ક્યાંયે હશે જો કો ખુદા તો ઈશ્કનો બંદો હશે,
જો ઈશ્કથી જુદો હશે તો ઈશ્કથી હારી જશે !
કલાપી

વર્ષા – નર્મદાશંકર

અંધારી આ રજની સજની, મેઘબિહામણી રે,
વારે વારે દરશન દઈ, ચોંકવે દામણી રે;
ધો ધો ધો ધો, ઉદક પડતું, પહાણ ઉપેર ભારી,
દેખી સંધું ક્યમ ન ટટળું નાથ સારુ હું નારી ?

આ તોફાને, ખૂબ કરી કળા, ડુંગરે નાચતા રે,
‘ટેહુ’ ‘ટેહુ’, વદી હરખમાં, મોર તે વૃંદમાં રે;
દેખી દાઝું ઊંચકી તન ના, જંગી વિલાસ કીધો,
માદા પેરે, ઝીલી સુરસ મેં, હાય રે ના જ પીધો !

દિલાસાથી, ધીરજ ધરવી, ચાતકા, જોઈ તુંને,
તારું સીઝ્યું, મુજ નવ સીઝ્યું, લહાય વાધી જ મુને;
રે દાદુરા, ઘન વરસતો જોઈ ફુલાઈને રે,
‘ડ્રૌંઊ’ ‘ડ્રૌંઊ’, અતિસ લવી કાં ચીડવે છે મને રે ?

શા સારુ ઓ, દરદી હું છતાં બહેની કોયલડી રે,
ટૂઊ ટૂઊ કરતી હું વિના, મેઘસૂરે ચડી રે
તોબાકારી તીણી જ ચીસથી, સારસા, ભાઈ તારી,
કેશો ઊભા, કરી કણકણે, પેટ બાળે છ ભારી.

-નર્મદાશંકર

વિરહીણી સ્ત્રી માટે તો વિયોગ જ કાળી રાતના અંધાર સમો છે એ હકીકતને ધાર કાઢવી હોય એમ કવિ કાજળઘેરી રાત અને પડ્યા પર પાટુ સમા બિહામણું સ્વરૂપ આપતા મેઘને અહીં લઈ આવ્યા છે. વારંવાર ચમકી જતી વીજળી ડરમાં ઉમેરો કરે છે અને ધો ધો ધો ધો કરીને વિપુલ માત્રામાં વરસાદ પડી રહ્યો હોય એવામાં નાથ માટે હું કઈ રીતે મારી જાતને ટટળતી રોકું એવા પ્રશ્ન સાથે કવિ કાવ્યની જમાવટ કરે છે. સાંબેલાધાર વરસતા વરસાદ માટે ધો ધો ધો ધો જેવો અભૂતપૂર્વ શબ્દ તો નર્મદ જ પ્રયોજી શકે… મોર, ચાતક, દેડકો, કોયલ, સારસ તમામ વર્ષાની મસ્તીમાં મસ્ત છે ત્યારે એમની પ્રણયોર્મિ નીરખી કાવ્યનાયિકા વિયોગભાવ બળવત્તર બનતાં ઈર્ષ્યાના દાહક અગ્નિની જલન રોમ-રોમે અનુભવે છે.

પ્રોષિતભર્તૃકા

(દામણી= વીજળી, ઉદક=પાણી, દાદુર= દેડકો)

4 Comments »

 1. ninad adhyaru said,

  September 19, 2008 @ 4:03 am

  મારો અભાવ મોરનિ માફક ટહુક્શે,
  ઘેરાશે વાદળૉ અને હુ સામ્ભરિ જૈશ.

  આ શેર તરત યાદ આવ્યો !

  ખુબ સરસ્……..!

 2. pragnaju said,

  September 19, 2008 @ 8:43 am

  ધો ધો ધો ધો, ઉદક પડતું, પહાણ ઉપેર ભારી,
  દેખી સંધું ક્યમ ન ટટળું નાથ સારુ હું નારી ?
  પ્રોષિતભર્તૃકાની વેદનાની અનુભૂતિ
  કવિ નર્મદાશંકરને તો સૂરતની વર્ષાનો અનુભવ
  અને રેલ…તેમના જ શબ્દોમાં
  સત્તર સત્તાવીસ, સનેમાં રેલ જણાઈ;
  બીજી મોટી તેહ, જાણ છોત્તેરે ભાઈ.
  એની સાથ વંટોળ, દશા બેઠી બહુ રાસી;
  દૈવ કોપનું ચિહ્ન, સુરત તું થઈ નિરાસી.
  સુડતાળો રે કાળ, સત્તર એકાણું;
  સત્તાણુંમાં રેલ, બળ્યું મારું આ ગાણું.
  સાઠો બીજો કાળ, ચારમાં સન અઢારે;
  બારે મોટી આગ, એકવીસે પણ ભારે.
  બાવીસમાં વળી રેલ, આગ મોટી સડતીસે;
  એ જ વરસમાં રેલ, ખરાબી થઈ અતીસે.

 3. ધવલ said,

  September 19, 2008 @ 7:08 pm

  નર્મદ એના શબ્દો, વિચારો અને કાર્યો – ત્રણેમાં એના જમાનાથી આગળ હતો. સચોટ શબ્દોની પસંદગી અને વર્ણન.

 4. KAVI said,

  September 20, 2008 @ 7:38 am

  વાહ – વાહ ….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment