આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
આંખને ખૂણે હજીયે ભેજ છે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

સર્જનહાર સમેત – હરિકૃષ્ણ પાઠક

સરસર સરસર ઝાડ-પાંદડે
ફરફર ઊડે બારીમાં
તડતડ ધડધડ છાજ-છાપરે
સરતરબોળ અટારીમાં.
કાગળની હોડીમાં તરતી
ગલી ગલી કલશોર ભરી
ભીંત અઢેલી ઊભાં ઢોરાં
રુંવે રુંવે રોમાંચ ધરી.
મન વિરહીનાં આકુળ-વ્યાકુળ
હળ્યાં-મળ્યાંનાં છલકે હેત,
સચરાચર સુખ-સાગર છલકે
મલકે સર્જનહાર સમેત.

– હરિકૃષ્ણ પાઠક

ક્યારેક કૃતિનો વિચાર વિસ્તાર કરવાના બદલે સર્જકની તકનિક વિશેની વાત પણ વધુ રસદાર હોઈ શકે.

• છંદવિધાન: ત્રીસો સવૈયો – એકી પંક્તિમાં સોળ અને બેકીમાં ચૌદ માત્રા. ગાગાગાગા, ગાલલગાગા, ગાલગાલગા, લગાલગાગાની રેવાલ ચાલ જેવી પ્રવાહી ગતિ વરસાદની રવાની તાદૃશ કરી આપે છે.
• ઓનોમેટોપિઆ: રવાનુકારી શબ્દોના પ્રયોગથી “અવાજ”ને “ચાક્ષુષ” કરવાની કળા. સરસર સરસર ફરફર તડતડ ધડધડ સરતરબોળ – કવિએ આકાશમાંથી મુશળધાર વરસતા વરસાદની ગતિને કેવી આબેહૂબ રીતે ઉપસાવી આપી છે.
• પ્રાસરચના : શરૂઆતની ચાર પંક્તિમાં a-b–a-bની ચુસ્ત પ્રાસરચના પ્રયોજ્યા પછી કવિ માત્ર એકી સંખ્યાની કડીઓને પડતી મૂકી માત્ર બેકી સંખ્યાની કડીઓમાં પ્રાસ યોજે છે, જાણે વચ્ચેના પ્રાસ અનવરત વરસાદમાં ધોવાઈ ન ગયા હોય…
• વર્ણાનુપ્રાસ: સરસર સરસરના ચાર સ અને ચાર ર, ગલી ગલી, છાજ-છાપરે, ભીંતના ભ સાથે ઊભાંનો ભ અને અઢેલીના ઢ સાથે ઢોરાંનો ઢ, રુંવે-રુંવે રોમાંચના ત્રણ ર, હળ્યાં સાથે હેત, સચરાચર સાથે સુખ અને સાગરના સ, સર્જનહાર સાથે સમેતનો સ – વરસાદના ટીપાં એક પછી એક એકસરખા પડતાં હોય એવો ભાસ કવિ કેવો બખૂબી આટલી નાની કવિતામાં એક પછી એક વર્ણાનુપ્રાસ પ્રયોજી ઊભા કરી શક્યા છે !
• પાણીની જેમ એક પંક્તિમાંથી બીજીમાં ઢોળાતો નાદ – ઝાડ-પાંદડે પછીની પંક્તિમાં ઊડે, ભરીના ભ પછીની પંક્તિમાં તરત આવતો ભીંતનો ભ, ઢોરાંના ર ને પકડી શરો થતો આગલી પંક્તિના રુંવે રુંવે નો ર, આકુળ-વ્યાકુળના ‘ળ’નું આગલી પંક્તિના હળ્યાં મળ્યાંમાં ઢોળાવું, છલકે પછી તરત આવતો મલકેનો ઉપાડ- કવિએ વરસાદની ગતિને કેટકેટલી તરેહથી મૂર્ત કરી આપી છે !

5 Comments »

 1. નેહા said,

  September 28, 2013 @ 3:51 am

  આવું પોસ્ટમોર્ટમ કરવા આટલી જાણકારી અને “ઝીણવટું” અવલોકન કરવાની ક્ષમતા પણ જોઈએ …

  વાહ કવિ !

 2. preetam Lakhlani said,

  September 28, 2013 @ 5:26 pm

  પાઠક સાહેબની કાવ્યબાની વિષે શું બોલી શકાય્…… ?. બહુ જ મારું પ્રિય આ એક ગીત્!!!

 3. Maheshchandra Naik (Canada) said,

  September 28, 2013 @ 9:24 pm

  સચરાચર સુખ= સાગર છલકે,
  મલકે સર્જનહાર સમેત…………………..
  સરસ ભાવ વ્યક્ત થયો છે……………..

 4. Harshad Mistry said,

  September 29, 2013 @ 10:03 pm

  Like it.

 5. jignesh Naik said,

  October 2, 2013 @ 8:13 am

  like this

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment