વિચાર છે કે થઈ જાઉં નિર્વિચાર જરા,
વિચાર પર છે પરંતુ ક્યાં અખ્તિયાર જરા?
વિવેક મનહર ટેલર

ભીના સ્મરણનાં શુકન – જવાહર બક્ષી

ધાર્યા મુજબ સંબંધના સૂરજ ઊગ્યા નહીં
સ્વપ્નો હવે હું ભૂલી શકું નહિ તો ના નહીં

આખા દિવસની શુષ્ક ઉદાસી તૂટી નહીં
તારાં ભીના સ્મરણના શુકન પણ ફળ્યાં નહીં

નહિ તો જીવનમાં શું હતું નિષ્ક્રિયતા સિવાય
પણ બે ઘડી નિરાંતથી બેસી શક્યા નહીં

તસતસતા મૌનને મેં ગઝલમાં ભરી દીધું
ને એ કહે છે મને શબ્દો મળ્યા નહીં !

એને મળો ને જો કશું બોલી શકો ‘ફના’
એના વિષે કશુંય કહી બેસતા નહીં.

– જવાહર બક્ષી

કવિએ જાણે એક એક શેરને અર્થના અનેક પાશ ચડાવીને ગઝલ સવારીમાં બેસાડ્યા છે. ભીના સ્મરણના શુકનની કલ્પના જ અદભૂત છે. પણ સૌથી સરસ તો છેલ્લો શેર થયો છે. મિલનની અભિપ્સા, અકળામણ અને વિશદ કૃત્રિમતા, એકી સાથે બે લીટીમાં ચાબૂકના સળની માફક ઉપસી આવે છે.

7 Comments »

 1. વિવેક said,

  June 24, 2008 @ 11:48 pm

  મનભાવન ગઝલ… બધા જ શેર અર્થગહન થયા છે…

 2. nilamdoshi said,

  June 24, 2008 @ 11:58 pm

  નામ વાંચીને ગઝલ વાંચ્યા સિવાય રહી શકાયું નહીં. ધાર્યા મુજબ સંબન્ધના સૂર્જ ઉગી શકતા હોત તો કવિઓને લખવાના વિશયો કેટલા ઓછા થઇ જાત..૵

  સુન્દર ગઝલ

 3. Pinki said,

  June 25, 2008 @ 1:25 am

  સંબંધનોસૂરજ, ભીના સ્મરણના શુકન, તસતસતું મૌન –

  “એના (આ ગઝલ) વિષે કશુંય કહી બેસતા નહીં”

  “આ ગઝલ છે, એની રીતે બોલશે,
  કોઈ સાધો, કોઈ આરાધો નહીં.”

  અદ્.ભૂત !!

 4. jayesh upadhyaya said,

  June 25, 2008 @ 1:37 am

  નહિ તો જીવનમાં શું હતું નિષ્ક્રિયતા સિવાય
  પણ બે ઘડી નિરાંતથી બેસી શક્યા નહીં
  આજની ક્ષણે આ વધુ ગમ્યુ

 5. gopal parekh said,

  June 25, 2008 @ 6:05 am

  પણ બે ઘડી નિરાઁતથ બેસી શક્યા નહિ… બહુ જ ગમ્યુઁ

 6. pragnaju said,

  June 25, 2008 @ 11:02 am

  મઝની ગઝલ
  તસતસતા મૌનને મેં ગઝલમાં ભરી દીધું
  ને એ કહે છે મને શબ્દો મળ્યા નહીં !
  આ શેર વધુ ગમ્યો
  યાદ આવી
  શબ્દો ક્યાંથી ક્ષેમકુશળ હોય ?
  મૌનને ઘેરા ઘાવ પડ્યા છે
  ડાબી જમણી ફરકે આંખો :
  હોઠ પરસ્પર લડી પડ્યા છે

 7. Pravin Shah said,

  June 26, 2008 @ 12:16 am

  તારાં ભીના સ્મરણના શુકન પણ ફળ્યાં નહીં….

  વિરહની વેદના કેટલી તીવ્ર હશે એનો ખ્યાલ આવે છે.
  એક સુંદર ગઝલ!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment