યાયાવરી કરીને આંસુ ઊડી ગયાં પણ
આંખોના કોરા કાંઠે સુરખાબ રહી ગયાં છે.
- વિવેક મનહર ટેલર

જવા પહેલાં – જવાહર બક્ષી

પ્રસંગો થાક ઊતારી જશે અવસ્થાનો
સંબંધ ફીણના ગોટા થઈને ઊડવાનો

લખાતું રહેશે વિરહની હવામાં તારું નામ
અને હું અક્ષરોમાં ગૂંચવાતો રહેવાનો

પવન ઉઠાવી જશે લાગણીના પડછાયા
ફરીથી આંખમાં તડકો ભરાઈ રહેવાનો

અરીસો ફોડશે તારા અભાવનો સૂરજ
હું કાચ કાચમાં કિરણ બનીને ઊગવાનો

સમયના ઠંડા ઝરણમાં વહીશ તું જ્યારે
તને હું સ્થિર પ્રતિબિંબ થઈ વળગવાનો

– જવાહર બક્ષી

કવિની વાચાળ ઉદાસી આપણા માટે ગઝલ તરીકે ફળે છે. વિરહના ચિત્રો તો કવિતાઓમાં ભારોભાર જોવા મળે છે પણ એમ છતાં, આ ગઝલ નવા કલ્પનો અને સ્પંદનો જન્માવવામાં સફળ રહે છે. છેલ્લા શેરમાં ‘સ્થિર પ્રતિબિંબ થઈ વળગવાનો’ પ્રયોગ બહુ અસરકારક થયો છે.

4 Comments »

  1. Pinki said,

    August 6, 2008 @ 2:39 AM

    અદ્.ભૂત …….!!

    કલ્પનોમાં ગજબની સંવેદના છે
    વાસ્તવિક જગતમાં- ગઝલ જાણે સ્થિર પ્રતિબિંબ થઈ
    વળગી પડી … કાચ કાચ થઈ ભોંકાઈ જાય અને છતાં
    જિંદગીનો થાક ઉતારી નાખે તેવી સબળ,ઉત્કૃષ્ટ રચના…. !!

  2. pragnaju said,

    August 6, 2008 @ 8:31 AM

    સરસ ગઝલ
    લખાતું રહેશે વિરહની હવામાં તારું નામ
    અને હું અક્ષરોમાં ગૂંચવાતો રહેવાનો
    વાહ્
    વિવેકની પંક્તીઓ યાદ આવી
    તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ,
    શ્વાસમાં, ઉચ્છવાસ માં બસ, તું વહે એ પ્રેમ છે.
    સમયના ઠંડા ઝરણમાં વહીશ તું જ્યારે
    તને હું સ્થિર પ્રતિબિંબ થઈ વળગવાનો
    ખૂબ સરસ
    તેની અંદર પરમાત્માનું પ્રતિબિંબ દેખાય ત્યારે. દર્પણની પૂરી શુદ્ધિ! તેમાં આપણું સ્વરૂપ સુંદર રીતે દેખાઈ આવે છે. જો હૃદયશુદ્ધિ સંપૂર્ણ સધાઈ હોત, તો પરમાત્માનું દર્શન સહેલું ને સહજ બની જાય. योगमात्म विशुद्धये

  3. વિવેક said,

    August 6, 2008 @ 10:14 AM

    આંખમાં તડકો ભરાઈને રહે અને પવન પડછાયા ઉપાડી જાય… કેવો મજાનો શેર!

    ધવલે કહ્યું તેમ ઉદાસીસભર કાકુઓથી સંવેદનાને ધીમે ધીમે હચમચાવતી અસરદાર ગઝલ..

  4. Natver Mehta(Lake Hopatcong, NJ,USA) said,

    August 6, 2008 @ 1:54 PM

    તું કહેતી રહેશે મને કે હવે રહી જા મારી સાથે
    મોત જો આવશે તો પછી હું તો બસ જવાનો……

    તુ તો મને જઇશ વિસરી બહુ જ જલ્દીથી
    હું તો છું જ એવો, મરીને તને યાદ કરવાનો….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment