તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને,
જગત સામે જ ઊભું હતું દર્દો નવા લઈ ને.
બેફામ

ગઝલ – અશરફ ડબાવાલા

જૂઠ પણ સાપેક્ષ છે ને સાચ પણ સાપેક્ષ છે,
તું જરા થંભીને જો કે રાસ પણ સાપેક્ષ છે.

સાવ અધવચ્ચેય આવે છે પરાકાષ્ઠા કદી,
પહોંચવા ના પહોંચવાના ભાવ પણ સાપેક્ષ છે.

પોતપોતાનું બધાંને પ્રાણપ્યારું છે રટણ,
જે કરે છે તું સતત તે જાપ પણ સાપેક્ષ છે.

હું કદી મારો, કદી તારો, કદી છું સર્વનો,
મારા મનમાં છે તે મારું સ્થાન પણ સાપેક્ષ છે.

મોકળા મનથી વિચારીને જુઓ અશરફ ! હવે,
આપને લાગે છે તે સંકડાશ પણ સાપેક્ષ છે.

-અશરફ ડબાવાલા

‘સાપેક્ષ છે’ જેવી મજાની રદીફને કવિએ આ ગઝલમાં ખૂબ સુંદર રીતે નિભાવી જાણી છે. સાવ સીધી ભાષામાં લખાયેલા બધા જ શેર વારંવાર ગણગણવાનું મન થાય એવા મજાના થયા છે. મંઝિલ અને મઝલની વાત કરતો બીજો શેર તથા મોકળાશ અને સંકડાશની સાપેક્ષતા આપણા પોતાના મનની જ નીપજ હોવાનું ઈંગિત કરતો આખરી શેર જો કે મને ખૂબ ગમી ગયા.

5 Comments »

 1. Pinki said,

  February 28, 2008 @ 4:41 am

  સુંદર ગઝલ…..!!

  મોકળા મનથી વિચારીને જુઓ અશરફ ! હવે,
  આપને લાગે છે તે સંકડાશ પણ સાપેક્ષ છે.
  સરસ વાત કહી છે….!!

 2. shaileshpandya BHINASH said,

  February 28, 2008 @ 6:04 am

  Good………….

 3. pragnaju said,

  February 28, 2008 @ 9:40 am

  સુંદર ગઝલ
  આ શેર ગમ્યો
  જૂઠ પણ સાપેક્ષ છે ને સાચ પણ સાપેક્ષ છે,
  તું જરા થંભીને જો કે રાસ પણ સાપેક્ષ છે.
  સાપેક્ષ સત્ય છે.એ ખોટું નથી .જ્યારે પોતાના સ્વરૂપનું ભાન કરવું હશે,ત્યારે એ સત્ય કામ નહીં લાગે. તે દહાડે તો આ સાપેક્ષસત્ય ખોટું પડશે.હવે સાપેક્ષ સત્ય સાપેક્ષમાંથી જ ઉત્પન્ન થાય, નિયમ એવો છે.ને સાપેક્ષસત્ય એટલે વિનાશી સત્ય. જો તમને આ સત્ય,વિનાશી સત્ય ગમતું હોય તો વિનાશીમાં રમણતા કરો અને એ ન ગમતું હોય તો આ શાશ્વતસત્યમાં આવો.
  નીિતનનો આવો જ શેર યાદ આવ્યો
  જીવતું એ ઝાડ પણ સાપેક્ષ છે.
  ને તુટેલી ડાળ પણ સાપેક્ષ છે.”
  અને જાતુષનો
  શબ્દ તો સાપેક્ષ છે, નિરપેક્ષ છે,
  શબ્દને સાક્ષાત લઇ ઊભા છીએ.

 4. Krishnakant Mehta said,

  February 29, 2008 @ 4:28 am

  મજા આવિ ગઇ. સુન્દર ગઝલ વાન્ચવા મલિ.

 5. DR.GURUDATT said,

  March 7, 2008 @ 2:10 pm

  આઈન્સ્તાઈનના સાપેક્ષવાદ ને કવ્ય બક્ષ્યુ! વાહ! સુંદર ગઝલ. સંકડાશ ખુબ ગમ્યુ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment