દિલ ન’તું પણ વાંસનું જંગલ હતું, ઝંઝાનિલો!
આપ આવ્યા? હાય! દાવાનળ બની ગઇ જિન્દગી!
વેણીભાઇ પુરોહિત

મુક્તિ – – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ-રમણલાલ સોની

મુક્તિ ક્યાં છે, અને હું મુક્તિ કોને કહું છું એ
મને પૂછશો મા .
હું કંઈ સાધક નથી, હું ગુરુ નથી,
હું કવિ છું .
ધરતીની ખૂબ નજીક છું, આ કિનારાના નૌકાના ઘાટ પર !
સામે પ્રાણની નદી ભરતીઓટ કરતી અંધારું અને અજવાળું,
સારું અને ખોટું, વહી જવા જેવું કંઈ કેટલુંયે,
અને લાભહાનિ તથા રુદાનહાસ્યના કંઈ કેટલાયે ઢગલે ઢગલા લઈને
નિત્ય વહી રહી છે-
એક કાંઠો ભાંગીને બીજો કાંઠો ઊભો કરે છે ;
એ જ પ્રવાહની ઉપર ઉષા લાલ લાલ બની જાય છે .
અને ચંદ્રમાના પ્રકાશની રેખા માતાની આંગળીના જેવી પડે છે;
અંધારી રાતે બધા તારા ધ્યાનમંત્રનો જપ કરે છે;
આથમતો સૂરજ લાલ ઉત્તરીય પસવારીને ચાલ્યો જાય છે;
એ તરંગમાં માધવી-મંજરી માધુર્યની છબી વહાવે છે,
અને પંખીઓ પોતાનાં ગીત ઢોળે છે .

એ તરંગના નૃત્યના છંદમાં જયારે ચિત્ત આ વિશ્વપ્રવાહમાં
પોતાના સંગીતની સાથે વિચિત્ર ભંગિમાં નૃત્ય કરે છે,
ત્યારે
એ છંદમાં મારું બંધન છે,
મારી મુક્તિ પણ એમાં જ છે .
હું કશું રાખવા ઈચ્છતો નથી, કે કશાને વળગી રહેવા ચાહતો નથી;
હું તો વિરહ-મિલનની ગ્રંથિને ખોલી નાખીને,
નૌકાના સઢને ભાગેડુ પવનમાં ચડાવીને
સૌની સાથે વહેતો રહેવા ચાહું છું .

હે મહાપથિક, તારી દશે દિશાઓ ખુલ્લી છે .
તારે નથી મંદિર,
નથી સ્વર્ગધામ;
કે નથી અંતિમ પરિણામ .
તારે પગલે પગલે તીર્થધામ છે .
તારી સાથે ચાલી ચાલીને હું મુક્તિ પામું છું,
ચાલવાની સંપદમાં,
ચંચલના નૃત્યમાં અને ચંચલના ગાનમાં,
ચંચલના સર્વ કાંઈ ભૂલી જનારા દાનમાં-
અંધકારમાં પ્રકાશમાં,
સર્જનના પ્રત્યેક પર્વમાં
અને પ્રલયની પ્રત્યેક ક્ષણમાં .

– રવીન્દ્રનાથ ઠાકુર – અનુ-રમણલાલ સોની

જરા ધૈર્યથી એકથી વધુ વાર વાંચવું પડે તેવું કાવ્ય છે … મૂળભૂત ધ્વનિ મુક્તિના વિચારમાંથી મુક્ત થવાનો છે …. જેને જે. કૃષ્ણમૂર્તિ ‘ total freedom ‘ કહે છે તે મુક્તિની વાત છે . જીવનસરિતાના અસ્ખલિત પ્રવાહને એકાત્મ થતા જ બંધન અને મુક્તિનું દ્વન્દ્વ જ રહેતું નથી .

9 Comments »

  1. perpoto said,

    August 12, 2013 @ 5:41 AM

    હવે ક્વોન્ટમ ફીઝીક્સમાં મેટરનો છેદ ઉડે છે..માત્ર એર્ન્જીનો એહસાસ થાય છે…

  2. ravindra Sankalia said,

    August 12, 2013 @ 8:02 AM

    રવીન્દ્રનાથનુ બેનમુન કાવ્ય.કુદરતની સાથે અનુસન્ધાન કરતુ. મુક્તિ અને બન્ધનની પન્ક્તિ વાચીને શ્ન્કરાચાર્યનુ નિર્વાણ શટક યાદ આવ્યુ ઃ સદા મે સમત્વમ ન મુક્તિઃ ન બન્ધઃ ચિદાનન્દ રુપ શિવોહમ શિવોહમ્

  3. jahnvi antani said,

    August 13, 2013 @ 4:25 AM

    excellent..

  4. Jagdip said,

    August 14, 2013 @ 5:48 AM

    મૂર્ધન્ય રચનાકારની રચનાઓને મળતી બહુ જૂજ કોમેન્ટ્સ (અમુકમા તો નો કોમેન્ટ્સ..!!) જોતા
    નથી લાગતુ કે લયસ્તરોએ તેનો અભિગમ બદલવો જોઈએ……..??!!
    એક ખેલદિલ સૂચન્…..

  5. વિવેક said,

    August 15, 2013 @ 1:19 AM

    @ જગદીપભાઈ:

    આપના ખેલદિલ સૂચન બદલ આભાર…
    લયસ્તરો પર અમે કોમેંટ્સના આંકડા જોઈને નહીં પણ કવિતાનું “સ્તર” જોઈને કવિતા મૂકીએ છીએ… મરીઝનો એક શેર કહીશ:

    ફક્ત હું એમના માટે ગઝલ લખું છું ‘મરીઝ’,
    આ ચાર પાંચ જે મારો કમાલ સમજે છે.

  6. Jagdip said,

    August 15, 2013 @ 5:49 AM

    વિવેક્ભાઈ,
    પ્રતિભાવ બદલ આભાર….મારા કહેવાનો મતલબ એ જ છે કે અઠવાડીઍ બે દિવસ
    નિવડૅલ કવિઓની રચનાઓ મુકો, જે નવાગંતુકો માટે અનુકરણીય રહે….અને બાકીના
    દિવસોએ ઉભરતી પણ ખરેખર સારી રચનાઓ આપતા રહો…..જે પ્રોત્સાહક પણ રહે અને
    નવી પેઢીને એક ઓળખ મળે….માસમા એક વાર પાદપૂર્તી આપીને સારી રચનાઓ પણ આપી
    શકાય….આવું કરવાથી લયસ્તરો વધુ રસદાયક બની રહેશે અને સિમિત થયેલ વાચક વર્ગ
    વધુ વિસ્તરશે…..અન્યના અભિપ્રાયો પણ લૈ શકાય આ તો લયસ્તરો પ્રત્યેના એક ખેચાણને લીધે
    સુચન કરવાનુ મન થયું…..
    ફરીથી આભાર….

  7. વિવેક said,

    August 16, 2013 @ 2:00 AM

    @ જગદીપભાઈ:

    લયસ્તરો માટેના આપના સ્નેહભાવ બદલ અમે સહુ આપના ઋણી છીએ. લયસ્તરો પર અમારી કોશિશ સારી કૃતિઓ મૂકવા માટેની જ રહે છે…. જૂના કવિઓ અને નવા કવિઓ એવો ભેદભાવ મનમાં રાખીને અમે કામ કરતાં નથી. અમે માત્ર કવિતા તરફ જ ધ્યાન આપીએ છીએ. સારી અને સાચી કવિતાના ચાહકો હંમેશા ઓછા જ હોવાના. સિંહના કદી ટોળાં ન હોય, મિત્ર !

    અમે ત્રણેય મિત્રો તબીબ છીએ અને અમે ત્રણેય અમારા વ્યવસાયની અનવરત તાણ હોવા ઉપરાંત સમય ચોરીને આ કામ કરીએ છીએ અને અમારી પાસેના કાવ્ય-સ્ત્રોત પણ અમર્યાદિત નથી એટલે અમારી મર્યાદા મુજબ અમે કામ કરીએ છીએ…

    પાદપૂર્તિનો તો સવાલ જ ઊઠતો નથી… એ નિમિત્તે આવતી ઢગલાબંધ કૃતિઓ વાંચશે કોણ?

    જ્યાં સુધી સીમિત વાચકવર્ગનો સવાલ છે ત્યાં સુધી હું માનું છું કે આ ફેસબુક વિગેરેની સાઇડ ઇફેક્ટ છે જે લગભગ બધા જ અગ્રગણ્ય બ્લૉગ્સ અને સાઇટ્સ અનુભવી રહ્યા છે અને એનાથી અમને કશો ફરક પડતો નથી…

    આપની લાગણી બદલ ફરીથી આભાર… મારા તરફથી આ ચર્ચા પૂરી કરું છું.

  8. Jagdip said,

    August 16, 2013 @ 5:02 AM

    અસ્તુ

  9. Patel varsha said,

    September 10, 2023 @ 7:21 PM

    સુંદર રચના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment