તાપણું તો છે બહાનું નામનું,
આમ બાકી ત્યાં ઘણું રંધાય છે.

ભરત ભટ્ટ ‘પવન’

(સૉનેટ યુગ્મ:૦૨) વિખૂટું – જયન્ત પાઠક

જલની તે બીજી કંઈ હોય સ્થિતિ-ગતિ !
ગળી જવું, ઢળી જવું, સૂકાવું રૂંધાઈ
તડકાથી ડરી, જવું ભીતરે સંતાઈ
ફૂટવું તો બીજારૂપે : તૃણ-વનસ્પતિ.
હવે પ્રિય પાણી મિષે પ્રેમની તે વાત
કરી કરી શાને વ્હોરી લેવો રે સંતાપ !
ગળી ગયું, ઢળી ગયું, ગયું જે સુકાઈ
તેની પછવાડે હવે હરણ શા ધાઈ
પામવાનું કશું ! હવે રણ ને ચરણ –
એ સિવાય મિથ્યા અન્ય સઘળું સ્મરણ
ખરી જાય તારો અને ઝબકી ગગન
જોઈ લિયે જરા – પછી મીંચી લે નયન.
એમ અમે વાળી લીધું તમારાથી મન
આંખથી વિખૂટું જેમ એક અઁસવન.

– જયન્ત પાઠક

વિયોગ-વિચ્છેદની વાત કરતા સોનેટ-જોડકાંમાંનું આ બીજું. પહેલું સોનેટ વિયોગની વાતથી શરૂ થઈ જળ પર અંત પામે છે જ્યારે આ સોનેટ જળથી શરૂ થઈ વિરહ તરફ ગતિ કરે છે.

જળની વળી શી ગત હોય? હાથમાંથી ગળી જાય, ઢોળાઈ જાય, તડકાથી સૂકાઈ જાય… બહુ બહુ તો એ સ્વ-રૂપ ગુમાવી વનસ્પતિ રૂપ લઈ શકે. એ જ રીતે જળની જેમ સરકી ગયેલા પ્રેમની અવર શી સ્થિતિ હોઈ શકે? જે રણ બની ગયું છે એમાં મૃગજળના ચરણ લઈ ચાલવાનો કોઈ અર્થ? આભથી તારો ખરે અને પલકવાર ગગન એ તરફ જોઈ બીજી પળે વિસરી જાય એમ અમે તો તમારાથી મન વાળી લીધું છે… એક આંસુ હતું જે હવે આંખથી વિખૂટું પડી ગયું છે, બસ!

8 Comments »

 1. laxmi dobariya said,

  August 9, 2013 @ 2:16 am

  ખરે જ ખુબ સરસ રચના.

 2. Rina said,

  August 9, 2013 @ 3:09 am

  Beautiful. ….

 3. perpoto said,

  August 9, 2013 @ 5:37 am

  જ્યારે કવિ કહે છે- એમ અમે વાળી લીધું તમારાથી મન
  પણ વિરહનો વિષાદ ,એટલો ક્ષણજીવી નથી હોતો,ખાસ કરી સ્વજનનો…
  જે બિટવિન ધી લાઇન્સ પામી શકાય છે..

  મુકેશનુ ગીત…તેરી યાદ ભુલાને ચલા હું,કી ખુદ અપની હસ્તી ભુલાને ચલા હું…યાદ આવી જાય…

 4. perpoto said,

  August 9, 2013 @ 5:40 am

  હસ્તી મિટાને ચલા હું….શરતચુક માફ

 5. ravindra Sankalia said,

  August 9, 2013 @ 6:59 am

  વિરહનુ આ ગીત બેનમુન છે. જળની સ્થિતિ સાથે સરખામણી કરવાની કલ્પના જ અદ્ભુત છે.

 6. PUSHPAKANT TALATI said,

  August 9, 2013 @ 8:35 am

  ફૂટવું તો બીજારૂપે : તૃણ-વનસ્પતિ.
  હવે પ્રિય પાણી મિષે પ્રેમની તે વાત

  In the above first lines it is “Bij rupe” OR “BijaRupe” ?
  And in the another line “Mishe” OR “Vishe” ?

  However GOOD RACHANA indeed.

 7. વિવેક said,

  August 9, 2013 @ 9:18 am

  @ પુષ્પકાંત તલાટી:

  બીજરૂપે નહીં, બીજા રૂપે… પાણી બીજમાં ભળીને “બીજા”રૂપે એટલે કે તૃણ-વનસ્પતિરૂપે પ્રગટ થાય છે… આ ગેરસમજ ન થાય એ માટે જ મેં મારા પ્રતિભાવમાં પણ લખ્યું જ છે કે “બહુ બહુ તો એ સ્વ-રૂપ ગુમાવી વનસ્પતિ રૂપ લઈ શકે.”

  મિષે જ સાચો શબ્દ છે. મિષે = બહાને

 8. PUSHPAKANT TALATI said,

  August 10, 2013 @ 7:48 am

  THANKS – SHRI VIVEKBHAI,

  NOW I COULD RECOLLECT THE WORD mishe
  SOME TIMES IT IS ALSO USED AS mashe IN SOME OF THE LOKGEET; SUCH AS manina ni mashe gori chalya re lol …… IN OUR DAY TO DAY LANGUAGE WE SAY ……khote mashe pan bolavato nathi

  SO I WAS CONFUSED FOR mishe AS I WAS ACQUAINTED WITH mashe AND NOT mishe . — HOWEVER THANKS AGAIN FOR YOUR KIND HELP.

  REGARDS. – From Pushpakant Talati.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment