પાંપણો ખૂલે સ્વયં ત્યારે હકીકત ઊઘડે,
આપમેળે આંખમાંથી સ્વપ્ન ભૂંસાતું નથી.
હરજીવન દાફડા

ગઝલ – નયન દેસાઈ

Mahesh Davadkar - painting2

(…              …ચિત્રાંકન : મહેશ દાવડકર, સુરત…           …)

હોવાનો બોજ આ રીતે  ઊંચકી શકાય છે
સમજી શક્યા નથી અને સમજી શકાય છે

શમણાંઓ એનાં એ જ છે પાંપણની ધાર પર
ચાદર પથારી પરની તો બદલી શકાય છે

ચાદર બદલવા જાવ તો શમણાં ઉડી જશે
શમણાં વગર તો ક્યાં કદી ઊંઘી શકાય છે ?

આ એજ છે નદી કે જે વહેતી હતી કદી
આ ચિત્ર સાથે નોંધમાં વાંચી શકાય છે.

-નયન દેસાઈ

હોવાપણાંનો બોજ જીવનના આરંભથી મનુષ્યને સતાવતો આવ્યો છે. અસ્તિત્વને સમજી શકવાની મથામણ અને વ્યથા જીવનના દરેક સ્તરે નાનાવિધ આયામથી સતત પ્રકટ થતી રહી છે. આ પ્રશ્ન વિશે મહદ્ અંશે એટલું જ સમજી શકાય છે કે એ સમજી શકાતો નથી…

સમયની સાથે કેટલાક સંબંધો સૂકાઈ જાય છે અને રહી જાય છે જીવનના ચિત્ર પર ક્યારેક એના હોવાપણાં વિશેની નોંધ માત્ર…

9 Comments »

 1. Pinki said,

  August 29, 2008 @ 2:31 am

  ગહ્.ન અર્થસભર… ચિંતનાત્મક ગઝલ….

  સાચી વાત… આપણું ‘હોવાપણું’ પુરવાર કરવામાં જ
  જિંદગી ભારરૂપ બની જાય છે. અને છતાંય ???
  જેને વીતે તે ક્યારેય નથી સમજી શકતો અને
  અંતે સમજાય છે કે, આ વાત ના જ સમજી શકાય.

  મત્લા અને મક્તાનો શેર અદ્,ભૂત….

  આ એજ છે નદી કે જે વહેતી હતી કદી
  આ ચિત્ર સાથે નોંધમાં વાંચી શકાય છે……

  કેવી કારુણ્યતા ?!!

 2. pragnaju said,

  August 29, 2008 @ 6:04 am

  ચિત્ર અને શ્બ્દોનો મધુર સંગમ
  ચાદર બદલવા જાવ તો શમણાં ઉડી જશે
  શમણાં વગર તો ક્યાં કદી ઊંઘી શકાય છે ?
  કેટલુ વાસ્તવીક દર્શન!

 3. ડૉ. મહેશ રાવલ said,

  August 29, 2008 @ 12:46 pm

  શ્રી નયન દેસાઈની અન્ય ગઝલોની જેમજ થોડામાં ઘણું કહી જતી ગઝલ……
  કવિ,પ્રથમ પંક્તિથી જ ઈશારો કરી દે છે કે,જેટલી સમજણ એટલો અને એવો અર્થ સમજી શક્શો !!!!
  જેવી ગઝલ,એવું જ અર્થને ઉજાગર કરતું ચિત્રાંકન..
  અભિનંદન…..

 4. Mansuri Taha said,

  August 29, 2008 @ 11:42 pm

  આ એજ છે નદી કે જે વહેતી હતી કદી
  આ ચિત્ર સાથે નોંધમાં વાંચી શકાય છે.

  કેટલી સરસ વાત કહી છે નયનભાઇએ.

  જલન માતરી સાહેબનો એક શેર યાદ આવે છે. કદાચ ભુલ હોય તો માફ કરજો.
  સાબરમતી નદીમાં પૂર આવ્યું હતું ત્યારે લખ્યો હતો.

  એ એનાં અસલ સ્વરૂપે આ રીતે ના વહે,
  આ ઉછીનું રૂપ છે સાબરમતી નથી .

 5. રઈશ મનીઆર્ said,

  August 30, 2008 @ 2:19 am

  નયનભાઇ ગુજરાતી ગઝલનો એક પ્રચંડ અને આગવો અવાજ છે. ચિત્રબદ્ધ થઇંને જડ થયેલી નદી..એ ક્યારેક વહેતી હતી એવી નિર્જીવ નોંધ…કેવો ઉત્તમ શેર!
  આ એજ છે નદી કે જે વહેતી હતી કદી
  આ ચિત્ર સાથે નોંધમાં વાંચી શકાય છે.
  શાયરને સલામ

 6. Lata Hirani said,

  August 30, 2008 @ 1:27 pm

  ચાદર બદલવા જાવ તો શમણાં ઉડી જશે
  શમણાં વગર તો ક્યાં કદી ઊંઘી શકાય છે ?

  કમાલ કરી છે…..

 7. Pratik Chaudhari said,

  August 30, 2008 @ 11:44 pm

  ઉપરના ચિત્રમાં મજુરને બોજો ઉપાડીને એક ફાયદો થયો હોય એવુ લાગ્યુ,કદાચ બોજા હેઠળ એને છાયો મળી ગયો.

  “કેટલાક છાયંડા કેવા ભારે હોય છે.”

 8. ગુંજન ગાંધી said,

  September 1, 2008 @ 2:12 pm

  આટલી સુંદર ગઝલો આપનાર નયનભાઈનું એક સુંદર ગીત –

  સૂના ઘરમાં ખાલી-ખાલી માળ-મેડિયું ફરશે,
  તમે જશો, ને ઉંબર ઉપર ઘર ઢગલો થઈને પડશે.

  શ્યામલ સૌમિલના સ્વરાંકનમાં –
  http://www.gunjarav.com/2008/07/blog-post_15.html

 9. surati vishal , sonsak said,

  September 2, 2008 @ 8:41 am

  very good

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment