આમેય વિતાવવાની છે રાત સરોવરમાં,
તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઇએ.
– રાજેન્દ્ર શુકલ

The Experience of Nothingness – રાજેન્દ્ર શુક્લ

હોવાનો આ ખયાલે છે મૂળમાંથી ખોટો,
હોઈ તો તે શકે કે જેનો ન હોય જોટો .

આરંભ જો કહો તો આરંભ સાવ એમ જ
કંઈ નહીં- ના બીજમાંથી કંઈ નહીં- નો ફૂટે કોટો .

જોનારું કો રહે ના, જોવાનું છંઈ રહે ના,
જોવુંય એક અમથો અડધો ચણેલ ઓટો .

પકડી શકે જો કોઈ, પકડી શકે એ પોતે,
આકાશ પણ નથી એ કે એ નથી લિસોટો .

શબ્દોની ગડમથલ આ, આ મૌનની મથામણ,
જાતેજ ગૂંચવાઈ વાળી દીધો આ ગોટો .

-રાજેન્દ્ર શુક્લ

આ ગઝલમાં ‘nothingness’ જેવા અતિગૂઢ વિષય ઉપર વાત કરવા જતાં જાણે કવિ પોતાના જ રચેલા જાળામાં જાણે કે ભેરવાઈ ગયા છે એવો મારો અંગત અભિપ્રાય છે. આ ગઝલ પ્રસ્તુત કરવાનો ઉદ્દેશ એ કે આવા વિષય ઉપર સિદ્ધહસ્ત કલમ પણ ભૂલી પડી જાય એવું બની શકે. દર્શનની અદભૂત સ્પષ્ટતા હોય તો જ – કદાચ – આ વિષયે ગઝલ સહજતાથી બહાર નીકળે, અન્યથા………

8 Comments »

  1. ravindra Sankalia said,

    October 28, 2013 @ 9:05 AM

    બહુજ ગહન. સમજવી ઘણીજ અઘરી.

  2. perpoto said,

    October 28, 2013 @ 10:24 AM

    આવો જ ગુંચવાડો ઝેન વિષે પષ્ચિમના કવિઓમા પ્રવર્તે છે…
    નો માઈન્ડની અવસ્થા, માઇન્ડ દ્વારા જોવાનો /પોંખવાનો પ્રયત્ન…

  3. Maheshchandra Naik (Canada) said,

    October 28, 2013 @ 1:56 PM

    ગહન ગઝલ………………………..

  4. sudhir patel said,

    October 28, 2013 @ 8:49 PM

    તીર્થેશભાઈના અભિપ્રાય સાથે સહમત થવું પડે એ રીતે ગઝલ ફસકાઈ ગઈ છે!

    જાણે કવિ જ કહેતા ન હોય ‘જાતેજ ગૂંચવાઈ વાળી દીધો આ ગોટો!’.

    સુધીર પટેલ.

  5. Laxmikant Thakkar said,

    October 29, 2013 @ 2:38 AM

    “શબ્દોની ગડમથલ આ, આ મૌનની મથામણ,”
    અતિગૂઢ વિષય
    ..વાત તો સહેી જ છે ને ભાઇ !

    સહી-સમજ
    “રજકણથી વિરાટ અનંત શૂન્યમાં વિસ્તરું,
    સમજનું પરીઘ વિસ્તારી ઈશ્વર હું બનું !
    માણસપણું તજીને ચારે તરફ હું વિસ્તરું
    ઈશ્વરપણું પહેરી બ્રહ્માંડે હું એમ વિસ્તરું
    ભ્રમમાં રહી,અનર્થ અનેક કરે છે માણસ,
    ભયમાં રહી ,ગફલત અનેક કરે છે,માણસ
    કુદરતના કરિશ્માને ધ્યાનથી નિહાળો,
    ખુદની હસ્તીને સમજીને ,સહી વિચારો ”

    -લા’કાન્ત / ૨૯-૧૦-૧૩

  6. સંજુ વાળા said,

    November 14, 2013 @ 3:55 AM

    શબ્દોની ગડમથલ આ, આ મૌનની મથામણ,
    જાતેજ ગૂંચવાઈ વાળી દીધો આ ગોટો .
    વિવેક જેી,
    આમ કવિએ પણ આખરે હથિયાર હેંઠા જ મૂક્યા છે.

  7. Pancham Shukla said,

    January 25, 2014 @ 6:01 PM

    મારે એટલું જ કહેવું છે ” પોતાના જ રચેલા જાળામાં જાણે કે ભેરવાઈ ગયા ” કે “ગઝલ ફસકાઈ ગઈ છે!” એ પાત્રતા વગર થયેલાં અધુરિયા અને અનઅધિકૃત અંગત વિધાનો કે મંતવ્યો છે.

    “ગઝલ ગહન છે”; “મારી સમજની બહાર છે”; “મને મઝા ના પડી” જેવા વિધાનો કે મંતવ્યો સહ્ય છે.

    The Experience of Nothingness ને કવિએ પ્રામાણિક કવિધર્મથી જાણવાનો / પામવાનો પ્રયત્ન કર્યો છે એ પણ લયસ્તરોના સંપાદક / સમાનધર્મા / ભાવક ની રૂએ આપણે સમજી ન શકીએ એટલાં ભોટ છીએ?

  8. તીર્થેશ said,

    January 27, 2014 @ 3:07 AM

    @ પંચમભાઈ – આ ટીપ્પણી મેં ખૂબ વિચાર્યા પછી લખવાની હિંમત કરી છે. અમુક વાત શબ્દોમાં મુકવી સહજ અથવા શક્ય નથી હોતી. ગઝલના પ્રત્યેક શેરને મેં ધીમેથી ધ્યાનપૂર્વક ફરીફરીને વાંચ્યો અને અંતે હૃદયમાંથી જે અવાજ આવ્યો તે લખ્યો છે. મોકો મળ્યે કવિશ્રીના સ્વમુખે જ આ ગઝલની છણાવટ કરાવીશું. બાકી રહસ્યવાદ/આધ્યાત્મના સર્વસ્વીકૃત મૂળભૂત parameters ની એરણે આ ગઝલ ચકાસવા સૌ ભાવકોને હાર્દિક આમંત્રણ છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment