એમ કોઈ બહાર રહીને આપણી ભીતર રહે,
જેમ ઊડતા પંખીનો પડછાયો ધરતી પર રહે.
આમ અંદર બ્હાર એકાકાર થઈ જાશે પછી,
શો ફરક કે કોઈ મારી બ્હાર કે ભીતર રહે.
મુકુલ ચોક્સી

ના કરે – ચિનુ મોદી

વાયુને હંફાવવા બળ ના કરે,
એ સુંગધી છે, કદી છળ ના કરે.

પુષ્પ પર ડાઘો પડે એ બીકથી,
જીવવાની જિદ્દ ઝાકળ ના કરે.

સ્વપ્નને સંકેલવાની બાબતે,
ઊંઘતો માણસ ઉતાવળ ના કરે.

ખૂબ ઘેરી ને ગહન છે લાગણી,
એ ઝરણની જેમ ખળખળ ના કરે.

ક્રોધ તો કરતો નથી ‘ઈર્શાદ’, પણ;
ના ગમે તો વાત આગળ ના કરે.

– ચિનુ મોદી

મારો સૌથી ગમતો શેર – ખૂબ ધેરી ને ગહન છે લાગણી,/ એ ઝરણની જેમ ખળખળ ના કરે ! અને છેલ્લો શેર પણ સરસ થયો છે. ગઝલમાં ગહન રૂપકોને બદલે રોજબરોજની ઘટનાઓનો પડઘો દેખાય એ સચ્ચાઈ અને તાજગીની પણ મઝા છે.

તા.ક. : આ ગઝલ પરથી પ્રેરણા લઈને પંચમ શુક્લે લખેલી ચિનુ મોદીને અંજલી આપતી રચના અહીં જુઓ.

8 Comments »

 1. ચૈતન્ય એ. શાહ said,

  May 6, 2008 @ 1:15 am

  પુષ્પ પર ડાઘો પડે એ બીકથી,
  જીવવાની જિદ્દ ઝાકળ ના કરે.

  સરસ…..

 2. anil parikh said,

  May 6, 2008 @ 1:49 am

  ના ગમે તો વાત આગળ ના ક્રરે-
  અદભુત

 3. વિવેક said,

  May 6, 2008 @ 2:36 am

  પાંચેય શેર પાંચ ઉત્તમ કવિતા સમા થયા છે… ચિનુ મોદીની આ ખૂબ જાણીતી ગઝલ આજ સુધી અહીં હતી જ નહીં?

 4. Shah Pravinchandra Kasturchand said,

  May 6, 2008 @ 7:32 am

  આ વાંચ્યા પછી લાગે છે કે બીજું કેમ વંચાશે?
  વાંચવા બીજું જઈશ ને આ જ આગળ આવશે.
  બહુજ સુંદર.
  સલામ.

 5. pragnaju said,

  May 6, 2008 @ 8:28 am

  સુંદર ગઝલ
  તેમાં આ શેર
  ખૂબ ઘેરી ને ગહન છે લાગણી,
  એ ઝરણની જેમ ખળખળ ના કરે.
  ‘ઈર્શાદ’ને પણ ફરી ફરી ‘ઈર્શાદ’કહેવું પડે!

 6. mahesh dalal said,

  May 6, 2008 @ 2:33 pm

  વઆહ ખુબ ભાવિ ગઇ

 7. GURUDATT said,

  May 7, 2008 @ 9:16 am

  ખૂબ ઘેરી ને ગહન છે લાગણી,
  એ ઝરણની જેમ ખળખળ ના કરે.

  અસરકારક શેર્.ઓછા શબ્દમાં …વેધક રજુઆત..

 8. Mansuri Taha said,

  July 24, 2008 @ 12:30 am

  ક્રોધ તો કરતો નથી ‘ઈર્શાદ’, પણ;
  ના ગમે તો વાત આગળ ના કરે.
  ઉત્તમ ગઝલ, ચિનુ મોદી સાહેબ ને અભિનંદન આપવા જ પડે.

  ઠાઠ ભપકા એ જ છે “ઇર્શાદ” ના,
  ઘર બળે તો તાપી જોવું જોઇએ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment