બુઝાયા જેમ એમ વધુ ઝળહળી ઉઠ્યા;
એક અસ્તની સાથે જ ઉદયમાં હતા/છીએ!
– વિસ્મય લુહાર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સિલ્વિયા પ્લાથ

સિલ્વિયા પ્લાથ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




રૂપકો – સિલ્વિયા પ્લાથ

હું નવ અક્ષરનું એક ઉખાણું છું,
હાથી, ભારેખમ ઘર,
બે વેલ પર ઉપર તડબૂચ.
ઓહ લાલચટ્ટાક ફળ, હાથીદાંત, ઉમદા સાગ!
આથો ચડતો જાય છે લોટ ઉભરાતો જાય છે.
બટવામાં કડકડતી નોટો ઉમેરાતી જાય છે.
હું એક સાધન, એક રંગમંચ, એક ગાભણી ગાય.
ખાધા છે મેં ભારોભાર લીલા સફરજન,
ચડી ગઈ છું ગાડીમાં હવે ઉતરાય એમ નથી.

– સિલ્વિયા પ્લાથ
(અનુ. ધવલ શાહ)

સિલ્વિયા પ્લાથના અવસાનને ગઈકાલે પચાસ વર્ષ થયા. એમની કવિતાઓ એ જમનામા વંચાતી’તી એનાથી ક્યાંય વધારે આજે વંચાય છે. એમનું આખું જીવન ઉતાર ચડાવમાં ગયું. ડીપ્રેશન સાથેની જીવનભરની લડત છેવટે આત્મહત્યામાં પરિણામી. એમના જીવન વિશે વાત ફરી ક્યારેક કરીશું, આજે આ બહુ પ્રખ્યાત કવિતાની વાત કરીએ.

કવિતા એક ઉખાણા તરીકે લખી છે. આખી વાત માત્ર રૂપકોની મદદથી કરી છે. એટલે કવિતાનું નામ પણ રૂપકો જ રાખ્યું છે. નામથી પણ કવિતાના વિષય વિશે કોઈ સંકેત મળતો નથી. એટલે પહેલી વાર આ કવિતા વાંચો અને કશી પિચ ન પડે તો ચિંતા ન કરતા 🙂

આખી કવિતા પ્રસૃતિ દરમ્યાન કવયિત્રીની અકળામણ વિશે છે. નવ અક્ષર એ પ્રસુતિના નવ મહિનાનું પ્રતિક છે. કવયિત્રીએ કવિતામાં રૂપકો પણ ગણીને નવ વાપર્યા છે. પહેલા કવયિત્રી પોતાની અવસ્થા માટે હાથી, ભારેખમ ઘર અને (રમૂજમાં) બે વેલ (જેવા પગ) ઉપર તડબૂચ (જેવું પેટ) રૂપકો વાપરે છે. પણ પછીની લીટીમાં ખરી અકળામણ આવે છે. પ્રસૃતિ પછી દુનિયાની નજરમાં સ્ત્રીની કિંમત ઘટતી જાય છે, અને એના પેટમાં રહેલા બાળકની કિંમત વધતી જાય છે. ક્યારેક તો સ્ત્રી કરતા બાળકને જ વધુ મહત્વ અપાતું જાય છે. કવયિત્રી એ વાતને અજબ બખૂબીથી કરે છે. એ તો (ફળને બદલે)  ફળની અંદરના લાલચટ્ટાક ભાગ, (હાથીને બદલે) હાથીદાંત અને (આખા  ઘરને બદલે એમાં વપરાયેલા) ઉમદા લાકડાના વખાણ કરે છે.

પ્રસૃતિ આગળ વધતી જાય છે. આથો આવતા લોટની જેમ એ ઉભરાતી જાય છે. કવયિત્રી પોતાની જાતને બટવા સાથે સરખાવે છે જેનું કામ માત્ર અંદરની નોટોને સાચવવા જેટલું જ રહ્યું છે. પોતાની જાત કવિને માત્ર (સંતાન પ્રાપ્તિના) એક સાધન, (કલાકારોને આધાર આપતા) રંગમંચ કે ગાભણી ગાય (કે જેના વછેરામાં જ લોકોને રસ છે) જેવી લાગે છે. આદમ-ઈવે એક સફરજન ખાધેલું. જ્યારે કવયિત્રીએ તો ભારોભાર સફરજન ખાધા છે. લાલ સફરજન પ્રેમનું પ્રતિક છે. કવિ એને ઉલટાવીને લીલા સફરજનની વાત કરી છે.  છેલ્લી લીટીમાં કવયિત્રીની અકળામણ ચરમસીમાએ પહોંચે છે. આ મારતી ગાડીમાંથી હવે ઊતરી પણ શકાય એમ નથી. એટલે કે પ્રસૃતિ પછી જીંદગી હંમેશાને માટે બદલાઈ જવાની છે.

માતૃત્વના એક જુદા જ પાસાની વાત અહીં છે. કવિતા તો સશક્ત છે જ. પણ આવા વિચારને પ્રમાણિક રીતે પ્રગટ કરવો એ પણ બહુ મોટી વાત છે. હવે ફરી એક વાર કવિતા વાંચી જુઓ.

Comments (10)