એ લાગણીનું બીજું નામ આપવું શું, કહો
ડૂબો જ્યાં તળ સુધી પણ થાય કે સપાટી છે.
વિવેક મનહર ટેલર

ગઝલ – ડૉ. મહેશ રાવલ

Mahesh Rawal - Majal kaapi ne betho chhu

(મહેશ રાવલના હસ્તાક્ષરમાં એમની જ એક ગઝલ કેલિગ્રાફી સ્વરૂપે)

મજલ કાપીને બેઠો છું
મને માપીને બેઠો છું

ઉઘાડા દ્વાર જેવો થઈ
બધું આપીને બેઠો છું

હવે શું અર્થ દરિયાનો
તરસને પીને બેઠો છું

ન ફૂટી પાંખ એ સ્થાને
ગઝલ સ્થાપીને બેઠો છું

ઉલેચી શ્વાસનો દરિયો
ઉંમર સ્થાપીને બેઠો છું

પ્રતીક્ષા છે સમયની બસ
અહીં ટાંપીને બેઠો છું

-ડૉ. મહેશ રાવલ

ડૉ. મહેશ રાવલની ગઝલો અને એમના મદમત્ત કરી દે એવા અવાજ અને તરન્નુમના કામણથી મોટા ભાગના નેટીજન પરિચિત છે જ. એમની કેલિગ્રાફીનો એક મજાનો નમૂનો એમના વ્યક્તિત્વના વધુ એક આયામના પરિચય સ્વરૂપે આજે અહીં મૂકીએ છીએ. જોગાનુજોગ ગઈએકાલે જ એમની વર્ષગાંઠ પણ હતી એટલે લયસ્તરો તરફથી એમને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ…

પોતાની જાતને માપી લે એની જ સફર પૂરી થઈ ગણાય એવું અદભુત સત્ય ઉચ્ચારનાર આ કવિ પાસે કશું છાનું નથી. ઉઘાડા દ્વારથી વિશેષ ઉઘાડું શું હોઈ શકે? કવિ પાસે જે છે એ બધું જ આપી દઈને કવિ ઉઘાડા દ્વાર સમા બેઠા છે. અંદરના દ્વાર ઉઘડે ત્યારે જ બહારના અ-સીમ આકાશ સાથે તાદાત્મ્ય સધાય… ઉડવાનું કોને ન ગમે? પણ ઝંખનાને પાંખ જ ન ફૂટે તો? કવિને કોઈ અસુવિધા કે મુસીબતોનો કોઈ રંજ જ નથી. જ્યાં પાંખ ફૂટવી જોઈતી હતી ત્યાં એ ગઝલ સ્થાપીને બેઠા છે. હવે કહો, અમને ઉડતાં કોણ રોકશે?

14 Comments »

 1. Pinki said,

  September 5, 2008 @ 4:24 am

  મજલ કાપીને બેઠો છું
  મને માપીને બેઠો છું
  ખુદને માપવાની મજલ જ તો જિંદગી…….

  હવે શું અર્થ દરિયાનો
  તરસને પીને બેઠો છું –
  ગઝલની પરબ માંડીને બેઠેલા કવિની એક ઓર સરસ ગઝલ

  જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ……..

 2. RAZIA MIRZA said,

  September 5, 2008 @ 5:18 am

  ઉલેચી શ્વાસનો દરિયો
  ઉંમર સ્થાપીને બેઠો છું.
  શું સુંદર શેર છે આ!
  અભિનંદન

 3. Natver Mehta(Lake Hopatcong, NJ,USA) said,

  September 5, 2008 @ 8:02 am

  હવે શીદને વાંચુ બીજી ગઝલ?
  મહેશની ગઝલ વાંચીને બેઠો છું…

  વાહ ઉસ્તાદ!!!
  દિવસ સુધારી દીધો..

 4. pragnaju said,

  September 5, 2008 @ 8:51 am

  પ્રતીક્ષા છે સમયની બસ
  અહીં ટાંપીને બેઠો છું
  આ ફ રી ન
  તેમની જ ગઝલ યાદ આવી
  હું અદકેરા અવસરની રાહે બેઠો છું
  સાચું કહું તો, ઈશ્વરની રાહે બેઠો છું !
  છે ઉપર તપતું નભ, નીચે ભરતી કોરી
  મન મુંઝારે, ઝરમરની રાહે બેઠો છું !
  જોયું’તું ખળખળ વહેતું સપનું, ભર ઊંઘે
  પાછો, એવી નિંદરની રાહે બેઠો છું !
  ઈચ્છા તો છે, કંડારી લઉં દ્રષ્યો સઘળાં
  નક્કર સંગેમરમરની રાહે બેઠો છું !
  અડખે-પડખે ઉભરાતાં, અડધા-અધકચરા
  પ્રશ્નો વચ્ચે, ઉત્તરની રાહે બેઠો છું !
  દઈબેઠાં સગપણ, કાચા ગુમડાંની પીડા
  આડા-ઉભા નસ્તરની રાહે બેઠો છું !
  ઓછું કંઈ ખપશે નહીં છે નક્કી, સરવાળે
  પૂરેપૂરા વળતરની રાહે બેઠો છું !
  હજુ ટાંપીને બેઠા જ છો!
  . કૌન જીતા હે તેરી ઝૂલ્ફ કે …?

 5. ધવલ said,

  September 5, 2008 @ 10:25 am

  ન ફૂટી પાંખ એ સ્થાને
  ગઝલ સ્થાપીને બેઠો છું

  – વાહ !

 6. dr.Nanavati said,

  September 5, 2008 @ 11:23 am

  વાહ …જામી ગઈ…

  જટાયુ છું, નથી પાંખોં
  ગઝલ કાપીને બેઠો છું

  મારા તરફથી જન્મ દિન નિમિત્તે
  શેર સોગાત…..!!

 7. ડૉ. મહેશ રાવલ said,

  September 5, 2008 @ 12:50 pm

  ખૂબ્-ખૂબ આભાર મિત્રો!
  જન્મદિનની શુભકામનાઓ બદલ…
  રહી વાત ગઝલની તો,આપ સહુની લાગણી અને કદરદાનીએ જ અહીં સુધી પ્હોચાડ્યો છે.
  અને એટલે જ આજે લયસ્તરોના મંચ પરથી દરેક મીત્રોને એટલું જ કહેવાનું કે,
  તમારી હર દુઆઓ બદદુઆથી બાદ રાખે છે
  તમારાથી વધારે,કોણ અમને યાદ રાખે છે !

 8. GAURANG THAKER said,

  September 5, 2008 @ 11:47 pm

  વાહ કવિ વાહ સરસ ગઝલ.૧,૨,ને ૪થો શેર બહુ ગમ્યા.

 9. varsha Tanna said,

  September 6, 2008 @ 3:29 am

  વાતાવરણમા ગઝલ છવાઈ ગઈ. બહુ મજા આવી

 10. પ્રતિક ચૌધરી said,

  September 6, 2008 @ 10:06 am

  સુંદર ગઝલ.
  PRAGNAJU આપનો પણ ખુબખુબ આભાર ડૉ.મહેશ રાવલ ની સુંદર ગઝલ માટે.

 11. ninad adhyaru9824517000 said,

  September 7, 2008 @ 2:56 am

  બધા શેર સરસ !
  અન્તિમ શેરમા ‘અહિ’ ને સ્થાને ‘સતત’ હોય તો ?

 12. Pravin Shah said,

  September 7, 2008 @ 10:06 am

  સુંદર ગઝલ !
  અભિનંદન !

 13. sunil shah said,

  September 7, 2008 @ 11:50 pm

  ખૂબ સુંદર ગઝલ…આ કેલીગ્રાફીની વાત નવી જાણી. ..! મહેશભાઈ અભિનંદન.

 14. Lata Hirani said,

  September 9, 2008 @ 2:02 pm

  ગઝલ ફૂટી પછી પાંખ વગર પણ ઉડાય ને !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment