એમ રહીએ જગતને વળગીને-
આંગળીથી રહે પરાયો નખ
– મનોજ ખંડેરિયા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગુલાબ દેઢિયા

ગુલાબ દેઢિયા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(પુષ્પગુચ્છ)- ગુલાબ દેઢિયા

તમારા હાથમાં
મઘમઘતો પુષ્પગુચ્છ જોઈને,
મનમાં થયું;
આટલાં બધાંને શું કરશો ?
એકાદ ફૂલ માંગી લઉં.
ને-
મેં તમારો હાથ માંગી લીધો.

– ગુલાબ દેઢિયા

અમેરિકા આવ્યો તો બધે ફૂલ આપવાનો મહિમા જોયો – વર્ષગાંઠ પર ફૂલ, લગ્ન પર ફૂલ, પ્રેમના પ્રસંગે ફૂલ અને મરણ-પ્રસંગે પણ ફૂલ. દેસી મગજમાં ફૂલ માણવાની વાત સમજાય પણ (ફૂલને તોડીને એ) ફૂલનો ગુલદસ્તો લઈ જવાની વાત ઝટ લઈને બેસે નહીં. જોકે હવે સમય જતા એ પણ શીખ્યો છું. એટલે આજે આ ફૂલને બદલે હાથ માંગી લેવાની વાતવાળું કાવ્ય હાથમાં આવ્યું તો દીલ અનાયાસ જ ‘બાગ-બાગ’ થઈ ગયું 🙂

Comments (8)

ફૂલદાની – ગુલાબ દેઢિયા

રોજ રાત્રે છાને ખૂણે
ફૂલદાની રડે છે.
એને એ જ સમજાતું નથી કે
પોતે એવા તે ક્યાં પાપ કર્યા હશે કે
ફૂલોનું કબ્રસ્તાન બનવું પડ્યું ?

– ગુલાબ દેઢિયા

ફૂલદાની સામાન્યત: પ્રસન્નતાના પ્રતિક તરીકે વપરાય છે. હંમેશા ફૂલોથી ભરી ભરી રહેનારી ફૂલદાની સદા પ્રસન્ન જ હોય ને ! પણ કવિ અહીં એના મનની વાત ખંખોળી લાવીને એનું દર્દ છતું કરે છે. ફૂલોનું સૌંદર્ય જોનારાઓ એ વાત ભૂલી જાય છે કે આ તો આવરદા ગુમાવી બેઠેલા ફૂલો છે અને આ ફૂલદાની એમનો આખરી મૂકામ છે. ( સરખાવો : તાજા શાકભાજી )

Comments (8)