તારે ઝરૂખે વ્યોમ થઈ વેરાયો છું હવે
વરસાદી કો’ક સાંજે તું મલ્હારજે મને
-ભગવતીકુમાર શર્મા

જાગીને જોઉં તો – નરસિંહ મહેતા

જાગીને જોઉં તો જગત દીસે નહિ,
ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે,
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે … જાગીને

પંચ મહાભૂત પરબ્રહ્મ વિશે ઉપજ્યાં,
અણુ અણુમાંહીં રહ્યાં રે વળગી;
ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં,
થડ થકી ડાળ નવ હોય અળગી … જાગીને

વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે
કનક કુંડલ વિશે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયાં પછી નામરૂપ જૂજવાં
અંતે તો હેમનું હેમ હોયે … જાગીને

જીવ ને શિવ તો આપ ઇચ્છાએ થયા
રચી પ્રપંચ ચૌદ લોક કીધા;
ભણે નરસૈંયો એ ‘તે જ તું’, ‘તે જ તું’
એને સમર્યાંથી કૈં સંત સીધ્યા … જાગીને

– નરસિંહ મહેતા

વ્યાસોચ્છિષ્ઠમ જગત સર્વં – ની જેમ નરસિંહ મહેતા ગુજરાતીમાં જાણે કે બધું જ કહી ગયા છે….. કશું બાકી નથી હવે……

6 Comments »

  1. Suresh Shah said,

    June 17, 2013 @ 3:41 AM

    ભક્તકવિ નરસિંહ મહેતા ને લયસ્તરો નું માધ્યમ મળ્યું હોત તો?

    કવિએ આદિકાળમાં જીવનના સત્યો કેવી સુંદર રીતે રજૂ કર્યાં છે!

    વ્યાસોચ્છિષ્ઠમ જગત સર્વં – ની જેમ નરસિંહ મહેતા ગુજરાતીમાં જાણે કે બધું જ કહી ગયા છે….. કશું બાકી નથી હવે……
    ખૂબ જ સાચુ કહ્યું તમે.

    – સુરેશ શાહ, સિંગાપોર

  2. Harshad said,

    June 17, 2013 @ 9:04 PM

    Bhakt Shri Narsinh Mehata is the gaurav of Gujarati bhasha. I do not think another Narsinh Mehata will born again. Millions of salute for this rachana will not be enough.

  3. M.D.Gandhi, U.S.A. said,

    June 18, 2013 @ 1:07 AM

    નરસિંહ મહેતાના ભજનો અલૌકિક છે. એમના બધા ભજન બહુ સરળ ભાષામાં હોય છે એટલે મોઢે ઝટ થઈ જાય છે. જોકે આ ભજનમાં થોડા શબ્દો અઘરા છે, પણ “ઘાટ ઘડિયાં પછી નામરૂપ જૂજવાં
    અંતે તો હેમનું હેમ હોયે …” આ શબ્દો તો અતિ પ્રખ્યાત થઈ ગયા છે. સુંદર ભજન છે.

  4. Pravin Shah said,

    June 18, 2013 @ 10:00 AM

    સાત સાત જન્મો સુધરી જાય જો આ એક જ ગીત સમજાય.
    જય હો જુનાગઢ નર !

  5. pragnaju said,

    June 18, 2013 @ 10:09 AM

    આનંદ આનંદ
    હવે તો…
    નરસિંહ મહેતા એવોર્ડ એ પ્રતિવર્ષ એનાયત કરવામાં આવતો ગુજરાતી સાહિત્ય ક્ષેત્રનો સૌથી મોટો પુરસ્કાર છે

  6. Ramesh Patel said,

    June 18, 2013 @ 12:19 PM

    બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે … જાગીને
    સંતકવિના આત્મ સાક્ષ્તાકાર સાથે દિવ્ય અનુભૂતિ પછીની , માનવ જીવનને એ પરમ ચૈતન્યના સમીપે લઈ જતી , આ રચના પંડિતાઈની ચરમ સીમા છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment