સ્હેજ પણ વર્તાય ના ઉષ્મા કદી નિગાહમાં,
શબ્દનો ગરમાળો થઈ ખરતો રહું તુજ રાહમાં.
વિવેક મનહર ટેલર

કોઈ આવશે – ભગવતીકુમાર શર્મા

હમણાં નહીં તો સૈકા પછી કોઈ આવશે;
આખી મનુષ્યજાત સુધી કોઈ આવશે.

અવતાર સ્વાવલંબી હવે ક્યાં રહી શક્યા ?
પોતે નહીં તો એના વતી કોઈ આવશે !

ઊડે છે આમતેમ તણખલાંઓ નીડનાં;
પંખીની ચાંચે થઈને સળી કોઈ આવશે.

ચિંતામણી ઝરૂખે ઊભી હોય કે નહીં;
વિરહાગ્નિની તરીને નદી કોઈ આવશે.

પર્ણો ખર્યા કરે છે હવે બોધિવૃક્ષનાં;
સંભવ છે રાજપાટ ત્યજી કોઈ આવશે.

ઇચ્છા, મેં તારા નામ પર પાણી મૂકી દીધું;
લાગે છે, તોય અશ્રુ બની કોઈ આવશે !

શૈશવની બાળવારતા શોધી રહી મને;
સોનેરી પાંખવાળી પરી કોઈ આવશે ?

-ભગવતીકુમાર શર્મા

ભગવતીકાકાની ગઝલ ખૂબ ઊંડા ચિંતનના તારતમ્યરૂપે નીતરતી હોવાનું મેં કાયમ અનુભવ્યું છે. આ એક એવા સર્જક છે જે સર્જનને શોખ તરીકે નહીં પણ શ્વાસથીય વધુ અનિવાર્ય આવશ્યક્તા તરીકે લે છે. કાવ્યનો કોઈપણ પ્રકાર હોય, એમની સાધનાનું ઊંડાણ એમાં તરત જ વર્તાય. પ્રસ્તુત ગઝલનો ઇચ્છાવાળો શે’ર તો બેનમૂન થયો છે. ચિનુ મોદીના ખ્યાતનામ શે’ર –કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો, એ જ ઇચ્છા છે, હવે એ પણ ન હો-નું અદ્દલોઅદ્દલ અવળું પ્રતિબિંબ જ જોઈ લ્યો જાણે !

8 Comments »

 1. ધવલ said,

  December 30, 2007 @ 4:45 pm

  પર્ણો ખર્યા કરે છે હવે બોધિવૃક્ષનાં;
  સંભવ છે રાજપાટ ત્યજી કોઈ આવશે.

  – વધુ ગમ્યો શેર… સરસ ગઝલ !

 2. Pragnaju Prafull Vyas said,

  December 30, 2007 @ 8:50 pm

  આદિલ કહે છે-
  સમયની તો સીમાઓ પૂરી થઈ
  હવે જોઈએ કેવી ક્ષણ આવશે
  અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
  હતી ક્યાં ખબર કે મરણ આવશે
  ત્યારે વિવેકે કહ્યું તેમાં થોડી આશા
  છીપની પાંપણનું શમણું, બુંદ થઈને તું પડે,
  સ્વાતિનું નક્ષત્ર લઈને કોઈ તો ક્ષણ આવશે.
  ત્યારે માનનીય ભગવતીભાઈની સહજ રીતે
  અનુભવાયલી પંક્તીઓ,આશામાં કેટલું સાંત્વન લાગે છે!
  શૈશવની બાળવારતા શોધી રહી મને;
  સોનેરી પાંખવાળી પરી કોઈ આવશે ?

 3. xxx said,

  December 31, 2007 @ 6:31 am

  પર્ણો ખર્યા કરે છે હવે બોધિવૃક્ષનાં;
  સંભવ છે રાજપાટ ત્યજી કોઈ આવશે.

  વાહ…

 4. ભાવના શુક્લ said,

  December 31, 2007 @ 11:16 am

  દરેક શબ્દમા અપ્રતિમ આધ્યાત્મિક ઉંડાણ ભરેલુ છે. દરેક શેર વિચાર કરતા છોડી રહ્યો છે.

 5. Chandresh Thakore said,

  December 31, 2007 @ 12:00 pm

  “સંભવ છે રાજપાટ ત્યજી કોઈ આવશે” એ સાની મિસરા પછી “ઇચ્છા, મેં તારા નામ પર પાણી મૂકી દીધું” એ ઉલા મિસરા આવે એ કોઈ અકસ્માત ના હોઇ શકે. ભગવતીકુમારના ચીઁતનનુઁ જ એ તારતમ્ય! … વધેલી ઉમ્મરમાઁ સુઝતી થોડીક મસ્તીમાઁ છૅલ્લા શેર સાથે જરાક અડપલુઁ કરવાનુઁ મન રોકી શક્તો નથીઃ

  સોનેરી પાઁખવાળી પરી શોધી રહ્યો છુઁ હુઁ
  શૈશવની બાળવાર્તા પાછી કોઇ આવશે? …. ચઁદ્રેશ ઠાકોર

 6. Babu said,

  January 1, 2008 @ 12:42 pm

  સૂરજન તરસાવે આ ધરતીની આત્મા, ધરતીની આત્મા
  કોણ આવી પ્યાસ બૂઝાવે, કોણ જાણે રે ભૈ કોણ જાણે રે

  બુંદ મળે નદીના જળને, નદી મળે સાગરને
  સાગર મળે કોણ વહેણને, કોણ જાણે રે ભૈ કોણ જાણે રે

  કલી ખીલે ફૂલ બનીને, ફૂલો બાગ સજાવે રે
  એ બાગોને કોણ ઉજાડે કોણ જાણે રે ભૈ કોણ જાણે રે

  પરોઢ આવે પ્રાણ જગાડે, દિનભર દેહ ચલાવે રે
  સાંજ ઘડી એ કોણ સુવાડે, કોણ જાણે રે ભૈ કોણ જાણે રે

  કાલ તો કાળી નાગ સરીખો, પલમા ભરખી ખાશે રે
  કાલે શું થાશે જગમા, કોણ જાણે રે ભૈ કોણ જાણે રે

 7. સુનીલ શાહ said,

  January 1, 2008 @ 1:17 pm

  ઊડે છે આમતેમ તણખલાંઓ નીડનાં;
  પંખીની ચાંચે થઈને સળી કોઈ આવશે.
  તથા…
  ઇચ્છા, મેં તારા નામ પર પાણી મૂકી દીધું;
  લાગે છે, તોય અશ્રુ બની કોઈ આવશે !

  આ બે શેર સ્પર્શી ગયા.

 8. pravina Avinash said,

  January 1, 2008 @ 8:10 pm

  ઈચ્છા મેં તારા નામ પર પાણી મૂકી દીધું’
  લાગે છે , તોય અશ્રુ બની કોઈ આવશે!

  ‘કિલ્લામા પૂરયેલી આ પરી વાટ જોતી
  શ્વેત અશ્વે સવાર રાજકુમાર એકદી આવશે’

  સુંદર ગઝલ વાંચતા આ સ્ફૂર્યું.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment