મને ઓ કલ્પનાનાં ઉડ્ડયનની દાદ તો આપો,
કે મેં પિંજર મહીં હોવા છતાં પાંખો પ્રસારી છે !
બેફામ

સવા-શેર : ૪ : ન હો જો કશું તો – હિમાંશુ ભટ્ટ

ન હો જો કશું તો, અભાવો નડે છે,
મળે જો બધું તો, સ્વભાવો નડે છે.

– હિમાંશુ ભટ્ટ

હિમાંશુભાઈની મને પ્રિય એવી એક ગઝલનો અમર થવાને સર્જાયેલો આ શેર! એમની ગઝલોમાં વાસ્તવિકતા ક્યારેક સખીપણાનાં શણગાર બનીને આવે છે તો ક્યારેક અભાવ અને સ્વભાવ બનીને આવે છે. કાં તો માણસ કોકને નડે છે કાં સ્વયંને. જીવનમાં કંઈ જ ન હોય તો એનો અભાવ અને બધું જ હોય તો પોતાનો જ સ્વભાવ નડે છે. મતલબ કે નડવું એ માણસની મૂળ પ્રકૃતિ છે, પછી એ ભલે અન્યને નડતરરૂપ હોય કે સ્વયંને. આ શેર મને રાજેશ વ્યાસ ‘મિસ્કીન’નાં એક પ્રખ્યાત અને અમર શેરની હંમેશા યાદ અપાવે છે:

તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.

– ઊર્મિ

કવિતાના ગળામાં પહેરાવવામાં આવતું સૌથી વધુ મૂલ્યવાન ઘરેણું સરળતા છે. એક જ શેર લખાય અને તોય અમરતા મળી જાય એવો ઝળાંહળાં છે આ શેર. ભાષાની સરળતા અને બહુ જૂજ શબ્દોની ફેરબદલથી જે ભાત અહીં ઉપસી આવી છે એ શબ્દાતીત છે. મૂળે આપણી જાતમાં જ નડતર ઘર કરી ગયું છે. શેક્સપિઅરના "મર્ચન્ટ ઑફ વેનિસ"ના પહેલા અંકના બીજા દૃશ્યમાં નેરિસા કહે છે: "they are as sick that surfeit with too much as they that starve with nothing."

– વિવેક

અભાવની લાગણી સ્વભાવજન્ય જ ન ગણાય !!!!

– તીર્થેશ

અલ્પમાં જે મઝા છે તે અતિશય આવતાની સાથે ભાગી છૂટે છે. ચીજોનો અભાવ સહન કરવો સહેલો છે. પણ મનનો અભાવ (સ્વભાવ) સહન કરવો અઘરો છે. કદાચ માણસની પ્રકૃતિ જ એવી છે. દરેક રેશમી ટેરવાની સાથે જ નખ જડેલા હોય છે.

– ધવલ

8 Comments »

  1. Atul Jani (Agantuk) said,

    December 9, 2013 @ 6:34 AM

    સહુ પ્રથમ તો હિમાંશુભાઈને હ્રદયપૂર્વક શ્રદ્ધાંજલિ.

    ન હો જો કશું તો, અભાવો નડે છે,
    મળે જો બધું તો, સ્વભાવો નડે છે.

    ગઝલની આ જ મજા છે કે જેવી વિચારસરણી તેવો ભાવ ઉપજાવી શકે.

    ઉપર ત્રણે કવિઓએ એક જ શેરને તેમની રીતે મૂલવ્યો છે. એક વાત તો પાક્કી કે આ શેર સાહિત્યમાં અમર થવાને સર્જાયો છે.

    ન જો હો કશું તો અભાવો નડે છે.

    આવશ્યકતા હોય અને તેની પૂર્તી ન થઈ શકે ત્યારે અભાવ ઉત્પન્ન થાય છે. અભાવ તે કુદરતી, પ્રારબ્ધજન્ય, વાતાવરણ આધારિત અથવા તો કશીક બાહ્ય પરિસ્થિતિને પરીણામે ઉત્પન્ન થયેલી સમસ્યા છે. અભાવગત સમસ્યાનો ઉકેલ ખોળવા માટેનો પ્રયાસ બહાર કરવો પડે.

    મળે જો બધું તો સ્વભાવો નડે છે.

    આ સમસ્યા આંતરિક સમસ્યા છે. એકની એક પરિસ્થિતિમાં એક વ્યક્તિ આનંદમાં હોય અને એક દુઃખી હોય એવું બને. એવું શા માટે બને તો તેનો જવાબ છે સ્વભાવ. એક અડધો ભરેલો ગ્લાસ જોવે છે અને તેનો આનંદ માણે છે. તેનો તે ગ્લાસ બીજી વ્યક્તિ અડધો ખાલી જોવે છે અને દુઃખી થાય છે.

    યાદ આવે છે પેલો ટોલ્સ્તોયની વાર્તાનો ખેડુત? સવારથી જમીન માપવા નીકળી પડે છે પણ મધ્યાન્હ પછીએ પાછું ફરવાનું સુઝતુ નથી અને છેલ્લે જ્યારે તેની આવશ્યકતા કરતા કેટલીયે વધારે જમીન માપીને પાછો ફરે છે ત્યારે ફસડાઈ પડે છે અને રહે છે માત્ર છ ફુટ જમીનનો અધિકારી અને તે ય પાછી શરીરને દાટવાના ખપ પુરતી. માંહ્યલો તો કશુંયે ભોગવ્યા વગર ચાલ્યો ગયો. અભાવને લીધે સવારે શરુ કરેલી યાત્રા છેવટે સ્વભાવને લીધે કશુંયે પ્રાપ્ત કર્યા વગર પુરી થઈ.

  2. perpoto said,

    December 9, 2013 @ 9:27 AM

    પત્થર પાણી
    કોણ કોને નડે છે
    ચર્ચા છે કાંઠે

    હિમાંશુભાઇને અર્પણ

  3. Harshad said,

    December 9, 2013 @ 7:47 PM

    ખુબ જ સરસ. ભાઈ કહેવુ પડે!!!!!!

  4. સુરેશ જાની said,

    December 10, 2013 @ 11:08 AM

    બહુ જ સરસ શેર. એમના જ મુખેથી ; તેમ જ અહીંના જાણીતાં ગાયિકા સંગીતાબેનની ગાયકીમાં એના ભાવને માણવાનો લ્હાવો મળ્યો હતો.
    જો કે, જીવનમાં એ ભાવ આત્મસાત થાય તો ગઝલ સાચી માણી કહેવાય.

  5. ધવલ said,

    December 10, 2013 @ 12:00 PM

    સરસ વાત. આભાર અતુલભાઈ !

  6. ધવલ said,

    December 10, 2013 @ 6:15 PM

    DESCRIPTIVE TEXT HERE

  7. La' Kant said,

    December 12, 2013 @ 10:54 AM

    ગમા-અણગમાથી પરે રહેવૂં કેટલૂં અઘરું !

  8. lata j hirani said,

    December 14, 2013 @ 4:11 AM

    દરેક રેશમી ટેરવાની સાથે જ નખ જડેલા હોય છે.

    vaah dhavalbhai…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment