અગર શોધશો તો એ મળશે બધામાં,
નહિતર ગણી લેજો પથ્થર નકામા.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for શ્વેતલ શરાફ

શ્વેતલ શરાફ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

જંજાળ - શ્વેતલ શરાફ
ફરી વાર મારું શહેર જોતા - શ્વેતલ શરાફજંજાળ – શ્વેતલ શરાફ

        માણસને શું જોઈએ ? 

છ ફૂટ જમીનથી શરૂ કરો તો 
ઘર, ખાવાનું ને પહેરવાનું જોઈએ. 

        માન્યું. 

અને પછી એક બે માણસ જોઈએ – પોતાના 
કહેવાય એવા.

         એક બે ચાલે ? કે વધારે ? 

અરે બાપા, બે મળે તો ય ઘણું!
દિવસના છવ્વીસ સ્મિત જોઈએ.

         છવ્વીસ જ કેમ?

અઠવાડિયે કે મહિને ત્રણ-ચાર વાર 
રડવા જોઈએ. 
રડવું આત્મા માટે સારું છે.
સંતોષ થાય એટલું કામ જોઈએ. 
જે થોડા થોડા વખતે થોડું અઘરું
લાગે, મથાવે. 
પણ પાછું માની જાય, 
સહેલું લાગે.

વચ્ચે વચ્ચે દૂર દોડી જવા જોઈએ. 
થાકી ગયા – નાસી ગયા. 
ત્યાંય થાકી ગયા – પાછા આવી ગયા – એવું. 

વખતોવખત 
રીસાવા, મનાવવા, છેડવા,  
કારણ વગર હસવા, આખી 
રાત જાગવા, ઉશ્કેરાવા, 
વરસી પડવા
– ને એવું બધુ ગાંડું
ગાંડું કરવા જોઈએ. 
આવતી કાલ માટે પાંચ – સાત 
આશા જોઈએ. (એ કહેવાની, અને બીજી 
પાંચ-સાત છૂપાવી રાખવાની.)
બસ.

       આટલું જ ?

આટલું જ.

        ને બસ આટલા
        ખાતર 
        આટલી બધી 
        જંજાળ ?

– શ્વેતલ શરાફ

સરળ જીંદગીને અ-સરળ કરી નાખવામાં આપણો જોટો નથી. દોસ્તો, એક હાથ દિલ પર રાખો ને બીજા હાથે ભીની હવાને પ્રેમથી અડકી લો. આ જીંદગીને ફરીથી સરળ કરી દો !

Comments (7)

ફરી વાર મારું શહેર જોતા – શ્વેતલ શરાફ

આ શહેરને મેં એક દિવસ
એવી કસીને બાથ ભીડેલી કે
એને લીલો આફરો ચડી ગયેલો.
મોડી રાત્રે શ્વાનસૃષ્ટી ચાતરેલી
મેં લાલ કેસરી બત્તીઓના
સહારે.
ઊભા બજાર બધા મારા ખૂંદેલા.
ફાટેલા બદકિસ્મત લોકોને
અહીં મેં હસી કાઢેલા.
આ જગાનો જ્વાર મારી આંખોમાં
બેશુમાર ચડેલો.
અહીંની ગલીઓમાં તો
મારા સ્ખલનોની વાસ હજુયે રખડે છે.

મોડા પડ્યાનો રંજ નથી મને;
પણ ઊગ્યા પહેલા આથમી ગયાનો છે.
દોસ્તીની પરખ કરવાનો આરોપ લઈને
જીવી શક્યો નહીં
એટલે પીઠ પરના ઘાનું ઉપરાણું લઈને જીવું છું.
તારો ઓશિયાળો છું.
હવે ક્ષણોના હિસાબમાં જ્યારે જ્યારે
વર્ષોની ખોટ આવે છે
ત્યારે એને ખી ખી ખીથી ભરી દઉં છું.

“(ગાળ) ઘસાયેલા પર થૂંકે તો
તને ચચરે નહીં તો શું
ગલગલિયાં આવે ?”

છોડ આ બધી વાત
ને ધરાઈને મને ફરી જોઈ લેવા દે –
મારું શહેર !

– શ્વેતલ શરાફ

વતનમાં પાછા ફરવું એટલે સંસ્મરણોમાં ડુબકી મારવી. સાથે જ વતન છૂટી કેમ ગયું એનો ઘા ફરી અકારણ જ તાજો થાય છે. સિંહ જેવો માણસ દોસ્ત પર શંકા કે દોસ્તીની પરખ કરવાને બદલે દોસ્તનો ઘા જ વહોરી લેવાનું પસંદ કરે. અને એ ઘાને ય આખી જીંદગી જણસની જેમ જાળવે,  ભલેને એ પછી એ ઘા જ એની જીંદગીમાંથી વર્ષોની બાદબાકી કેમ ન કરી દે.

પણ, આ બધા ઘાની દવા છે – વતન ફરી જોવા મળવું. અતીતસ્થળને આંખોમાં ભરી લેવું  એટલે  તો … આહ ! સાક્ષાત જન્નત !

Comments (14)