રંગમાં જે ભળી નથી શક્તા,
એ પછી રાગ-દ્વેષ પામે છે.
સુધીર પટેલ

હું, તમે ને આપણે – હસમુખ મઢીવાળા

છોડ, કાંટા, ફૂલ તે શું ? હું તમે ને આપણે
સૂર્ય, તારા, ચંદ્ર તે શું ? હું તમે ને આપણે

રણ, આ રેતી, આ સમંદર, પર્વતો ને આ ઝરણ
સિંહ, સસલાં, મોર તે શું ? હું તમે ને આપણે

તેજ, વાયુ, માટી ને આ આભ ને આ જલ બધું
શૂન્ય જેવું શૂન્ય તે શું ? હું તમે ને આપણે

ઘર, આ ઘરની ભીંત, છત, બારી અને આ બારણાં
થાંભલી, આ મોભ તે શું ? હું તમે ને આપણે

વસ્ત્ર ને આ આભરણ ને આ સુગંધી દ્રવ્ય સૌ
એ બધાનું કેન્દ્ર તે શું ? હું તમે ને આપણે

ઊર્મિઓ, આ લાગણી, આ હર્ષ ને આ વેદના
દર્દનાયે અર્થ તે શું ? હું તમે ને આપણે

હું તમે ને આપણેની આ લીલા છે, ખેલ છે
ફોક, જુઠ્ઠું, વ્યર્થ તે શું ? હું તમે ને આપણે

– હસમુખ મઢીવાળા

ગઝલ તો હું વાંચી ગયો અને ગમી ગઈ એટલે અહીં મૂકી પણ રહ્યો છું. પણ આ ગઝલમાં કોઈ મને એ કહેશો કે, આ ‘હું તમે ને આપણે’ એટલે કોણ ? એક રીતે વિચારતા આ એક સંબધની કથા લાગે છે ( હું, તમે અને ‘આપણે’ ) તો બીજી રીતે જુવો તો કવિ સમગ્ર વિશ્વની એકાત્મતાની વાત કરતા હોય એમ પણ વિચારી શકાય ( હુ, તમે અને આપણે બધા ) અને પહેલા થોડા શેર તો ‘અમૂર્ત’ (એબસ્ટ્રેક્ટ) ગઝલ જેવા પણ લાગે છે… તમને શું લાગે છે ?

એક દોસ્તારને પૂછી જોયું તો કહે કે, “આખી દુનિયા સરસ મઝાના ચોરસ ટુકડા કરીને ખમણ ખાય પણ મઢી ગામ તો આકાર વગરની ખમણી માટે જાણીતું છે. આ મઢીવાળા કવિ પણ એવી લોચા વાળી ખમણી-ટાઈપની ગઝલ લાવ્યા છે. જેમ ખાવી હોય એમ ખાવ !” 🙂

4 Comments »

 1. Jayshree said,

  March 11, 2008 @ 4:00 am

  ધવલભાઇ, ગઝલની સાથે આ તમારી વાત વાંચવાની પણ એટલી જ મઝા આવી…

  લયસ્તરો ગઝલ – ગીત તો પીરસે જ… પણ આજે તો ખમણ – ખમણી અને લોચો પણ યાદ આવી ગયો…

 2. Pinki said,

  March 11, 2008 @ 8:33 am

  મક્તા અને મત્લાના શેરમાં
  “યથા પિંડે તથા બ્રહ્માંડે” નો નાદ સ્પષ્ટ ગૂંજે છે.

  ઊર્મિઓ, આ લાગણી, આ હર્ષ ને આ વેદના
  દર્દનાયે અર્થ તે શું ? હું તમે ને આપણે
  આ શેર પણ સરસ થયો છે .

  કવિ જો સ્પષ્ટતા ના કરત તો ગઝલ
  માણવાની મજા ઓર આવત !! jusxtaposition… !!
  i mean, ખમણી ખાતા ‘હું,તમે અને આપણે’…….?!!

 3. pragnaju said,

  March 11, 2008 @ 9:53 am

  સરસ ગઝલ
  તેમા આ પમ્ક્તીઓ ગમી.
  હું તમે ને આપણેની આ લીલા છે, ખેલ છે
  ફોક, જુઠ્ઠું, વ્યર્થ તે શું ? હું તમે ને આપણે
  લાગે કે
  પોતાનું કાર્ય સિદ્ધ કરવા- સામ, દામ, દંડને ભેદનું આ દૃષ્ટાંત સંક્ષેપમાં!
  “હું તમે ને આપણે” વાંચીએ અને ક.મા.મુનશીના ઘરની ફરીયાદ-“મારાને તારા છોકરાઓ ભેગા થઈ આપણાં છોકરાને મારે છે” યાદ આવે.!
  અને યાદ આવે
  કેટલા પોકળ ને દંભી હું, તમે ને આપણે,
  આપણે નાહક અહીંયાં એકબીજાથી ડર્યા.
  મૌનનો મહિમા મને ઊંડે ઊંડે લઈ જાય છે,
  શબ્દની સરહદ સુધી પહોંચી તમે પાછા ફર્યા.
  સામસામે હું અને તું આપણી વચ્ચે સમય,
  …બાકી આ પણ એટલું જ સત્ય છે
  માનો કે આપણે ખાધું-પીધું અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,
  પણ ઝૂરતા આ ઓરતાનું શું?
  ****************************
  — થોડી બીજી વાતમાં રસ હોય તો ખમણી ખાવા મઢી જાવ તો હસમુખભાઈને ત્યાં જરુર જશો.સાહીત્યની ચર્ચા સાથે તમને પુસ્તક કે પુસ્તીકા ભેટ પણ મળશે…

 4. ઊર્મિ said,

  March 11, 2008 @ 6:45 pm

  મક્તાનાં શેરનાં ઉલા મિસરામાં છંદ તૂટે છે? મને એવું લાગ્યું… 😕

  ગઝલ તો હજીયે મમળાવવી પડશે… અને લોચો-બોચો તો નથી આવડતો પણ કમ સે કમ આ ખમણ તો મારે આજકાલમાં બનાવવા જ પડશે… 🙂

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment