પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ !
હરીન્દ્ર દવે

…..પડ્યો – ગની દહીંવાલા

સુરજના પક્વ ફળ થકી બેસ્વાદ રસ પડ્યો
જાગો અતૃપ્ત જીવ કે ટપકી દિવસ પડ્યો

પકડાઈ ચાલ્યાં પાનથી ઝાકળના પંખીઓ
કિરણોના પારધીને ફરીથી ચડસ પડ્યો

વાવ્યા વિના લણાયો જગે ઝાંઝવાનો પાક
બોલ્યા વિના બપોરનો પડઘો સરસ પડ્યો

માટીને મહેકવાની ગતાગમ નથી હજી
વરસાદ આંગણા મહીં વરસો વરસ પડ્યો

અંધાર આવું આવું કરે બારી બા’રથી
પીળો પ્રકાશ ખંડમાં હાંફે ફરસ પડ્યો

સૂરજના મનના મેલ નિશાએ છતા થયા
ઓજસનો ધોધ કાંખમાં લઈને તમસ પડ્યો

કાંઠાનો સાદ સાંભળ્યો તળિયે અમે “ગની”
‘કોઇ અભાગી જીવ લઈને તરસ પડ્યો

-ગની દહીંવાલા

7 Comments »

  1. perpoto said,

    December 1, 2013 @ 7:40 AM

    કોઇ અભાગી જીવ લઇને તરસ પડ્યો…વાક્ય સમજાતું નથી…

  2. Dhaval said,

    December 1, 2013 @ 11:06 AM

    સુરજના પક્વ ફળ થકી બેસ્વાદ રસ પડ્યો
    જાગો અતૃપ્ત જીવ કે ટપકી દિવસ પડ્યો

    – સરસ !

  3. narendarsinh said,

    December 1, 2013 @ 11:56 PM

    અતિ સુન્દર રચના

  4. તીર્થેશ said,

    December 2, 2013 @ 1:00 AM

    @perpoto – અમે તરસના માર્યા કૂદી પડેલા અને ડૂબીને તળિયે પહોચી ગયા ….. બસ, અમારી જેમ જ કોઈ અભાગી તરસ્યો પોતાની તરસ છીપાવવા કૂદ્યો લાગે છે.

  5. Hasit Hemani said,

    December 2, 2013 @ 3:58 PM

    ઘણી વખત કવિઓ જે લખતા હોય તે પોતે જ સમજી શકે તેવી રચનાઓ કરતા હોય છે. છતાં તેને પ્રશંશકો મળી રહેતા હોય છે. ગુજરાતી વાચક દિલદાર તો છે જ. જે મ્ળ્યુ તે વધાવી લેવાનો.

  6. Harshad Mistry said,

    December 3, 2013 @ 8:37 PM

    Very nice. Like it.

  7. ચિરાગ પાધ્યા said,

    March 11, 2020 @ 7:29 AM

    ખૂબ સરસ ગઝલ છે .. બધા શેર અફલાતૂન બસ મકતા થોડો અસ્પષ્ટ જણાય છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment