જો વીતે આપના વિચાર વગર
એ દિવસ મનનો ઉપવાસ ન થાય?
ભાવેશ ભટ્ટ

ગઝલ – શોભિત દેસાઈ

આંખમાં ભીનો ભેદ છે કે શું ?
લાગણી પણ સફેદ છે કે શું ?

નીકળે છે પવિત્ર ઉચ્ચારો !
તારું, તે ! નામ વેદ છે કે શું ?

સૂર્યોદય તિમિર લઈ ચાલ્યો,
સીમને એનો ખેદ છે કે શું ?

લીલી ઇચ્છા, ઉદાસી કે આંસુ
બધું સંયમમાં કેદ છે કે શું ?

– શોભિત દેસાઈ

પહેલી નજરે સાવ વિચિત્ર અને નકરા પાટિયાં બેસાડી દીધેલો લાગે એવો મત્લાનો શેર જરા ધ્યાન આપીએ તો ચમત્કૃતિ કાંખમાં ભરી બેઠો છે. આંખમાં ભીનો ભેજ હોય એ જાણીતી વાત છે પણ આ કવિનો શબ્દ છે. જરા સાવધાનીથી કામ લેજો… કવિને આંખનો ‘ભેજ’ નહીં પણ ‘ભેદ’ અભિપ્રેત છે. આંખ અહીં કશાકનો ભેદભાવ જોઈ રહી છે પણ આત્માને આ ભેદ પસંદ નથી માટે આ ભેદ જરી ભીનો થઈ ગયો છે… પણ આ ભેદ છે શા માટે એ તો કહો… જરા ધીરે રહીને સાની મિસરા પાસે જઈએ ત્યાં કવિ આ ભેદ ખોલી આપે છે… લાગણી સફેદ થઈ ગઈ છે માટે… આમ તો સફેદ રંગ શાંતિનો ગણાય પણ આંખમાં ‘ભીનાશ’ અને ‘ભેદ’ જોયા પછી લાગણીનો સફેદ રંગ શાંતિની નહીં પણ કફનની યાદ અપાવે છે. દિલી લાગણીઓ તો હંમેશા રંગ-રંગથી ભરીભરી હોય… પણ લાગણીનું પોત જ ધોળું પડી જાય તો પછી બચે શું?

લાગણીના સૂકાવાની અને આંખના ભીંજાવાની આ અનુભૂતિમાંથી આપણે સહુ પસાર થયાં જ છીએ. પણ આપણી લાગણી જો સાચી હોય તો રહી રહીને પણ આ સફેદી, આ ભીનાશ વિશે પ્રશ્ન તો થવાનો જ. ખરેખર સાચું કે ભ્રમની આશંકા પાસેથી આપણે સધિયારો શોધવાના જ… અને માટે જ કવિ પણ રદીફમાં ‘છે કે શું ?’નો પ્રશ્ન ઊભો કરીને હૃદયભંગ થવા છતાં પોતાની આશા જીવંત રાખે છે…

બાકીના ત્રણ શેર વિશે હું નહીં, હવે આપ વાચકમિત્રો જ વાત કરજો…

4 Comments »

  1. Rina said,

    July 27, 2013 @ 3:29 AM

    Awesome aaswaad….

  2. neha purohit said,

    July 27, 2013 @ 5:47 AM

    સફેદ લાગણી સમયનાં પ્રિઝમમાથી પસાર થશે ત્યારે મેઘધનુષી બની શકે એવી આશા ય ખરી ને?
    આસ્વાદ ખૂબ જ સરસ..વાહ વાહ!

  3. La' Kant said,

    July 28, 2013 @ 2:57 AM

    આનંદ આવ્યો..બાકીના પણ અવા જ …સરસ આસ્વાદ સાથે બીજા હપ્તામાં આપોને સાહેબ !

  4. સુરેશ જાની said,

    July 28, 2013 @ 5:15 PM

    તેમને ત્રણ વખત સાંભળવાનો લ્હાવો મળ્યો છે. લખે છે; એવી જ સરસ રજુઆત પણ. તરન્નુમમાં એમની રજુઆત સાંભળવાની મજા જ કાંઈક ઓર હોય છે.
    એમનો પરિચય બનાવાની ઘણા વક્તથી ઇચ્છા છે. વિગત મેળવી આપશો?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment