મુસીબત પડી એ તો સારું થયું,
સ્વજનને તો સરવાનો મોકો મળ્યો.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મુકુન્દરાય પારાશર્ય

મુકુન્દરાય પારાશર્ય શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ગીત - મુકુન્દરાય પારાશર્ય
બોલીએ નૈં - મુકુન્દરાય પારાશર્યબોલીએ નૈં – મુકુન્દરાય પારાશર્ય

બેન, બંધાતી છીપલી ખોલીએ નૈં
બેન, ઉરની સુવાસને તોળીએ નૈં
બેન, જીવવાના અવસરને ટાણે એ પ્રીતડી બોલીએ નૈં

બેન, આછરતાં નીરને ડોળીએ નૈં
બેન, પોતાની છાંયમાં મોહીએ નૈં
બેન, અંતર-વસનારને સેવ્યા વિણ એકલાં સૂઈએ નૈં

બેન, કાચી કળિયુંને કદી તોડીએ નૈં
બેન, સરજાતી સુરભિને વેરીએ નૈં
બેન, ઋતુવરના સ્પર્શની વેલાં થઈ ફૂલડું ખીલીએ નૈં

બેન, મધુવનની વાતડી છેડીએ નૈં
બેન, પામ્યા સંકેતને બોલીએ નૈં
બેન, માધવનું હેત મળ્યું કેવું, એ કોઈને કહીએ નૈં

બેન, હું પદ રાખી એને પેખીએ નૈં
બેન, વિરહે દાઝીને એને ભેટીએ નૈં
બેન, ફૂલડાંનો હાર થયા પ્હેલાં શ્રીકંઠમાં પડીએ નૈં

-મુકુન્દરાય પારાશર્ય

બધી વાત કંઈ ખોલી-ખુલીને કહેવાની હોતી નથી. બાંધી મુઠ્ઠી લાખની જાણતા હોવા છતાં મનુષ્યની પ્રકૃતિ જ કંઈક એવી છે કે એને માંડીને વાત કહેવાની તાલાવેલી લાગતી રહે છે. એક ઠંડી ખુશનુમા હવાના સાંનિધ્યમાં સુંદર સૂર્યાસ્ત માણતાં હોઈએ ત્યારે શબ્દોનો વિનિમય વૃથા અને ક્યારેક સૌંદર્યપાનમાં વ્યવધાનરૂપ પણ હોય છે.. છતાં આપણને બોલ્યા વિના ચાલતું નથી કે શું સરસ સૂર્યાસ્ત છે!

બે સાહેલીની વાતચીતના રૂપમાં કવિ અહીં એ જ બોધ આપે છે. છીપલી બંધાતી હોય ત્યારે ખોલી કાઢીએ તો? સ્વાતિ નક્ષત્રમાંથી વરસેલું જળ પણ નકામું જાય અને મોતી બને જ નહીં. કળી પણ ઋતુવરનો સ્પર્થ થાય એ પહેલાં જ એ કાચી હોય ત્યારે તોડી નાંખીએ તો પછી પુષ્પ અને પમરાટ ક્યાંથી નસીબ થવાના? ઈશ્વરને પામવા હોય તો હું પદ છોડીને પહેલાં પુષ્પમાળા બનવું પડે… વ્યક્તિત્વના પુષ્પોની સુગ્રથિત માળા ન બનીએ તો પ્રભુકંઠ શી રીતે નસીબ થાય?

Comments (7)

ગીત – મુકુન્દરાય પારાશર્ય

હરિ! મને કોકિલ બનાવી વનમાં મૂકિયો,
વળી તમે વસંત બનીને વિલસ્યા પાસ:
હવે હું મૂંગો કયમ રહું?

હરિ! મને ઝરણ બનાવી ગિરિથી દોડવ્યો,
વળી તમે દરિયો થઈ દીધી દિલે આશ:
હવે હું સૂતો કયમ રહું?

હરિ! મને સુવાસ બનાવી કળિયું ખીલવી,
વળી, તમે પવનો થઈ પ્રસર્યા ચોપાસ:
હવે હું બાંઘ્યો કેમ રહું?

હરિ! મને દીપક પેટાવી દિવેલ પૂરિયાં,
વળી તમે ફરતા ફેલાયા થઈ આકાશ:
હવે હું ઢાંકયો કયમ રહું?

હરિ! મને હુંપદ આપીને પુરુષાર્થી કર્યો,
વળી તમે પરમ પદ થઈ દીધી પ્યાસ:
હવે હું જુદો કયમ રહું?

-મુકુંદરાય પારાશર્ય

મૂળ નામ મુકુંદરાય વિજયશંકર પટ્ટણી. જન્મ: ૧૩-૦૨-૧૯૧૪ના રોજ મોરબી ખાતે. વતન કોટડા.  અવસાન:  ૨૦-૦૫-૧૯૮૫.  બી.એ. સુધીનો અભ્યાસ અને માલવાહક જહાજમાં નોકરી કરી. કાવ્ય સંગ્રહ: ‘અર્ચન’ (૧૯૩૮, પ્રબોધ ભટ્ટ સાથે) અને ‘સંસૃતિ’ (૧૯૪૧), ‘ફૂલ ફાગણનાં’ (૧૯૫૬), ‘દીપમાળા’ (૧૯૬૦), ‘કંઠ ચાતકનો’ (૧૯૭૦), ‘પ્રાણ પપૈયાનો’ (૧૯૭૯), ‘ભદ્રા’ (૧૯૮૧), ‘અલકા’ (૧૯૮૧). ૧૯૭૮માં એમને નર્મદ સુવર્ણચંદ્રક મળ્યો હતો.

પ્રસ્તુત ભજનપદમાં કવિનો તીવ્ર ઈશ્વરાનુરાગ છલકે છે. અલગ-અલગ રીતે કવિ એક જ વાત કરે છે. ઈશ્વરે જીવન આપ્યું છે પણ છોડી મૂક્યા નથી. જીવની ફરતે જ એ વસે છે. કોકિલ અને વસંત, ઝરણું અને દરિયો, સુવાસ અને પવન, દીપક અને આકાશ, હું અને પરમ – પ્રભુ આપણાં હોવાપણાંની ફરતે એ રીતે વિલસે છે કે આપણું વિકસવું સફળ બની રહે. એકબાજુ એણે હુંપદ આપ્યું છે તો બીજી તરફ એણે પુરુષાર્થ આપ્યો છે અને સામે એ ઊભો છે પરમપદ થઈને, જાણે કે આહ્વાન આપે છે કે આવ.. કર પુરુષાર્થ અને બન જીવમાંથી શિવ !

Comments (10)