નામ મારુંય છે છ અક્ષરનું,
પણ શું સોનલ વસે છે મારામાં?
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ફારૂક એ. પટેલ

ફારૂક એ. પટેલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

આપણે અટકી ગયા... - ફારૂક એ. પટેલઆપણે અટકી ગયા… – ફારૂક એ. પટેલ

શક્યતા લંબાય ‘તો’ થી ‘પણ’ સુધી,
આપણે અટકી ગયા સમજણ સુધી.

નામ સરનામા વગરના માણસો,
લાગણીની સરહદો સગપણ સુધી.

પ્યાસ એની કેટલી કાતિલ હશે…!
ઝાંઝવા પીવા ગયો તો રણ સુધી.

તાડવનમાં છાંવ શોધું છું હવે…
આશ મારી વિસ્તરે છે રણ સુધી.

ઓસભીના ફૂલના ચહેરા ઉપર,
મુસ્કુરાહટ પાનખરની ક્ષણ સુધી.

– ફારૂક એ. પટેલ

વિષાદની હળવી ઝાંયથી રંગાયેલી ગઝલ.  આજે આપણી લાગણીના સીમાડાઓ અળપાઈને માત્ર સગપણ સુધીના જ રહી ગયા છે. અજાણ્યા માણસો માટેની સાહજિક અનુકંપાની લાગણીઓને જાણે લકવો લાગી ગયો છે. અખબારમાં આવતી ગમખ્વાર ઘટનાઓ આપણી આંખ નીચેથી માત્ર પસાર જ થઈ જાય છે, જાણે કે આખી મનુષ્યજાતિનું હવે કોઈ નામ પણ નથી રહ્યું જેનાથી એને સંબોધી શકાય કે નથી કોઈ સરનામું રહ્યું જ્યાં જઈ એને મળી શકાય…

Comments (10)