આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
આંખને ખૂણે હજીયે ભેજ છે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

ગઝલ – રતિલાલ ‘અનિલ’

સત્ય પણ ક્યારેક કડવું જોઇએ,
જાતની સાથે ઝઘડવું જોઇએ !

બ્હારના સમરાંગણોની વાત શી ?
ભીતરે કે લમણે લડવું જોઇએ !

એ રહ્યો ઈશ્વર, ખપે એને અરૂપ;
માનવી છું, મારે ઘડવું જોઇએ !

આમ આવ્યા ને ફકત ચાલ્યા જવું,
રાહ છે તો કૈંક નડવું જોઇએ !

આ વિશેષણના વળી શણગાર શા ?
રૂપ છે નીતર્યું તે અડવું જોઇએ !

કૈંક તો અસ્તિત્વનું એંધાણ હો !
ખાલીપાએ પણ ખખડવું જોઇએ !

પ્રેમમાં ઔંદાર્ય તો હોવું ઘટે!
આળ જેવું કૈંક ચડવું જોઇએ !

સૂર્યની ક્યારેક તો ઝાંખી હશે,
ભીના ભીના રહી શું સડવું જોઇએ ?

ધૂળધોયાનું મળ્યું જીવન ‘અનિલ’,
એય તક છે, કૈંક જડવું જોઇએ !

– રતિલાલ ‘અનિલ’

એક નજર માંડીને આગળ ચાલ્યા જવા જેવી ગઝલ નથી આ. જરા ખમો. બધા શેર ફરી વાર વાંચો અને તરત જ ભીતર કંઈક અનોખી અનુભૂતિ થશે.  “સહલે-મુમતના” અર્થાત્ “સરળ દોહ્યલું” કહી શકાય એવી ગઝલ… એક-એક શેરની પરત ખોલો અને એક-એક શેર વધુ સમજાશે… નીતર્યું રૂપ, ખખડતો ખાલીપો અને ધૂળધોયાનું જીવન તો અદભુત !

7 Comments »

 1. ધવલ ત્રિવેદી said,

  August 31, 2013 @ 2:35 am

  અદભુત..

  ધૂળધોયાનું મળ્યું જીવન ‘અનિલ’,
  એય તક છે, કૈંક જડવું જોઇએ !

 2. perpoto said,

  August 31, 2013 @ 5:21 am

  કૈંક તો અસ્તિત્વનું એંધાણ હો….
  મૃત્યુ ….ભલા શું હશે…

 3. sweety said,

  August 31, 2013 @ 6:47 am

  સૂર્યની ક્યારેક તો ઝાંખી હશે,
  ભીના ભીના રહી શું સડવું જોઇએ ?

  સરસ

 4. Maheshchandra Naik (Canada) said,

  August 31, 2013 @ 12:52 pm

  કવિશ્રી રતીલાલ ‘અનિલ્”ને શ્રધ્ધાંજલિ…..

 5. જીવન ક્ષણોની સુંદરતા (४) | વિજયનું ચિંતન જગત- said,

  September 2, 2013 @ 8:34 am

  […] http://layastaro.com/?p=10443 Share this:EmailPrintFacebookLinkedInDiggStumbleUponTwitterTumblrGoogle +1PinterestRedditLike […]

 6. Vijay Shah said,

  September 2, 2013 @ 8:39 am

  ધૂળધોયાનું મળ્યું જીવન ‘અનિલ’,
  એય તક છે, કૈંક જડવું જોઇએ !

  – રતિલાલ ‘અનિલ’

  આજના જીવનમાં દાખલ થયેલી જડવત જિંદગી.. સવારે ઉઠવુ ,બ્રશ કરવુ ચા નાસ્તો કરી છાપુ વાંચવુ અને કામે ચઢવુ..ક્યારેક કદીક એવું પણ થાય કે આ શું રોજ ની રોજીંદી એક ધારી રોજનીશી.. કવિ ” અનીલે” તે જીવનને “ધુળધોયા”નું જીવન કહી એક નવી દ્રષ્ટી એક નવી આશ આપી

  હા એ રોજિંદી જિંદગીમાં ક્યારેક સોનાની કણ મળે..જીવન જીવવાની એક તક મળે કે હાસ્યને પ્રેરતો પ્રસંગ બને…જિંદગીને યંત્રવત રીતે જીવવાને બદલે છાપામાંથી કદીક કોઇક વાર્તા જડે કે જીવાતી તે યંત્રવતતા કોઇક એવી જડીબુટ્ટી આપે કે જીવન ક્ષણો સુંદર બને… અને તેથી જ કહે છે ને

  हसते गाते जहांसे गुजर

  दुनियाकी तु परवा न कर…

  કવિને તેમના કાવ્ય કર્મની સલામી

  સૌજન્યઃ http://layastaro.com/?p=10443

  http://www.vijaydshah.com/2013/09/02/jivan-xanoni-sundaratt-4/

 7. જીવન ક્ષણોની સુંદરતા (૪) | વિજયનું ચિંતન જગત- said,

  September 9, 2013 @ 9:21 pm

  […] http://layastaro.com/?p=10443 Share this:EmailPrintFacebookLinkedInDiggStumbleUponTwitterTumblrGoogle +1PinterestRedditLike […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment