તને પીતા નથી આવડતું મૂર્ખ મન મારા,
પદાર્થ એવો કયો છે કે શરાબ નથી ?
ઘાયલ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for દિલીપ ઠાકર

દિલીપ ઠાકર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

શબ્દનું સાન્નિધ્ય - દિલીપ ઠાકરશબ્દનું સાન્નિધ્ય – દિલીપ ઠાકર

શબ્દનું સાન્નિધ્ય કેળવવું હતું;
એ રીતે મારે મને મળવું હતું.

શબ્દનાં છે ઝાડવાં ચારેતરફ,
પાંદડું તેનું થઇ ખરવું હતું.

શબ્દસાગર ઊછળે છે ભીતરે,
થૈ સરિતા, છાલકે ભળવું હતું.

શબ્દ છે તાનારીરીની ગાયકી,
તાનસેનોને અહીં ઠરવું હતું.

શબ્દનો છે સૂર્ય કેવો આલીશાં,
બે જ હાથોથી નમન કરવું હતું.

શબ્દમાં જીવી જઇને આખરે,
તત્વમાં નિ:શબ્દ થઇ ભળવું હતું.

– દિલીપ ઠાકર

સર્જનની પ્રક્રિયા વિશે અઢળક લખાયું છે. છતાં આ ગઝલ નવી વાત કરવામાં સફળ થાય છે. પહેલો જ શેર જુઓ – શબ્દનું સાન્નિધ્ય કેમ કેળવ્યું ? તો કહે, પોતાની જાતને મળવા માટે ! તાનારીરીની ગાયકીના જોરે દીપક રાગ ગાઈને બળી ઉઠેલા તાનસેનને બચાવેલો એ લોકવાયકાનો આધાર લઈને કવિએ બહ મઝાનો શેર કહ્યો છે. તાનસેનોનું મહત્વનો છે જ, પણ એક ખૂણામાં નામ-દામની આશા વગર કલાની સાધના કરે રાખતા તાનારીરી જેવા કલાકારોનું અદકું મહત્વ છે એવો પણ ઈશારો છે. છેલ્લા શેરમાં દરેક શબ્દનું અંતિમ ગંતવ્ય તો નિ:શબ્દમાં ભળવાનું હોઈ શકે એવી ઊંચી વાત કરી છે.

Comments (11)