શબ્દોના રસ્તે ચાલીને મળતો રહું તને,
ઈચ્છું છું હર જનમમાં મને આ સફર મળે.
વિવેક મનહર ટેલર

ગઝલ – આદિલ મન્સૂરી

દિનરાત વધતો જાય છે વિસ્તાર શબ્દનો
ફાવી ગયો બધાયને વ્યાપાર શબ્દનો

ને મૌન દ્વારા વાત હું સમજાવી ના શક્યો
લેવો પડ્યો ન છૂટકે આધાર શબ્દનો

વાણીનું રણ સતત હજી ફેલાતું જાય છે
ઊંચકીને ક્યાં લગી હું ફરું ભાર શબ્દનો

થાકીને અંતે આંગળા થીજી ગયાં બધાં
બંધાયો ક્યાં છતાંય તે આકાર શબ્દનો

જ્યાં અર્થ અંધકારની ભીંતો ચણી રહ્યા
ત્યાં કેવી રીતે થઈ શકે વ્હેવાર શબ્દનો

-આદિલ મન્સૂરી

ગઈકાલે આપણે મનોજ ખંડેરિયાની આટલા જ શેરવાળી, આ જ છંદ, આ જ રદીફ અને બહુધા આવા જ કાફિયાવાળી એક શબ્દ-ગઝલ માણી. આજે વાંચીએ આદિલ મન્સૂરીના શબ્દને…

અવાજને જ્યારે અર્થ મળ્યો ત્યારે એ શબ્દ થયો પણ એજ શબ્દને જ્યારે દુન્યવી ‘અર્થ’નો-વિનિમયનો સ્પર્શ થયો ત્યારે એનું સૌંદર્ય મરી પરવાર્યું. પહેલી કડીમાં કવિ જ્યારે શબ્દના વિસ્તારના વધતા જવાની વાત કરે છે ત્યારે ક્ષણાર્ધભર માટે લાગે છે કે કવિ શબ્દનો મહિમા કરી રહ્યા છે પણ બીજી કડી કવિએ કરેલા ઉપાલંભને ખુલ્લો કરે છે. શબ્દની શક્તિથી અજાણ લોકો જ્યારે શબ્દને શસ્ત્ર બનાવી દુનિયાના મેદાનમાં ઊતરે છે ત્યારે કેવા દુષ્પરિણામ આવી શકે છે ! અને વાત શબ્દની હોય અને કવિ મૌનનો ઉલ્લેખ ન કરે એમ કેમ બને ? પણ આજે આપણો માંહ્યલો એટલો છીછરો બની ગયો છે કે કોઈ વાત માંડીને ન કહેવામાં આવે તો આપણને ટપ્પી પડતી નથી.
નાછૂટકે ત્યારે શબ્દનો આધાર લેવો પડે છે પણ એમાં કેટલી પીડા છે એ તો આ શેર વાંચતા જ અનુભવાય છે. અને આખરે કવિ ફરીથી શબ્દના વહેવારની વાત પર આવી જાણે કે એક વર્તુળ પૂરું કરે છે. આજનો શબ્દ અર્થના અંધારાઓમાં એ રીતે ગુમાઈ ગયો છે કે એનું પોતીકું ગૌરવ જ ગુમાવી બેઠો છે…

9 Comments »

 1. Sangita said,

  April 18, 2008 @ 7:56 am

  જ્યાં અર્થ અંધકારની ભીંતો ચણી રહ્યા
  ત્યાં કેવી રીતે થઈ શકે વ્હેવાર શબ્દનો

  વાહ!

 2. pragnaju said,

  April 18, 2008 @ 8:55 am

  જ્યાં અર્થ અંધકારની ભીંતો ચણી રહ્યા
  ત્યાં કેવી રીતે થઈ શકે વ્હેવાર શબ્દનો
  વાહ
  -’ઊર્મિ’નો અર્થ યાદ આવ્યો
  એષણાઓ જો સતત ઘોળી તમે,
  જાણજો સુખની કરી હોળી તમે;
  જિન્દગીનો અર્થ શું રહેશે પછી?
  માણસાઈને જો ફંગોળી તમે !
  અને સૈફ’નો અર્થ-
  અને મીંચેલી આંખે મળ્યો જ્યારે જાગરણનો અર્થ,
  ત્યારે ખબર પડી કે છે શું આવરણનો અર્થ.
  સંકોચ શું છે એની ખરી ત્યારે જાણ થઇ,
  મૃગજળને જઇને પૂછ્યો મેં વહેતાં ઝરણનો અર્થ.
  આબોહવા તો હોય છે – આબોહવાનું શું?
  વાતાવરણ જો હોય તો વાતાવરણનો અર્થ ?!
  છેવટનો અંત આવી ગયો સૌ પ્રયાસનો,
  મારી નજીક એ જ છે મંગળાચરણનો અર્થ ?
  નિષ્ઠુર છું – હું ચાહું તો તો હમણાં હસી શકું,
  પણ એમાં દિલ ન લાગે તો શું આચરણનો અર્થ?
  છૂટા પડી ગયા તો સમજદાર થઇ ગયા,
  સમજી ગયા કે શું હતો એકીકરણનો અર્થ.
  સ્વપ્નાની વાત કોઇને કહેતા નથી હવે,
  સમજી ગયા છે ‘સૈફ’ હવે અવતરણનો અર્થ

 3. ધવલ said,

  April 18, 2008 @ 12:41 pm

  ને મૌન દ્વારા વાત હું સમજાવી ના શક્યો
  લેવો પડ્યો ન છૂટકે આધાર શબ્દનો

  – ઉમદા વાત !

 4. manvantpatel said,

  April 18, 2008 @ 4:21 pm

  લેવો પડ્યો ન છુટકે આધાર શબ્દનો !
  ડૉ/કવિને તો આજ આધાર ને ?

 5. RAZIA said,

  April 19, 2008 @ 6:12 am

  આજે આ “લય-સ્તરો ” માં અમે ડૂબતા ગયા,
  માનીશ આજે ફક્ત આ આભાર શબ્દ નો.

  રઝિયા મિર્ઝા.

 6. સુનીલ શાહ said,

  April 19, 2008 @ 8:19 am

  શબ્દ વીશે સટીક શબ્દોમાં સુંદર ગઝલ.

 7. પંચમ શુક્લ said,

  April 19, 2008 @ 6:41 pm

  ને મૌન દ્વારા વાત હું સમજાવી ના શક્યો
  લેવો પડ્યો ન છૂટકે આધાર શબ્દનો

  આદિલ સાહેબની એક વધુ સુંદર ગઝલ.

 8. urmil said,

  October 16, 2009 @ 2:46 am

  thau aa dil ma evu kaik,
  na bhuli skyo ene aa dil mahi dard,
  na jani aa prit ne me ek dhari talvar keri,
  soo kahu aa jagat na chokidaro ne,
  na roksho aa pareva kera premi ne.
  urmil (anand)

 9. Girish Parikh said,

  November 26, 2009 @ 4:16 pm

  આદિલની ગઝલોનો આનંદઃ ૯

  દિનરાત વધતો જાય છે વિસ્તાર શબ્દનો
  ફાવી ગયો બધાયને વ્યાપાર શબ્દનો

  શબ્દ… શબ્દ… શબ્દ…

  શબ્દની વણઝાર દિનરાત વિસ્તરતી જાય છે. આદિલજીએ જે ગઝલમાં આ શેર છે એ ક્યારે લખી એની તો ખબર નથી, પણ શબ્દના વિસ્તારની વાત એમણે એક દ્રષ્ટાની જેમ કરી છે. અલબત્ત ‘જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ.’

  અને એ કહેવત વિસ્તારીને કોઈકે ઉમેર્યું છેઃ ‘જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી!’

  આપણે આ શ્રેણીમાં આદિલની ગઝલોના આનંદના અનુભવની વાતો કરીએ છીએ. તો આ શેરનો આનંદ માણીએઃ

  શબ્દનો દિનરાત વિસ્તાર વધારવામાં કોમ્પ્યુટરના ઈન્ટરનેટનો પણ જબરજસ્ત ફાળો છે. સેંકડો ગુજરાતી બ્લોગો દિનરાત કેટલા બધા શબ્દો લઈ આવે છે. કોમ્પ્યુટર વિષે હું થોડી વાર પછી લખીશ, પણ પહેલાં શબ્દના વ્યાપાર વિષેઃ

  આદિલજીનું નીચેનું મુક્તક યાદ આવે છેઃ

  “ભાષાના અધિકારની વાત જ ક્યાં છે ?
  ને શબ્દના વ્હેવારની વાત જ ક્યાં છે ?
  છે ચિત્રના જેવો જ અનુભવ ‘આદિલ’
  આ અર્થના વેપારની વાત જ ક્યાં છે ?”

  આદિલજી પણ ઉપરના મુક્તકમાં અનુભવની જ વાત કરે છે. એ મુક્તકના બન્ને શેર પર વિસ્તરતી જતી આ શ્રેણીમાં ભવિષ્યમાં લખવા પ્રયત્ન કરીશ.

  પણ સૌને (અલબત્ત એમાં હું પણ આવી જ જાઉં છું!) ફાવી ગએલા શબ્દના વ્યાપાર અંગે અહીં મારા વિચારો રજૂ કરું:

  યક્ષપ્રશ્ન આ છેઃ હું શા માટે લખું છું?

  તમે જો લખતા હો તો તમારા હ્રદય પર હાથ મૂકીને સાચો જવાબ આપજો.

  ૧૯૬૭માં અમેરિકા આવ્યા પછી અંગ્રેજીમાં (અને ખાસ કરીને અમેરિકન અંગ્રેજીમાં) લખવાનું શીખવા માટે મેં ફેમસ રાઈટર્સ સ્કૂલનો કોર્સ કરેલો. એમાં શરૂઆતમાં જ એક એસાઈનમેન્ટ હતું: Why am I writing? (હું શા માટે લખું છુ?)

  તમને પ્રશ્ન થશે કે આ શ્રેણી હું શા માટે લખી રહ્યો છું? એનો જવાબ “આદિલની ગઝલોના આનંદ” પુસ્તકની પ્રસ્તાવનામાં આપવા પ્રયત્ન કરીશ.

  હવે કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ વિષેઃ

  હાઈસ્કૂલ અને કોલેજંમાં હતો ત્યારે વર્ષો સુધી આંગળીઓ અને કાંડાને કસરત કરાવી ગુજરાતીમાં હાથથી ઘણું લખ્યું. અમેરિકા આવ્યા પછી વર્ષો સુધી (મોટે ભાગે એક આંગળીએ!) નવા લીધેલા ટાઈપ રાઈટર પર અંગ્રેજીમાં ગોકળગાયની ગતિએ લખ્યું. ટાઈપ રાઈટર ખખડધજ થતાં એને વસમી વિદાય આપી. સદભાગ્યે એ વખતે ડેસ્ક કોમ્પ્યુટર આવી ગએલાં, અને નવ દશ હજાર ડોલરના ખર્ચે આઈ બી એમનું નવું જ બહાર પડેલું પરસનલ કોમ્પુટર, અને વર્ડપ્રોસીંગ સોફ્ટવેર ખરીદ્યાં અને અંગ્રેજીમાં શબ્દોનો વિસ્તાર ઝડપથી વધવા માંડ્યો.

  આ શ્રેણીના અગાઉના એક ભાગમાં જણાવ્યા મુજબ અમેરિકા આવેલા રજનીકુમાર પંડ્યા અને એમના કેટલાંક સર્જનોના સંપર્ક આવતાં ગુજરાતીમાં લખવાનું ફરી શરૂ થયું, પણ હાથથી જ લખવું પડતું હતું. કેનેડામાં રહેતા મારા બાળગોઠિયા સ્વ. બિન્દુ (કનુ) ગજ્જર પાસેથી વર્ડપ્રોસેસર ખરીદ્યું પણ એ વાપરવાની ફાવટ ન આવી.

  કેટલાંક વર્ષો પછી http://www.readgujarati.com વેબસાઈટ પર અચાનક ગયો અને “ગુજરાતીમાં લખો” પર કુતુહલથી ક્લીક કર્યું, અને કોમ્પ્યુટર પર ગુજરાતીમાં લખવાનું પણ ક્લીક થયું! અને પછી મારા ગુજરાતી શબ્દોનો વિસ્તાર વધતો ચાલ્યો.

  મારું બેકગ્રાઉંડ કોમ્પ્યુટર સોફ્ટવેરમાં પણ છે. શબ્દોનો કોમ્પ્યુટર દ્વારા વિસ્તાર કરતા આપણે બધા અને એ વિસ્તારનો આનંદ માણતા અસંખ્ય વાચકોને વિનંતીઃ કોમ્પ્યુટરના પિતા ગણાતા આદ્યસંશોધક ચાર્લ્સ બેબેજ (૧૭૯૧-૧૮૭૧) (અને એમની પ્રેરણાદેવી અદા લવલેસ (જે પ્રથમ પ્રોગ્રામર ગણાય છે)) ને નમસ્કાર કરીએ. (આજે થેંક્સ ગીવીંગ ડે પણ છે.)

  (મારા કોમ્પ્યુટર સ્ક્રીન પર મારી નાની દીકરી શેતલની નજર પડી અને બોલી ઊઠીઃ બેબેજ કે કેબેજ? થોડુંક વાચ્યાં પછી એજ બોલીઃ બૂલ અને બેબેજ વાળા (કોમ્પ્યુટર) ના બેબેજ!)

  વર્ષો પહેલાં એક કોમ્પ્યુટર માસિકમાં “What has Babbage Wrought” (બેબેજે શું કરી નાખ્યું!) નામની કોલમ આવતી હતી. બેબેજે કે અદાએ કદી કલ્પ્યું પણ નહિં હોય કે એમણે ગુજરાતી (અને અન્ય ભાષાઓમાં) શું કરી નાખ્યું!

  આ શેર વિષે વધુ લખતાં પહેલાં મારા મનમાં નીચેની પંક્તિઓ આવેલી:

  લખી… લખીને… લખવાનું શું? __
  પણ શબ્દ’બ્રહ્મ” પામ્યા પછી શું?

  એક ખાસ સૂચનાઃ બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં. મારાં અગાઉનાં લખાણોની લીંક મેળવવા girish116@yahoo.com સરનામે ઈ-મેઈલ મોકલો. સબ્જેક્ટ લાઈનમાં લખોઃ “આદિલની ગઝલોનો આનંદ”ની લીંક.

  (આ શ્રેણી તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું.
  ઈ-મેઈલઃ girish116@yahoo.com. અલબત્ત બ્લોગો/વેબ સાઈટો પર પણ લખી શકો છો, અને મને એની કોપી જરૂર મોકલશો.)

  –ગિરીશ પરીખ, મોડેસ્ટો, કેલિફોર્નિયા, નવેમ્બર ૨૬, ૨૦૦૯
  The original words of Girish in this post: Copyright (c) 2009 by Girish Parikh.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment