રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા
મનોજ ખંડેરિયા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કંચન પારેખ

કંચન પારેખ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




કોણ છે તું ? – યેવસ બોનેફોય અનુ.- કંચન પારેખ

જો, તેં વટાવેલા બધાયે માર્ગ
હવે બંધ થઇ ગયા છે.
ભટકવાનો સંતોષ પણ હવે
તારી પાસેથી છિનવાઈ ગયો છે,
તારા પગ નીચેની ધરતી
તારાં આગળ ન વધતાં પગલાંનો
માત્ર પડઘો જ છે !

તું જ્યાં આવ્યો છે ત્યાંની
પ્રગાઢ શાંતિને
તું શા માટે
નિરર્થક બબડાટથી
દટાઈ જવા દે છે ?

સ્મૃતિના ઉદ્યાનને
પેલો એકલવાયો અગ્નિ
નીરખી રહ્યો છે.
અને તું,
પડછાયામાં પડેલી છાયા જેવો…..
ક્યાં છે રે, તું ?
કોણ છે તું ?

 

– યેવસ બોનેફોય અનુ.- કંચન પારેખ

 

અદભૂત ઊંડાણ ધરાવતું આ કાવ્ય ઘણાબધાં પડળો ધરાવે છે – માણસ જેને ધ્યેય માનતો હતો-ગંતવ્ય માનતો હતો તે વ્યર્થ સાબિત થયું છે. ઘણીવાર માનવી આખી જિંદગી ઠાલી પ્રવૃત્તિઓ પાછળ છૂપાઈને કાઢી નાખવા માંગતો હોય છે કે જેથી અસ્તિત્વના પ્રશ્નો કનડે નહીં. વ્યર્થ ભટકવામાં fulfilment માનતો હોય છે. પરંતુ માનવીની કોઈ કારી ફાવતી નથી.વાદળો પાછળ સૂર્ય સર્વદા છૂપાયેલો રહી શકતો નથી.

બોલવું એટલે શું ?- કોઈકે કહ્યું છે – ‘ We are full of opinions, we have not even a single thought.’ ત્યારે જ બોલવું કે જયારે આપણાં શબ્દો મૌનને અતિક્રમી શકે. એ સિવાયનું બધું નિરર્થક બબડાટ.

જેને આપણે આપણું મન-મગજ-ચિત્ત વગેરે કહીએ છીએ તે જન્મ પછીના સ્મૃતિઓના એક સંગ્રહથી વિશેષ કશું જ નથી. જ્યાં સુધી આપણે આપણી સ્મૃતિઓને કોરાણે નહીં મુકીએ ત્યાં સુધી ખરા અર્થમાં ‘અનુભવ-experience’ શક્ય નથી. કવિ કહે છે – સત્યનો અગ્નિ આ સ્મૃતિઓના ઉદ્યાનને ભસ્મીભૂત કરી તને ખરા અર્થમાં મુક્ત કરી શકે તેમ છે…..જરૂર છે માત્ર તારા આવાહનની !

જ્યાં સુધી તું આ હકીકત નહીં સમજે ત્યાં સુધી તું આત્મજ્ઞાનને તો ભૂલી જ જા….

Comments (6)