આ સફરમાં રહી જશે પાછળ બધું
જે બધું આગળ મને દેખાય છે
ભરત વિંઝુડા

કોઈ કહેતું નથી – મનોજ ખંડેરિયા

લાલઘૂમ તાપમાં મ્હોરતો, મસ્તીનો
તોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
આ નગરની વચોવચ હતો એક
ગુલમ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

પૂછું છું બારને-બારીને-ભીંતને
લાલ નળિયા-છજાં-ને વળી ગોખને-
રાત દિ’ ટોડલે બેસીને ગ્હેકતો
મોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

કૈં જ ખૂટ્યું નથી, કૈં ગયું પણ નથી
જરઝવેરાત સહુ એમનું એમ છે;
તે છતાં લાગતું સઘળું લૂંટી અને
ચોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

સાવ સૂની બપોરે ઘડી આવીને
એક ટહુકો કરી, ફળિયું ભરચક ભરી
આંખમાં આંસુ આંજી અચાનક
શકરખોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

કેટલાં વર્ષથી સાવ કોરાં પડ્યાં
ઘરનાં નેવાં ચૂવાનુંય ભૂલી ગયા
ટપકતો ખાલીપો પૂછતો : મેઘ
ઘનઘોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

જિંદગીના રૂપાળા ચહેરા ઉપર
ઉઝરડા ઉઝરડા સેંકડો ઉજરડા
કોણ છાના પગે આવી મારી ગયું
ન્હોર, તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

પાછલી રાતની ખટઘડી એ હજી
એ તળેટી ને એ દામોદર કૂંડ પણ-
ઝૂલણા છંદમાં નિત પલળતો
પ્રથમ પ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

6 Comments »

 1. perpoto said,

  November 25, 2013 @ 7:09 am

  આપણા શસક્ત કવિ…ચોર તે ક્યાં ગયો કોઇ કહેતું નથી,ને સહુ જરઝવેરાત તો એમનું એમ છે….

  my recent haiga/fotoku…i dedicate him

  in the middle of the street
  scarecrow
  homeless standing

 2. સુરેશ જાની said,

  November 25, 2013 @ 7:59 am

  અદભૂત રચના. અદભૂત ભાવ.
  નરસિંહ મહેતાને પણ મ.ખં. ટપી ગયા.

 3. Hasmukh Shah said,

  November 25, 2013 @ 10:52 am

  આ ક્રુતિ ને કોઇ ઉપમા આપેી શકાય તેમ નથેી.

 4. Harshad Mistry said,

  November 25, 2013 @ 8:06 pm

  મનોજ્ભાઈ, વાહ કહેવુ પડે. બહુત ખુબ !!!!

 5. M.D.Gandhi, U.S.A. said,

  November 26, 2013 @ 1:00 am

  ક્યાં ગયું…ક્યાં ગયું…..આજના “ઈમીટેશન-નકલી જમાના”માં ક્યાં આ બધું “અસલી” મળવાનું છે….??? એકલા મનોજભાઈ તો શું આખી દુનિયા, ગોતશે તો પણ હવે આ બધું નથી મળવાનું……..ખોટી આશા રાખવી……, બાકી.નીસાસા નાંખ્યે મોર…ગુલમહોર…આ બધું હવે કદાચ ફોટા કે ફીલમમાં જોવા મળશે…….
  સુંદર કાવ્ય….

 6. Suresh Shah said,

  November 30, 2013 @ 10:20 pm

  ખરેખર અદભુત્ત રચના.
  કેટ કેટલા સવાલો ઉદભવે, પણ કોઈ કહેતુ નથી.
  રાત દિ’ ટોડલે બેસીને ગ્હેકતો મોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી – મારે ટોડલે બેઠો મોર …. હવે બેસૂરો લાગે છે.
  તે છતાં લાગતું સઘળું લૂંટી અને ચોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી – જે ખોયું છે તે કોને કહીએ …. કેમ કરી સહીએ.

  – સુરેશ શાહ, સિંગાપોર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment