ઉઘાડાં દ્વાર છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ;
જગતથી મુખ મરોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.
-ભગવતીકુમાર શર્મા

દાળભાતખાઉં ગુજરાતીપણાને ખુલ્લો પડકાર…

ગુજરાતી ભાષાનો દુર્લભ અને અમૂલ્ય ખજાનો – ભગવદ્ગોમંડલ – ફરી એકવાર ભાષાના સદનસીબે ઉપલબ્ધ થયો છે. જે ભાષા પાસે પોતાનો ‘એન્સાઈક્લોપીડિયા’ નથી એ કેમ જીવી શકે ? ગુજરાતી ભાષાના લલાટે લખાયેલું આ મહેણું ગોંડલના મહારાજા શ્રી ભગવતસિંહજીએ પહેલ-પહેલીવાર તોડ્યું. એક બાજુ દેશભરમાં આઝાદીની લડતનો જુવાળ ફાટી નીકળ્યો હતો ત્યારે આ રાજવીએ શબ્દયજ્ઞ આદર્યો. પહેલી ઓક્ટોબર, ૧૯૨૮ના રોજ એમણે વિશાળ શબ્દકોશ રચવાના ભગીરથ કાર્યના શ્રીગણેશ કર્યા અને લાગલગાટ છવ્વીસ વર્ષોની એકધારી તપશ્ચર્યાના અંતે જ્ઞાનગંગાનું અવતરણ મા ગુર્જરીના ખોળે કરી શક્યા. મોટી ‘જમ્બો’ સાઈઝના નવ-નવ દળદાર ગ્રંથોના ૯૨૭૦ સુવર્ણ પૃષ્ઠોની વચ્ચે આશરે ૨,૮૧,૩૭૭ શબ્દોના ૫,૪૦,૪૫૫ જેટલા અર્થો અને બોનસમાં ૨૮,૧૫૬ જેટલા રૂઢિપ્રયોગો પણ સમાયા છે. ૧૯૪૮માં પ્રથમવાર છપાયેલા આ જ્ઞાનકોશનું પુનર્મુદ્રણ ઠેઠ ૧૯૮૬માં શક્ય બન્યું અને આજે પુનઃપુનર્મુદ્રણ ૨૦૦૭-૦૮માં કરવામાં આવ્યું છે. આ મહાકાય અને લગભગ આકાશકુસુમવત્ ભાસતા, માથે દેવાનો ડુંગર ખડકી શકે એવા ખર્ચાળ સાહસ કરવાનું ગાંડપણ રાજકોટના ‘પ્રવીણ પ્રકાશને’ કર્યું છે એ બદલ ‘લયસ્તરો’ ટીમ તરફથી એમને ખૂબ ખૂબ અભિનંદન…

પરંતુ એક દુઃખની વાત એ પણ છે કે કબાટનું એક આખું ખાનું રોકી લે એવા આ મહાગ્રંથની માત્ર ૧૦૦૦ પ્રત જ છાપવામાં આવી છે. કદાચ પ્રકાશક પણ જાણે છે કે ભાષાને જીવાડવાના બણગાં ફૂંકતી દાળભાતખાઉં પ્રજા કાગળ પરના વાઘની ગર્જનાથી વિશેષ કંઈ નથી. આપણામાંથી ઘણાના ઘરે ‘એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા’ જરૂર હશે, પણ ભગવદ્ગોમંડલ ખરીદવાનો તો વિચાર પણ નહીં આવે. રૂ. ૧૦૦૦૦ જેવી આજના જમાનામાં મામૂલી ગણાતી રકમમાં વેચાતી આ જ્ઞાનની બહુમૂલ્ય સરિતા 30મી એપ્રિલ સુધીમાં તો માત્ર રૂ. ૭૫૦૦માં જ મળશે.

ગુજરાતમાં, ગુજરાત બહાર અને દૂર દેશાવરોમાં પાણીના રેલાની માફક પથરાઈ ગયેલ કરોડો ગુજરાતીઓની વચ્ચે ૧૦૦૦ પુસ્તકોની સંખ્યા પણ કેમ વધુ પડતી લાગે છે ? રિબોકના ૩૦૦૦-૪૦૦૦ રૂ.ના જોડા પગમાં ઘાલીને કે રેબનના ૨૫૦૦-૩૦૦૦ના ગૉગલ્સ આંખે ચઢાવી થિયેટર-રેસ્ટૉરન્ટની એક મુલાકાતમાં જ ૫૦૦-૧૦૦૦ રૂપરડીની ચટણી કરતી પ્રજાના ખિસ્સામં સાડા-સાત હજાર રૂપરડી પણ નથી? કે મરતી માને પાણી પૂછવાનું પણ હવે આપણે સાવ જ વિસારી દીધું છે ?

(‘રાગ’ શબ્દનો અર્થ ત્રણ-ત્રણ પાનાં ભરીને કેવી રીતે આ ગ્રંથોમાં આપ્યો છે એ આ નમૂનામાં જોઈ શકાય છે. રાગ વિશે કોઈ પણ જાતની જાણકારી ન ધરાવનાર પણ આ પૃષ્ઠોમાંથી પસાર થઈ સંતોષનો ઓડકાર ખાઈ શકે છે. આ એક નમૂનો છે. આપણી ભાષાના કોઈ પણ શબ્દના અર્થની જે વિશદતાથી અને વિસ્તારથી અહીં છણાવટ કરવામાં આવી છે એ અભૂતપૂર્વ છે…) (Click on the photograph to get an enlarged view)

18 Comments »

  1. અનિમેષ અંતાણી said,

    April 13, 2008 @ 1:52 AM

    ભગવદ્ગોમંડલના પ્રકાશક પ્રવિણ પ્રકાશનને ખૂબ ખૂબ અભિનંદન.

    આ લેખ પુસ્તક પરિચય ‘કમ’ ચાબખા ‘જ્યાદા’ છે.

    રિબોકના જોડા પહેરી આંખે રેબનના ચશ્મા ચઢાવી મલ્ટીપ્લેક્ષમાં પોપકોર્ન ખાતાં ખાતાં વાહિયાત હિન્દી ‘મૂવી’ જોવા વાળા ગુજરાતી કદી પુસ્તકો ખરીદવાના નથી! એટલે અહીં સરખામણી અપ્રસ્તુત છે.

    અને હા, ઓન સેકન્ડ થોટ, એવા લોકો માટે ‘રિબોકના જોડા સાથે પુસ્તક ફ્રી’ કે ‘પુસ્તક સાથે રેબનના ચશ્મા ફ્રી’ની યોજના વિચારી શકાય!

  2. Pinki said,

    April 13, 2008 @ 1:54 AM

    સ-રસ વાત વિવેકભાઈ,
    આપને અને
    પ્રવીણ પ્રકાશનને ખૂબ ખૂબ અભિનંદન……!!

  3. વિવેક said,

    April 13, 2008 @ 5:38 AM

    હું ‘રિબૉક’ના જૂતાં પહેરું છું, ‘રેબન’ના ગ્લાસીસ વાપરું છું, મલ્ટીપ્લેક્સીસમાં જઈ પૉપકોર્ન ખાતાં-ખાતાં હિન્દી ફિલ્મો જોઉં છું અને તો પણ ભગવદ્ગોમંડલ ખરીદું છું, ખરીદાવું છું. મને ખુશી છે કે 1000 પ્રતમાંથી પાંચ ખરીદવા માટે અત્યાર સુધી હું નિમિત્ત બની શક્યો છું… પ્રશ્ન કોઈ સરખામણીનો કે ચાબખા મારવાનો નથી. હું માત્ર મારી ભાષાને પ્રેમ કરું છું અને એકાદ-બે હૈયામાં આ પ્રેમની જ્વાળાની હૂંફ પહોંચાડી શકું એટલી જ ખેવના ધરાવું છું… હું ‘એન્સાઈક્લોપિડીયા બ્રિટાનિકા’ની નવી આવૃત્તિ જતી કરતો નથી અને ‘ભગવદ્ગોમંડલ’ની નવી આવૃત્તિ બહાર પડતી રહે એવી લાગણી પણ સાથે જ રાખું છું…. હું ઈચ્છું છું કે એક હજાર નહીં, એક લાખ નકલ બહાર પડે જેથી કિંમત અડધી થઈ જાય અને દરેક માણસને આ પોસાય….

  4. pragnaju said,

    April 13, 2008 @ 11:22 AM

    જાણીતી વાતની પણ ફરી ફરીને માહિતી મળે ત્યારે આનંદ જ થાય.
    પ્રશ્ન એ જ કે આટલી સરસ માહિતી આટલી મોડી કેમ અપાઈ?
    ધન્યવાદ

  5. શુંશાજી said,

    April 14, 2008 @ 5:47 AM

    વરસો પહેલા ભગવદ્ગોમંડલને પુસ્તકાલયમાં જોયો છે. ખરીદવાનો વિચાર આવવાનીય ગુન્જાઈશ નોતી એ વખતે. તમારી તેજાબી કલમની તાકાતથી અંદરનો જાગી ગયો. જતી જીંદગીએ આ શુંશાજી ભગવદ્ગોમંડલ વસાવી જ લેશે.

    વિવેકજી તમે ભલે પડકાર ફેંક્યો પણ તમારા બ્લોગના મોટા ભાગના વાચકો આ પડાકાર ધીમેથી વાંચી ચુપચાપ કોમેંટ કર્યા વગર સરકી જશે. ગુજરાતીની ચીંતા કરનાર ડોળઘાલુ જમાતમાંના ૧૦% પાસેય ૧૦ ગુજરાતી પુસ્તકો હશે?
    હજામની દુકાને મફતિયું મેગેઝીન (અને હવે મફતિયા ઓનલાઈન બ્લોગ) વાંચવા મળે તો ઠીક બાકી દાળભાતખાઉ ગુજરાતી તો રૂપિયા, ડોલર અને પાઊન્ડ ભેગા કરે, પસ્તી નહી!
    ડીસેમ્બરમા એન.આર.આઈના ધાડા ગુજરાત પર ઉતરી આવશે. ડોલરની ઝાકઝમાળ સર્જશે. ભાગ્યે જ કોઈ પુસ્તકભંડારમાં જઈ બે ચાર ગુજરાતી પુસ્તકો ખરીદશે.

  6. વિવેક said,

    April 14, 2008 @ 7:49 AM

    પ્રિય પ્રજ્ઞાબેન,

    માહિતી હજી પણ સમયસર અને સમય પર જ છે. 2500રૂ.મું માતબર ડિસ્કાઉન્ટ આ ગ્રંથની ખરીદી પર 30 એપ્રિલ સુધી મળવાનું જ છે. અખબારમાં જાહેરખબર આવી એ જ દિવસે મારો ગ્રંથ નોંધાઈ ગયો હતો. પણ સ્કેનર અને વેબ-સાઈટ ઉપર અપલોડિંગની સમસ્યાઓના કારણે બ્લૉગ પર આ સમાચાર મૂકવામાં વિલંબ થયો છે. આ અંગેનો સવિસ્તાર ઈ-મેઈલ પાંચ એપ્રિલના રોજ મેં દરેક મિત્રને કર્યો જ હતો પણ ઉપરના પ્રતિભાવમાં જેમ શુંશાજીએ ‘તમારા બ્લોગના મોટા ભાગના વાચકો આ પડકાર ધીમેથી વાંચી ચુપચાપ કોમેંટ કર્યા વગર સરકી જશે’ એમ કહ્યું એ પ્રમાણે બે મિત્રોને બાદ કરતાં કોઈએ આ સાહસને બિરદાવવાની હિંમત પણ કરી નથી.

  7. Amrish said,

    April 14, 2008 @ 1:18 PM

    it must be our burning desire to run our mother tone very fast forever. so every public library should come ahead to purchase the same book. even one can start to buy , price will be automatically reduced for this book.
    Best wishes.
    ગુજરાતિ ભસા અવનારિ લાખો સાદિ ઓ સુધિ બોલાવિ જોઈએ. પ્રનામ્. અમ્ર્રિશ વૈદ્ય.

  8. સુનીલ શાહ said,

    April 14, 2008 @ 2:19 PM

    માહીતી બદલ આભાર વિવેકભાઈ.
    મને મળેલ અન્ય માહીતી મુજબ ભગવદ્ગોમંડલ ગુજરાતી લેક્ષીકોનના જોડણીકોશની જેમ ઓન લાઈન થવાનું છે, આ ભગીરથ કાર્ય મુ.રતીકાકાના ગાંઠના ગોપીચંદનથી શરુ થઈ ગયું છે..આખેઆખા ગ્રંથને નેટ પર ઉપલબ્ધ કરવા સમય લાગશે પણ એ દીશામાં કાર્ય આરંભાઈ ગયું છે.

  9. વિવેક said,

    April 15, 2008 @ 1:29 AM

    પ્રિય સુનિલભાઈ,

    ભગવદ્ગોમંડલ સી.ડી. સ્વરૂપે અને/અથવા ઓન-લાઈન ઉપલબ્ધ થવાનું છે એની માહિતી મારી પાસે છે જ પણ એ કાર્યની હજી શરૂઆત પણ માંડ થઈ છે અને સાડાનવ હજાર મોટી સાઈઝના પૃષ્ઠ ક્યારે આ રૂપાંતર પામી શક્શે એ પણ એક પ્રશ્ન જ છે… એની રાહ જોઈ આ ખજાનો જતો કરવાનું મને યોગ્ય જણાતું નથી…

  10. સુનીલ શાહ said,

    April 15, 2008 @ 1:57 AM

    વિવેકભાઈ, તમારી વાત સાથે સો ટકા સંમત છું. મેં માત્ર પુરક માહીતી લખી હતી. બાકી કોઈપણ પુસ્તક હાથવગુ હોય તો ઓનલાઈન કરતાં વાપરવામાં વધુ સરળતા રહે એ પણ એટલું જ સાચું છે.

  11. RAHUL - SURAT said,

    April 15, 2008 @ 2:12 AM

    વિવેકભાઈ
    હું મારી ભાષાને પ્રેમ કરું છું., માહીતી બદલ આભાર. મને ભગવદ્ગોમંડલ જોડણીકોશ ખરીદવા માટે તઈઆર છું . રૂ. ૭૫૦૦/- કેવેી રિતે મોક્લવા તે જણાવ્શો. . i dont know how to type Gujarati. please forgive me for that. Kindly request to you please inform me, how to buy the same.

    please reply and oblige me.

    RAHUL SHAH – SURAT – Mobile :09376822385 – shahrs5@yahoo.com

  12. Pinki said,

    April 15, 2008 @ 3:59 AM

    C D અને online મુદ્દે એક વિચાર આવ્યો તો-
    વિવેકભાઈ,
    એટલે એવું તો નહિ થાય કદાચ આવતી સદી પછી
    કોઇ પુસ્તક કોઈ મ્યુઝિયમમાં જ જોવા મળે….??!!

    જેમકે, ભોજપત્ર કે તામ્રપત્ર આપણા સોનેરી ઈતિહાસ
    બની ગયા એવું જ કંઈક………!!

    શુંશાજીએ કહ્યું એમ, મફતિયા બ્લૉગ અને પછી
    શબ્દકોશ, જોડણીકોશ અને સુનીલભાઈ કહે છે
    એમ પછી તો બધું જ ……??!!!

  13. jayesh upadhyaya said,

    April 15, 2008 @ 5:30 AM

    વિવેક્ભાઈ
    તમારી વાત સાથે સંમત છુ આજ મતલબનુ કઈક ગુજરાતી નાટકોની ટીકીટો માટે કહેલુ
    ગુજરાતી ભાષા વિષે બોલનારા ઘણા છે પણ અફસોસ ગુજરાતી ભાષા માટે ખર્ચનાર ઓછા છે

  14. KAVI said,

    April 15, 2008 @ 11:25 AM

    સૌથી પહેલા તો ગુજરતી ભાષાના પાયાગત અથવા મૂળભૂત સ્વરૂપને અથવા તેના સર્વાન્ગી સ્વરૂપ ને સર્વાન્ગીરીતે રીતે લોકો સુધી પહોચતુ કરવા આટલી મોટી કિમ્મતનુ પુસ્તક છાપવાની હિમ્મત કોઇએ કરી છે એ જ બહુ આનન્દની વાત છે. આ હિમ્મત પ્રવિણ પ્રકસને કર છે એ વાતનો આનન્દ એક રજ્કોટણને વિષેષ હોય એ તો સ્વભાવિક જ છે. મારા તરફથી એ બદલ મારી ભષાને, પ્રવિણ પ્રકાસનને અને તેમા સહયોગી બનવા બદલ વિવેકને સુભેચ્છા.
    સાથે સાથે જે ભાષાનુ મૂળ સન્સકૃતમા છે, જે ભષાને મૂનષી અને મેઘાણી જેવા લોકો એ ખેડી છે અને જે ભાષાએ ગાન્ધી જેવા અહિન્સક વીર લડવૈયાને જન્મ આપ્યો હોય એ ભષાને સલામ..
    ાને ગૌરવ એ ભષાના વારસદાર હોવનુ તથા એ વારસાગત પરમ્પરામા જીવવાનુ અને આનન્દ તેને સ્વ કલમથી વહેતી કરવાનો..

  15. Nikita said,

    April 18, 2008 @ 1:12 AM

    દર વખતે કાઈ ચાબખા મારવા જરુરી નથી, CD-DVDs can be produced and books are not necessary, make them into e-books and there will be 100,000 gujaratis who will buy them. Har vakhat Gujarati Bhasha mari rahi chhe eva pokaaro paadvaa yogya nathi. Har ek guajarati na ghar maa aa pustak hovu joiye e pramane to har muslim na ghar maa Kuran hoy chhe, har christian na ghar maa bible hoy chhe – aa granth ne e kaksha sudhi lai javo hoy to e pramane j vicharvu pade ke
    આ ગ્રન્થ એત્લો લોક્ભોગ્ય કૈ રિતે બને.

  16. અનિમેષ અંતાણી said,

    June 3, 2008 @ 10:39 PM

    “તમારા ઘરમાં ભગવદ્ગોમંડલ ન હોય તો માનજો કે તમે ગુજરાતી હોવાનો ઢોંગ કરી રહ્યા છો.”

    “ગુજરાતની જે લાઈબ્રેરીમાં આ શબ્દસાગરના નવ ગ્રંથ ન હોય એને ગંગાસ્વરૂપ લાઈબ્રેરી કહી શકાય.”

    – ગુણવંત શાહ, શબ્દોની યુનિવર્સિટી, કાર્ડિયોગ્રામ, ચિત્રલેખા, ૯ જુન ૨૦૦૮

  17. ઉવૈસ ચોકસી said,

    August 8, 2008 @ 9:45 AM

    C D અને online મુદ્દે એક વિચાર આવ્યો તો-
    વિવેકભાઈ,
    એટલે એવું તો નહિ થાય કદાચ આવતી સદી પછી
    કોઇ પુસ્તક કોઈ મ્યુઝિયમમાં જ જોવા મળે….??!!

    જેમકે, ભોજપત્ર કે તામ્રપત્ર આપણા સોનેરી ઈતિહાસ
    બની ગયા એવું જ કંઈક………!!

    શુંશાજીએ કહ્યું એમ, મફતિયા બ્લૉગ અને પછી
    શબ્દકોશ, જોડણીકોશ અને સુનીલભાઈ કહે છે
    એમ પછી તો બધું જ ……??!!!

    પિકિ નિ આ વાત ને મરો ટૅકો ……..
    તમારી વાત સાથે સો ટકા સંમત છું.

    મહાન ગુજરાત
    ઉવૈસ ચોકસી

  18. વિનય ખત્રી said,

    September 24, 2008 @ 6:11 AM

    પ્રિય મિત્રો,

    ભગવદ્ગોમંડલ ઓનલાઈન જોવા માટે અહીં ક્લિક કરોઃ http://bhagavadgomandalonline.com

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment