગલાની જેમ ચોખ્ખા દેખાય છે
સર્વાનુમતે જાહેર થયું છે કે હું સમજણો થયો છું.
મને લોકોની નાદાની ઉપર હસવું આવે છે.
તેઓને આની ખબર નથી :
હું બધાને
બહુ સારી રીતે ઓળખી ગયો છું.

– શકૂર સરવૈયા

કોઈએ ખરૂ જ કહ્યું છે, વહેવારની સમજ એટલે લાગણીને બુરખો પહેરાવવાની કેળવણી 🙂

4 Comments »

 1. Pinki said,

  September 8, 2008 @ 2:06 am

  no words………

  દિલની કૂંચીથી જ જ્ઞાનના ભંડાર શૂન્ય પાલનપુરી કહે છે
  એમ ખૂલતા હોત તો ?

  પ્રેમ કાજે, પ્રેમ દ્વારા, પ્રેમ કેરા ટાંકણે,
  સર્જકે મુજ શિલ્પ કંડાર્યું જીવનના આંગણે;
  દિલને ઘડતાં રજ ખરી એનાથી જે કૂંચી બની,
  કામ લાગી જ્ઞાનના ભંડાર કેરા બારણે.

  – શૂન્ય પાલનપુરી

 2. વિવેક said,

  September 8, 2008 @ 2:54 am

  સુંદર કાવ્ય…

  આ કોઈ ગુજરાતી કવિનું જ કાવ્ય છે કે કોઈ પ્રપ્રાંતિય કવિની કવિતાનો અનુવાદ? શિક્ષણ અને સમજણના ઢાંચાના નામે આપને માણસોને “મારી” નાંખવાની જે ફેક્ટરીઓ ધમધમાવી બેઠા છીએ એનું માર્મિક ચિત્રણ…

 3. pragnaju said,

  September 8, 2008 @ 8:18 am

  ઘરમાં બાળકને હસતું, રમતું, કિલ્લોલ કરતું, દોડાદોડ કરતું, મસ્તીમાં આવી જઈ ગેલ કરતું, કાલી કાલી વાણી બોલતું જોઈ કોનું મન આનંદવિભોર ન બને? પરંતુ બાળક જ્યારે આવો કોઈ પણ પ્રકારનો પ્રતિભાવ ન આપે અને સમય જતા એ વાતનો ખ્યાલ આવે કે તે મંદબુદ્ધિ છે.કદાચ તેણે લાગણીને બુરખો પહેરાવવાની કેળવણી નથી મળી!ત્યારે સરવૈયાનું અછાંદસ કોઈ પ્રોફેટની વાણી જેમ વ્યંગમાં
  કહેવાતા સમજુનું સરસ દર્શન કરાવે છે!
  હું બધાને
  બહુ સારી રીતે ઓળખી ગયો છું.

 4. Lata Hirani said,

  September 9, 2008 @ 1:53 pm

  અને બધાને ઓળખી જવાનું અંતે કેટલું પીડાદાયક હોય છે !!

  લતા હિરાણી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment