તમારાં અહીં આજ પગલાં થવાનાં,
ચમનમાં બધાંને ખબર થૈ ગઈ છે.
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,
ફૂલોની ય નીચી નજર થૈ ગઈ છે.
ગની દહીંવાલા

વરસાદ – રમેશ પારેખ

વરસાદ નથી આંગળી મુકાય એવો નક્કી

કાલ એનું નામ હતું જળવંતી છાંટ
એક જળવંતી છાંટ
આજ એનું નામ સાવ ખાલી ખખડાટ
સાવ ખાલી ખખડાટ
કાલ એનું નામ હશે વાંભવાંભ જક્કી
વરસાદ નથી આંગળી મુકાય એવો નક્કી

કોઈ વાર છે એને આવવાની ટેવ
એને આવવાની ટેવ
કોઈ વાર એને ઝૂરાવવાની ટેવ
છે ઝુરાવવાની ટેવ
નહીં એના વાવડ કે નહીં કોઈ વક્કી
વરસાદ નથી આંગળી મુકાય એવો નક્કી

– રમેશ પારેખ

જે રીતે ઓણસાલ વરસાદ મંડી પડ્યો છે – ક્યારેક સાંબેલાધાર દિવસો સુધી મંડ્યો રે તો ક્યારેક આ ધરતી સાથે કોઈ નિસ્બત જ ન હોય એમ મોઢું ફેરવી સાવ જતો રહે ને વળી અચાનક ધરતી-આભ રસાતાળ કરી જાય – એ જોતાં તો ર.પા.નું આ ગીત યાદ ન આવે તો જ નવાઈ. ગઈકાલે છાંટમાત્ર હતો ને આજે તો વાદળનું પાત્ર બસ ખાલી ખખડાટ કરે છે તો આવતીકાલે વાંભ વાંભ વરસવાનો છે…

(વાંભ = બંને હાથ પહોળા કરવાથી થતું લંબાઈનું માપ; વામ)

4 Comments »

  1. perpoto said,

    October 3, 2013 @ 1:08 PM

    ર.પા. માનવંતા કવિ છે….

    નહીં એના વાવડ કે નહીં કોઇ વક્કી…
    આજે ડોપ્લરના યુગમાં …?

  2. Pancham Shukla said,

    October 4, 2013 @ 4:45 AM

    વાહ, સરસ ગીત.

  3. Jayant Shah said,

    October 12, 2013 @ 5:46 PM

    કાલ એનુ હશે વાબ્ભ વામ્ભ જક્કી —વામ્ભ શબ્દનો કેવો સરસ ઉપયોગ કર્યો !! કેટલા વખત બાદ

    શબ્દ યાદ આવ્યો .વામ જમીન માપવામા થતો ,એમલાગે .ર.પા.નુ સુન્દર ગીત !!!

  4. અનિલ શાહ. પુના. said,

    August 17, 2020 @ 10:40 AM

    કાગળ પર વાદળ દોરવાની જ્યારે વાત આવી,
    વગર ચૌમાસે પ્રેમ થી ભીના થવા ની વાત આવી,
    મોરલાનો ટહુકો હું નથી કે તું મને સાંભળી શકે,
    આવા પડઘા સાંભળવાની જ્યારે વાત આવી,
    વગર ચૌમાસે પ્રેમ માં ભીનાં થવાની વાત આવી,
    સાવ કોરાધાકોર હોય અને પલળી જવાય,
    આવા બધા વિચારવાની જ્યારે વાત આવી,
    વગર ચૌમાસે પ્રેમ થી ભીના થવા ની વાત આવી,
    તું સામે હોય ને કદાચ વાદળ વિખરાય,
    એક બીજાને ભીંજાઈ જવાની જ્યારે વાત આવી,
    વગર ચૌમાસે પ્રેમ માં ભીનાં થવાની વાત આવી,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment