સંબંધમાં આ દિલ કશે આગળ ના જઈ શક્યું,
જે પણ ગલી મળી એ ઘણી સાંકડી મળી.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સંસ્કૃતિરાણી દેસાઈ

સંસ્કૃતિરાણી દેસાઈ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

એક કવિતા પૂરી કરું છું કે - સંસ્કૃ તિરાણી દેસાઈએક કવિતા પૂરી કરું છું કે – સંસ્કૃ તિરાણી દેસાઈ

હું જેવી એક કવિતા પૂરી કરું છું કે
તે આખો આકાર લઈ ઊભી થઈ જાય
કાગળ ઉપરથી.

સ્વપ્નપરીની વાત કરું તો
તેનું આકર્ષક રૂપ લઈ
મોહક અદાથી ચાલવા માંડે છે મારી સામે
આંખોથી ઈશારા કરતી.

મશ્કરા શબ્દોની વાત કરું તો
પાંચસાતની ટોળી ઊભી થઈ
મારી સામે મશ્કરી અને ટીખળ કરવા માંડે છે
ને પછી બધા જ નીકળી પડે છે વિશાળ દુનિયામાં.

એક દિવસ મેં રાક્ષસની વાત કરી કવિતામાં
ને તે ધીમે ધીમે આકાર લેવા માંડ્યો.

એટલો બધો ભયાનક ચીતર્યો હતો કે
મને થયું કે જેવી હું પૂર્ણ કરીશ કે
કૂદી પડશે મારા ઉપર જ.

હવે હું ગભરાઈ, શું રસ્તો છે એનાથી બચવાનો?
ને મેં છેલ્લી પંક્તિ લખી જ નહીં.
પૂરી જ ન કરી કવિતા.

રાક્ષસ બિચારો હજી ઊભો છે
કાગળ સાથે પગ જકડાયેલો
છેલ્લી પંક્તિની રાહ જોતો.

– સંસ્કૃ તિરાણી દેસાઈ

દરેક કવિતાના મૂળમાં એક વિચાર હોય છે. દરેક વિચાર એક વાયરસ સમાન હોય છે. કવિતા લખી નાખો પછી એ છૂટી ગયેલા તીર જેવા વિચાર-વાયરસ પર કવિનો કોઈ અંકુશ રહેતો નથી. જે વિચારથી કવિ પોતે ગભરાય એને માટે એક જ રસ્તો છેઃ કવિતા ન લખવી. પણ આ રાક્ષસ તો ખરેખર કવિના મનની જ ઉપજ છે. બીજા બધા તો બચી શકે, પણ એ વિચાર-રાક્ષસથી કવિ પોતે કેવી રીતે બચી શકશે ?

Comments (11)