ખબર તારી લાવ્યો નથી સૂર્ય આજે,
નગર આજે એનો દિવસ ક્યાંથી પામે ?
વિવેક ટેલર

વર્ષાકાવ્ય: ૨ : ગુલાબ મારાં કોણ લેશે ?

શ્રાવણી સવારની ભીનીભીની છાબમાં
ટહુકાનાં ખીલ્યાં ગુલાબ
                            ગુલાબ મારાં કોણ લેશે ?

શ્રાવણી બપોરની ભીનીભીની છાબમાં
તડકાનાં ખીલ્યાં ગુલાબ
                            ગુલાબ મારાં કોણ લેશે ?

શ્રાવણી સાંજની ભીનીભીની છાબમાં
સળવળતાં કોનાં ગુલાબ
                            ગુલાબ મારાં કોણ લેશે ?

શ્રાવણી રાતની ભીનીભીની છાબમાં
સપનાંનાં ઊઘડે ગુલાબ
                            ગુલાબ મારાં કોણ લેશે ?

કોઈ મને ક્યારે કહેશે -  
                            ગુલાબ મારાં કોણ લેશે ?

– મહેશ દવે

આ ‘ભીનુંભીનું’ વર્ષા કાવ્ય વરસાદનું નામ પણ લીધા વગર લખેલું છે. શ્રાવણનો ભીનો દિવસ એક મીઠી ફાંસની માફક ચારે પ્રહર પ્રિયજનની યાદ અપાવે છે – સવારે, બપોરે, સાંજે અને રાત્રે. ગીતની ભાષા અને યોજના એટલી સરળ છે કે જોડકણાં જેવું લાગે. પણ કવિએ શબ્દોનો એવો તો તાતો પ્રયોગ કર્યો છે કે પ્રેમભીના  હૈયાની રેશમી તરસ અદલ ઉભરી આવે છે. આ ગીત સાથે જ સાહ્યબો મારો ગુલાબનો છોડ છે પણ વાંચો તો ઓર નશો ચડવાની ગેરેંટી છે !

5 Comments »

 1. pragnaju said,

  July 15, 2008 @ 3:22 pm

  શ્રાવણી રાતની ભીનીભીની છાબમાં
  સપનાંનાં ઊઘડે ગુલાબ
  ગુલાબ મારાં કોણ લેશે ?
  સરસ
  શ્રાવણી પૂનમે હસતા ઉપવન
  સ્નેહ સુમનથી મહેંકે આંગણ
  આંખ ધરે, પ્રેમ મોતીના થાળા
  કે આજ ખીલ્યા પૂનમના અજવાળા

 2. Jina said,

  July 16, 2008 @ 3:22 am

  સરસ કાવ્ય !!

 3. વિવેક said,

  July 16, 2008 @ 8:00 am

  લોકગીતની રવાની અને સરળ બાની.
  સુંદર રચના.

 4. Pinki said,

  July 16, 2008 @ 9:28 am

  ગુલાબની જેમ જ મહેકતું ને ઠાવકું ગીત …..!!

 5. sunil shah said,

  July 17, 2008 @ 10:38 am

  પન્ના નાયક અને મહેશ દવે..બંન્નેના ગુલાબમાં ભીંજાઈ ગયો. ધવલભાઈ, મઝા આવી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment