આપણે ઘડિયાળના કાંટાની જેમ
માત્ર ફરવાની ફરજ લઈ નીકળ્યાં
એક પગ અટકે ને ચાલે છે બીજો
લાલ-લીલા બેઉ ધ્વજ લઈ નીકળ્યાં
ભરત વિંઝુડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કલાપી

કલાપી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

આપણી યાદગાર ગઝલો : ૦૨ : જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે - કલાપી
એક ઘા - કલાપી
કવિ કલાપીની પુણ્યતિથિ પર....
જોગી વરવા - કલાપી
જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે -કલાપી
ભોળાં પ્રેમી - કલાપી
શબ્દોત્સવ - ૪: ગીત: ફુલ વીણ સખે! - કલાપી
સવા-શેર : ૭ : જખમ - કલાપીસવા-શેર : ૭ : જખમ – કલાપી

જખમથી જે ડરી રહેતાં, વગર જખમે જખમ સ્હેતાં;
હમે તો ખાઈને જખમો, ખૂબી ત્યાં માનનારાઓ !

-કલાપી

આ શેરની પસંદગીનું કારણ એ છે કે અહીં vulnerability ની વાત થઇ છે. vulnerability માટે કોઈ યોગ્ય ગુજરાતી શબ્દ મળતો નથી.

કોઇપણ પારસ્પરિક સંબંધમાં- તે વ્યક્તિ સાથે હોય કે સમષ્ટિ સાથે – માણસ પોતાની આસપાસ એક પછી એક અભેદ્ય આવરણ રચતો જાય છે. હેતુ માત્ર એટલો જ કે રખેને હું ઘવાઈ જાઉં… અને વળી માણસ જેટલો વધુ બુદ્ધિશાળી તેટલા તેના આવરણો વધુ સૂક્ષ્મ અને વધુ મજબૂત. કેટલો ભયાનક ડર !!!! ખુલીને, મોકળા મને, સંપૂર્ણ ‘સ્વ’ દ્વારા કોઈપણ પારસ્પરિક સંબંધમાં પ્રવેશવું જ નહીં કે જેથી કોઈ સંજોગે જખમ થઇ જાય તો… આથી મોટી, આથી વિશેષ કરુણતા કઈ હોઈ શકે !!!! હસવું, પણ પૂર્ણ હાસ્યથી નહીં, રડવું, પણ હૈયાથી નહીં, ગળે મળવું, પણ કુમાશથી નહીં… અક્કડતા કદીપણ છોડવી જ નહીં … અને આ આખી કરુણતાને વ્યવહારકુશળતાના સુંદર નામ હેઠળ છૂપાવી દેવી !!

A relation where there is no vulnerability is not a relation but a trade.

– તીર્થેશ

 

Come what may ની છાતી લઈને જીવાય એ જ ખરું જીવન. मुर्दादिल क्या ख़ाक़ जिया करते हैं? જખ્મો અને દર્દને -શું કવિ કે શું આમ આદમી- સફળતા સાથે સીધો જ સંબંધ છે. એક શેર યાદ આવે છે:

કવિને હોય શું વળગણ કહો તો ફૂલોનું?
હો દર્દ લાજમી તો લાજવાબ કાંટા છે.

અને જખમનો આ સવા-શેર જે ગઝલમાંથી આવ્યો છે એ જ ગઝલમાં કલાપી પોતે કહે છે: “જહીં જખમો તહીં બોસા તણો મરહમ અમે દેતા…”

-વિવેક

 

જખમમાં જોખમ છે. જોખમ ન લો તો પછી કોઈ નવો રસ્તો ખૂલવાની શક્યતા જ ક્યાંથી આવે? જીંદગીની ધાર પર જીવો. જોખમ-જખમ લઈને જીવો. જે વિપરીત પરીસ્થિતિમાંથી પસાર થઈને બહાર આવે છે એ એટલા જ વધારે સશક્ત બને છે.

– ધવલ

જખમ સર્જકને જન્મ આપે છે. એ મોહનને મહાત્મા અને સિદ્ધાર્થને બુદ્ધ બનાવી શકે છે.

– ઊર્મિ

Comments (7)

એક ઘા – કલાપી

તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો,
છૂટ્યો તે ને અરર ! પડી ફાળ હૈયા મહીં તો
રે રે ! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.

મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ થી આ,
પાણી છાંટ્યું દિલ ધડકતે ત્હોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે ? જખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો !
ક્યાંથી ઊઠે ? હૃદય કુમળું છેક તેનું અહોહો !

આહા ! કિન્તુ કળ ઊતરી ને આંખ તો ઊઘડી એ,
મૃત્યુ થાશે ? જીવ ઊગરશે ? કોણ જાણી શકે એ ?
જીવ્યું, આહા ! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરી ને.

રે રે ! કિન્તુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે ત્હોયે ડરી ડરી અને ઈચ્છતું ઊડવાને;
રે રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,
લાગ્યા ઘાને વિસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે.

– કલાપી

રાજકવિએ તેઓના સમગ્ર જીવનમાં માત્ર આ ગીતની અંતિમ બે પંક્તિઓ જ લખી હોતે તોપણ હું તેઓનો આજીવન ઋણી રહેતે…. રહીમનો દોહો છે –

રહિમન ધાગા પ્રેમ કા , મત તોડ઼ો ચટકાય ।
ટૂટે સે ફિર ન જુડ઼ે, જુડે઼ ગાંઠ પડ઼ જાએ।।

Comments (7)

જોગી વરવા – કલાપી

હમે જોગી બધા વરવા સ્મશાનો ઢૂંઢનારાઓ !
તહીંનાં ભૂતને ગાઈ જગાવી ખેલનારાઓ !

જહાં જેને મરી મુર્દું કબરમાં મોકલી દેતી,
હમે એ કાનમાં જાદૂ હમારું ફૂંકનારાઓ !

જહાંથી જે થયું બાતલ, અહીં તે છે થયું શામિલ !
હમે તો ખાકની મૂઠી ભરી રાજી થનારાઓ !

જહીં જખમો તહીં બોસા તણો મરહમ હમે દેતા,
બધાંનાં ઇશ્કનાં દર્દો બધાં એ વ્હોરનારાઓ !

હમે જાહેરખબરો સૌ જીગરની છે લખી નાંખી,
ન વાંચે કોઈ યા વાંચે : ન પરવા રાખનારાઓ !

ગરજ જો ઇશ્કબાજીની, હમોને પૂછતા આવો,
બધાં ખાલી ફિતૂરથી તો સદા એ નાસનારાઓ !

જહીં સ્પર્ધા તણી જગની દખલ ના પ્હોંચતી ત્યાં ત્યાં,
જમીં ને આસમાનોના દડા ઉડાવનારાઓ !

ગમે તે બેહયાઈને દઈ માથું ધરી ખોળે,
હમે આરામમાં કયાંયે સુખેથી ઊંઘનારાઓ !

સનમની બેવફાઈથી નથી સુખ કાંઈ એ ડરતા,
હમે જાણ્યું, હમે માણ્યું, ફિકરને ફેંકનારાઓ !

જખમથી જે ડરી રહેતાં, વગર જખમે જખમ સ્હેતાં;
હમે તો ખાઈને જખમો, ખૂબી ત્યાં માનનારાઓ !

બની ઉસ્તાદ આવો તો થશો આંહીં તમે ચેલા,
મગર મુરશિદ કરો તો તો હમે ચેલા થનારાઓ !

હમારાં આંસુથી આંસુ મિલાવો; આપશું ચાવી;
પછી ખંજર ભલે દેતાં; નહીં ગણકારનારાઓ !

[ મુરશિદ – ધર્મોપદેશક ]

 

કલાપી એટલે મારો first love….. એની ગઝલના બધાં જ શેર ભાગ્યે જ ગમે,પરંતુ જે બે-ચાર ગમી જાય તે પૈસા વસૂલ કરી દે. ‘હમે જોગી બધા વરવા ….’, ‘ ગમે તે બેહયાઈને દઈ ….’, ‘ જખમથી જે ડરી રહેતાં,….’ – જેવાં શેર તરુણાવસ્થાથી જ દિલમાં ઉતરીને આસન જમાવી બેઠા છે.

એક રમૂજી કિસ્સો છે- કોઈએ મહાત્મા ગાંધી આગળ કલાપીના વખાણ કર્યા. ગાંધીજીને પ્રણય-કાવ્યો પ્રત્યે પહેલેથી જ અણગમો. ગાંધીજી કહે- ‘ આવા રાજવીઓ હોય તો સ્વરાજ ક્યાંથી મળે ? ‘ આ વાતની ખબર કવિશ્રી ન્હાનાલાલને પડી. તેઓએ વળતો ફટકો માર્યો- ‘ આવા રાજવી વિનાનું સ્વરાજ શું કામનું ? ‘ …………

Comments (5)

આપણી યાદગાર ગઝલો : ૦૨ : જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે – કલાપી

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!

માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!

વધુ આગળ વાંચો…

Comments (16)

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે -કલાપી

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં આંખથી યાદી ઝરે છે આપની!

માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!

ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!

આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા,
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!

દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની!

થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં આશના,
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!

પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર,
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!

રોઉં કાં રાહમાં બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની!

જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું,
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની!

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી,
જોયું જોયું છો બને જો એક યાદી આપની!

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,
છે આખરે તો એકલી ને યાદી આપની!

-કલાપી

Comments (7)

ભોળાં પ્રેમી – કલાપી

કમળ ભોળું, કુમુદ ભોળું, ભમર ભોળો, દીવાનાં છે
જે જેનું ન તે તેનું, પ્રેમી પ્રેમી જુઠાનાં!

ભ્રમર ગૂંજે કમલ કુમુદે, ન જેને છે કદર તેની,
દિલ તો તણાં નભમાં, પ્રેમી પ્રેમી જુઠાનાં!

કમલ પ્રેમી રવિનું જે, કુમુદ બાઝ્યું શશી ને જે,
ફરે ઊંચા તે બેપરવા, પ્રેમી પ્રેમી જુઠાનાં!

કમલ, ભમરા. કુમુદ જેવું હ્ર્દય મારૂં ખરે ભોળું,
કુદે, બાઝે, પડે પાકુ, પ્રેમી પહાડ પાણો છે!

ઈચ્છે દાસ થવાને, ન કોઈ રાખતું તેને,
બિચારૂં આ દિલ કહે છે, “પ્રેમી પહાડ પાણો છે!”

મનુની પ્રીત દીઠી મેં, ઝાકળમોતી જેવી તે,
લાડું-લાકડાનો સ્નેહ , પ્રેમી પહાડ પાણો છે!

હવે મનજી મુસાફર તું, બહેતર જા બિયાબાને,
કરી લે પ્રીત પક્ષીથી, પ્રેમી પહાડ પાણો છે!

નિ:શ્વાસે ભર્યું હૈયું, અશ્રુથી ભર્યાં ચક્ષુ,
મગજ બળતું કહે છે: “હા! પ્રેમી પહાડ પાણો છે!”

-કલાપી
(કલાપીનો કેકારવ, પૃ: ૬૭)

26 જાન્યુઆરી – 1874 લાઠી દરબાર કલાપીનો જન્મદિન. આ રાજવી અને પ્રેમી કવિ માત્ર 26 વર્ષની વયે રાજખટપટમાં અવસાન પામ્યો. પણ આટલી નાની વયમાં પણ તેણે ગુજરાતી સાહિત્યને અમૂલાં નજરાણાં ભેટ ધર્યા છે.

તેમના જીવન વિશે જાણવા અહીં ‘ક્લીક’ કરો .

ઉપરોક્ત કવિતા ટાઇપ કરી આ પ્રસંગે મોકલી આપવા માટે શ્રી જય ભટ્ટનો આભાર.

Comments

શબ્દોત્સવ – ૪: ગીત: ફુલ વીણ સખે! – કલાપી

ફુલ વીણ સખે! ફુલ વીણ સખે!
હજુ તો ફુટતું જ પ્રભાત, સખે!

અધુના કળી જે વિકસી રહી છે,
ઘડી બે ઘડીમાં મરતી દિસશે.
સુમહોજ્વલ આ કિરણો રવિનાં,
પ્રસરે હજુ તો નભ ઘુમ્મટમાં;

ન વિલમ્બ ઘટે, કંઇ કાલ જતે,
રવિ એ પણ અસ્ત થવા ઢળશે,
નમતાં શિર સૌ કુસુમો કરશે,
પછી ગંધ પરાગ નહીં મળશે,
ફુલ વીણ સખે! ફુલ વીણ સખે!
હજુ તો ફુટતું જ પ્રભાત સખે!

નકી ઉત્તમ અગ્રિમ કાળ સખે!
ભર યૌવન આ હજુ રક્ત સખે!
ગતિ કાલની ચોક્કસ ન્હોય સખે!
ભરતી પછી ઓટ જ હોય સખે!
ફુલ વીણ, સખે! તક જાય, સખે!

ઢળતી થઇ તો ઢળતી જ થશે,
રજની મહીં ચંદ્ર ઉગે ને ઉગે;
હજુ દિવસ છે,ફુલડાં લઇ લે,
ફરી લે, રમી લે, હસી લે તું સખે!

મૃગલાં રમતાં,
તરુઓ લડતાં,
વિહગો ઉડતાં,
કલીએ કલીએ ભ્રમરો ભ્રમતા;
ઝરણું પ્રતિ હર્ષ ભર્યું કૂદતું,
ઉગતો રવિ જોઇ ન શું હસતું?
પછી કેમ વિમાસી રહ્યો તું સખે!
ફુલ વીણ, સખે! ફુલ વીણ, સખે!
હજુ તો ફુટતું જ પ્રભાત સખે!

કલાપી

Comments (2)

કવિ કલાપીની પુણ્યતિથિ પર….

દેખી બુરાઈ ના ડરું હું શી ફિકર છે પાપની ?
ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની.
ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી:
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!
***
મુબારક હો તમોને આ તમારા ઈશ્કના રસ્તા;
હમારો રાહ ન્યારો છે, તમોને જે ન ફાવ્યો તે !
***
કલા છે ભોજ્ય મીઠી ને ભોક્તા વિણ કલા નહીં,
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં.
***
પ્રેમીએ પ્રેમી જાતાં કો બીજાથી પ્રેમ જોડવો,
આવું કાં ન કરે સૌએ પ્રેમી જો કે મળે ખરો?
જોડવી એક જોડીને, બે કો ખંડિત થાય તો
બન્નેનાં એકબીજાથી ઓછાં જેથી બને દુઃખો.
***
પ્રેમને કારણો સાથે સંબન્ધ કાંઈયે નથી,
કારણ પ્રીતિનું પ્રીતિ : પ્રેમીની લક્ષ્મી તે બધી.
***
ઝૂરી ઝૂરી મરવામાં સ્નેહ સંતોષ માને,
નહિ કદી રસ શોધે સારસી અન્ય સ્થાને.
***
દર્દીના દર્દની પીડા વિધિને ય દિસે ખરી,
અરે ! તો દર્દ કાં દે છે, ને દે ઔષધ કાં પછી?
***
રે રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,
લાગ્યા ઘાને વિસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે.
***
હા ! પસ્તાવો – વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.
***
ક્યાંયે હશે જો કો ખુદા તો ઈશ્કનો બંદો હશે,
જો ઈશ્કથી જુદો હશે તો ઈશ્કથી હારી જશે !
***
હતી જ્યાં વસ્લની ખ્વાહિશ, મળ્યું ત્યાં ઝેરનું પ્યાલું !
મગર તે જામને ભરતાં કહે તુજ હાથ શું આવ્યું?
***
વ્હાલી બાબાં! સહન કરવું એ ય છે એક લ્હાણું !
માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાણું !
***
સૌન્દર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે,
સૌન્દર્યો પામતા પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.

10-06-1900 ના રોજ એક રાતની ટૂંકી માંદગી બાદ ફક્ત છવ્વીસ વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કરી જનાર લાઠી નામના નાકકડા રજવાડાના રાજા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલને એક આખી સદી બાદ શા માટે આ દુનિયા યાદ કરે? પણ હકીકત તો એ છે કે કેટલાક રાજાનું જીવન એના ખોબા જેટલા રજવાડાથી ય લાંબું હોય છે અને કેટલાકનું તો વળી શાશ્વત! ‘કલાપી’ એટલે શાબ્દિક અર્થમાં મોર… અને આ મોરનો ‘કેકારવ’ તો સદીઓ પછી પણ આપણા દિલની વાડીઓમાં એજ ચિરયુવાન મીઠાશથી ગુંજતો રહેશે. યુવાન હૃદયની સુકોમળ ઊર્મિઓ સરળ અને સહજ સુમધુર બાનીમાં મા ગુજરાતના ખોળે ધરનાર આ કવિની કવિતાઓ દરેક પ્રેમીના પાઠ્યપુસ્તકમાં પહેલા પાના પર જ લખાયેલી રહેશે. પ્રેમ, પ્રકૃતિ અને પ્રભુ વિશેના એમના કાવ્યો ભાવની સ્નિગ્ધ મીઠાશ અને રસાળ ચિંતનના કારણે અજર-અમર બની ગયાં છે… (જન્મ: 26-02-1874)

Comments (13)