એમાંથી કઈ રીતે તમો જાણી ગયા પ્રસંગ,
મેં તો કોઈને પણ કથા મારી કહી નથી.
– જલન માતરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રઘુવીર ચોધરી

રઘુવીર ચોધરી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




વહેતાં વૃક્ષ પવનમાં – રઘુવીર ચૌધરી

નીલ ગગન પર્વત નીંદરમાં
.              ખળખળ વહેતાં વૃક્ષ પવનમાં

યુગ યુગથી જે બંધ અવાચક
કર્ણમૂલ ઊઘડ્યાં શંકરનાં,
જટાજૂટથી મુક્ત જાહ્નવી
૨મે તરવરે સચરાચરમાં;
ધરી સૂર્યનું તિલક પાર્વતી
.                                                 સજે પુષ્પ કાનનમાં.   0ખળખળ વહેતાં.

શિલા શિલાનાં રંધ્ર સુવાસિત,
ધરા શ્વસે કણ કણમાં.
વરસ્યા બારે મેઘ ઝળૂબી
ઊગ્યાં દેવતરુ રણમાં.
તાંડવની સ્થિર મુદ્રા આજે
.                                                    લાસ્ય ચગે ત્રિભુવનમાં.  0ખળખળ વહેતાં.

– રઘુવીર ચૌધરી

રચનાની નીચે સર્જકનું નામ લખવાનું રહી ગયું હોય તોય તરત જ ખ્યાલ આવી જાય કે આ રચના કોઈ સિદ્ધહસ્ત કવિની કલમનું સર્જન જ હોવી ઘટે. વળી, ગીતનો લય પણ એવો તો મજબૂત અને પ્રવાહી થયો છે કે ગણગણ્યા વિના ગીતનું પઠન કરવું સંભવ જ બનતું નથી. સૃષ્ટિના સર્વપ્રથમ નૃત્યનો સંદર્ભ સાચવીને રચના કરાઈ છે. આખી સૃષ્ટિ નિદ્રાગ્રસ્ત છે, કેવળ પવન વાઈ રહ્યો છે અને પવનમાં હાલતાં વૃક્ષોની મર્મરને લઈને તેઓ ખળખળ વહેતાં હોવાનો ભાસ થાય છે.

યુગયુગોથી શંકર તપમગ્ન છે. સૃષ્ટિનો કોઈ પ્રકારનો સંચાર એમને સ્પર્શી શકતો નથી. આમ તો કાન સાંભળવાનું કામ કરે, પણ કવિએ તો કર્ણમૂલ બંધ છે એમ કહેવાથી આગળ વધીને એને અવાચક પણ કહ્યાં છે. એમના કાન એ હદે બંધ છે કે એમની ચેતનાને લગરિક પણ ખલેલ પહોંચે એવી એકેય વાતને એ વાચા આપતા નથી. પણ આજે યુગોથી બંધ દ્વાર ખુલી રહ્યાં છે. જાહ્નવી મુક્તિનો આનંદ માણી રહી છે. કારણ? તો કે પાર્વતી શણગાર સજી રહ્યાં છે. અને આ શણગાર પણ જોવા જેવો છે. કપાળે તો સાક્ષાત્ સૂર્યનું તેજસ્વી તિલક કરે છે પણ સજે છે પુષ્પો વડે. ઓજસ્વિતા અને નાજુકાઈ, શાશ્વત અને નશ્વર –ઉભયનો સમન્વય એમના સૌંદર્યને વધુ ઓપ બક્ષે છે એમ નથી લાગતું?

એકએક શિલાઓના એકએક છિદ્ર સુવાસિત થયાં જણાય છે, ધરાના કણેકણ શ્વાસ લઈ રહ્યાં છે, અર્થાત્ સૃષ્ટિ સમસ્ત જીવંત થઈ ઊઠી છે. બારે મેઘ વરસી રહ્યાં છે અને રણમાં દેવતરુ ઊગી રહ્યાં છે. કવિએ અહીં તાંડવ અને લાસ્યની વાત કરી છે. લાસ્ય નૃત્ય એટલે પ્રેમક્રીડાઓ નિર્દેશતું લાવણ્યમય નૃત્ય, શિવે જે કર્યું એ તાંડવ પણ શિવને પામવા પાર્વતીએ જે નૃત્ય કર્યું એ લાસ્ય તરીકે ઓળખાયું.  અને આજે આ ઘડીએ પાર્વતીનું લાસ્યનૃત્ય ત્રિભુવન આખામાં શિવના તાંડવથીય ઘણું વધારે મનોહર ભાસે છે.

Comments (7)

જનારા વિહંગમે…..- રઘુવીર ચૌધરી

આ દર્દ મૌનમાં જ છવાતું ભલે હવે,
મેં તો કહ્યું હતું મને, ને સાંભળ્યું તમે.

આ સાંજની હવાને યાદ સૌમ્ય ઉદાસી,
ચાલી ગયા એ સંગ સમયની, ઊભા અમે.

મેં મિત્રને જુદા ગણીને ઓળખ્યા નથી,
જોયું કે એમને જ અજાણ્યા થવું ગમે.

ભૂલી જવાય તોય ગુમાવાનું કંઈ નથી,
એ ભૂતકાળ તો જગતમાં સર્વદા ભમે.

મેં તો વિદાયનો જ અનુભવ સદા કર્યો,
ખોલી બતાવ્યું આભ જનારા વિહંગમે.

– રઘુવીર ચૌધરી

maturity સ્વયંસ્પષ્ટ છે !!

Comments (5)

અમે આટલે આવ્યાં ધીરે ચાલી – રઘુવીર ચૌધરી

અમે આટલે આવ્યાં ધીરે ચાલી
સવારના અજવાળે અમને ધૂળ ધરાની વહાલી.

શૈશવમાં સાબરનાં જળમાં ગતિ જોઈ હોડીની,
અમે કેળવી માયા રમતાં સારસની જોડીની,
ઝાકળમાં મોતીની આભા તુલસી પર શોધેલી,
પંખીના માળામાં છાયા આંબાની પોઢેલી,
અંધારે તારક સંગી- અમ આભ કદી ના ખાલી, અમે…

અંતરાય આવેલા અગણિત બહારથી અંદરથી,
અમે કોઈને જાકારો ના દીધ નાનકા ઘરથી,
મારું તારું કે ઉધારનું – ખરાખરી ના ગમતી,
દુ:ખની પળમાં સુખની યાદે પાંપણ ભીની નમતી,
આજ આપણી કાલ પ્રભુની એની કૃપા નિરાલી,
અમે આટલે આવ્યાં ધીરે ચાલી.

(સહજીવનની અડધી સદીએ)
– રઘુવીર ચૌધરી

લગ્નજીવનની પચાસમી વર્ષગાંઠે કવિ કેવું મજાનું ગીત આપે છે!

Comments (2)

રાખ – રધુવીર ચૌધરી

તમે વિરોધ કરો છો, ત્યારે,
હું સાથે બલ્કે નજીક હોઉં છું.
સાચું બોલતા હો એ રીતે
ચતુરાઈથી વખાણો છો ત્યારે
સામે બલ્કે દૂર હોઉં છું.

જો કે સામે કે સાથે હોવાથી
કશો ફેર પડતો નથી
પ્રશ્ન તો હોવાનો છે
સામે કે સાથે
ડાબે કે જમણે
ક્યાં કોઈ કાયમી હોય છે ?
જતાં ડાબે એ વળતાં જમણે.

કોઈક વાર અથવા ઘણીવાર
આ ડાબા-જમણાના વિવાદમાં
વસ્તુ વિસારે પડાય છે,
પડછાયા પડદા બને છે.

અંધારી અશ્વની આંખને
દિશા આપે, પગને ગતિ
પણ પડછાયા વીંટળાય…

હું તમને સંબોધીને
વાત મારી કરું છું,
સંકોરું છું વિચારોના તણખા.

રાખમાં વાળું છું
વેદનાની ક્ષણો.
વેદિમાં સંસ્કાર પામેલી ક્ષણો,
રાખની
ધૂણાની રાખ
ચિતાભસ્મ આરતી પછી
શિવની ભભૂત
બળે સ્મશાનની ધૂળમાં, ઊગે ધાસ,
ચરે ગામો સ્ત્રોતસ્વિની.
રાખનું પણ છેવટે સત્ય નથી.
તમે નથી,
હું નથી,
પછી જે છે તે છે.

– રધુવીર ચૌધરી

ધારદાર કાવ્ય ! એકદમ સહજ શરૂઆત પછી તરત તત્વના મૂળરૂપના ચિંતનને કવિ પકડે છે, તેય વળી વાણીની ક્લિષ્ટતા વગર. ડાબું-જમણું ઇત્યાદિ દ્વંદ્વ છલનામાત્ર છે એ સ્થાપિત કરી ભાષાના સીમિત સામર્થ્ય તરફ ઈશારો કરી પંચમહાભૂત અને તેથી પણ પરેની શૂન્યતા તરફ કાવ્ય ગતિ કરે છે….ઘણુંબધું સ્પષ્ટ બોલ્યા વગર માત્ર રૂપકોથી જ ઈંગિત કરી દીધું છે. કવિને ભાવકના સામર્થ્ય પર પૂરો વિશ્વાસ છે….

Comments (10)

એકલતા – રઘુવીર ચૌધરી

સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.
મોજું આવે કોક રહીને અડકે ચરણ જતાં.

ઊડી ગયાં સહુ વિહંગ નભથી
નીરવતા ફરકે છે સઢથી,

દીર્ઘ થયા પડછાયા ધીરે જળમાં ઓગળતા.
સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.

કરે સ્પર્શ અંધાર શ્વાસને,
એક કરે મુજને – વિશાળને,

કોક છીપમાં બેઠી બેઠી ઝૂરે સુંદરતા.
સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.

-રઘુવીર ચૌધરી

વાંચતાવેંત ગમી ગઈ આ કવિતા……અદભૂત ભાવવિશ્વ રેખાંકિત થયું છે !!

Comments (2)

ઉત્તર નર્મદ – રઘુવીર ચૌધરી

yahom

નથી હાર્ત્યો યોદ્ધો, લડત નિજ ચાલી ભીતરથી,
લહી શસ્ત્રો બુઠ્ઠાં, સજગ મતિ શાસ્ત્રોને સ્મરતી.
સપાટીના સત્યે મચતી મૃગતૃષ્ણાની ભરતી,
વિવેકીની ઉચ્છેદક જલદ વૃત્તિ વિરમતી.

હતાં જાળાં ઝાઝાં, વિકટ પથ અંધાર જકડે
વિલાસી ને દંભી જન ધરમ ધૂતે, મન સડે;
તહીં છેડ્યા જંગે વીર અડગ તું, શૌર્ય ઝળકે,
અહો જોસ્સો તારો! સુરત સઘળું શિર ઊંચકે.

તને માન્યો સૌએ પ્રથમ પ્રહરી નવ્ય નભનો.
નથી દીઠો પૂર્વે વિનત શરણાર્થી શબદનો.
જગાડ્યા ડંકે ને બ્યુગલ થકી દોર્યા કંઈ જનો
પરંતુ ઘોંઘાટે સત મૂક, વકાસે રણવનો. 

કબૂલી તેં ભૂલો અપયશ વહોર્યો, ભય નહીં,
ખરો ટેકીલો તું વીર વિરલ પીછેહઠ મહીં.

– નર્મદ

નર્મદની વર્ષગાંઠ 24મીએ આવે છે. એના જન્મને એકસોને ઓગણાએંસી વર્ષ થયા અને મરણને એકસોને છવ્વીસ વર્ષ. આટલા વર્ષે પણ એની નજીક પહોંચી શકે એવો કોઈ કવિ આપણે ત્યાં થયો નથી. કવિતા-સાહિત્યની વાત કરવી અલગ છે પણ એ આદર્શોને જીવી બતાવવા એ પાછી તદ્દન અલગ વાત છે.

વિચારવા જેવી વાત છે કે અર્વાચીન સાહિત્યકારોમાં નર્મદ એક જ એવો છે જેને બધા તુંકારાથી બોલાવે છે. બધાને એ એટલો પોતિકો લાગતો હશે તો જ ને ! 

સાથે જોશો : વિકિપિડિયા પર નર્મદ, ‘ડાંડિયો’નો એક અંક, આગળ મકેલા નર્મદના કાવ્યો.

Comments (2)

મનનો માળો તો મારો નાનો – રઘુવીર ચૌધરી

મનનો માળો તો મારો નાનો ને માનસર
કેમ કરી એમાં સમાવું ?

પાણીને ઢાળ બહુ ફાવે અંધારનો
મેઘધનુ ક્યાંથી બતાવું ?
મુઠ્ઠીની રેખામાં સંતાડું રાગદ્વેષ
હૈયામાં હારની હતાશા,
સપનાંના ખંડેરે કાંટા અભરખાના
લૂલીને ભાનભૂલી ભાષા,
ગાંઠે બાંધેલ મૂળ હીરાને ઘડવામાં
ઝાંખે ઉજાસ કેમ ફાવું ?

લીલા મેદાનોમાં રમવાનું દૂર ગયું
ગલીઓમાં ગામ મેં વસાવ્યું,
વૃત્તિની ભીડ મહીં ભૂલા પડીને
મેં તો પલ્લવનું પારણું ગુમાવ્યું.
ભોળી ભરવાડણ હું વેચું હરિને
દહીં ખાટું કરીને ઘેર લાવું.
મનનો માળો તો મારો નાનો ને માનસર
કેમ કરી એમાં સમાવું ?

Comments (7)

અ-ગતિ – રઘુવીર ચૌધરી

હું હજી મધદરિયે ગયો નથી.
મારો તો તટવાસી સ્વભાવ
કદીયે ઊંડો ઊતર્યો નથી,
અને તેથી
આખા દરિયાનો ભાર
મેં હજી ઝીલ્યો નથી.

તર્કનાં લંગર નાખીને
હજાર વાર ચીપકી રહ્યો છું
અ-ગતિને.
વિષાદને વચગાળો માનીને
સહેલાઈથી સુખી રહ્યો છું.

અનાગતને ભાવી કમાણી માની
કરજ વધારી આંનદનું
વિષાદના સાતત્યની આડે આવું છું
અને ગાવા લાગું છું ગીત
ગાગરમાં સાગરનું.

– રઘુવીર ચૌધરી

તટસ્થ આત્મનિરીક્ષણ !

Comments (9)

પૂર્વાવસ્થા – રઘુવીર ચૌધરી

પવન શા પુરાતન અમે.
પુષ્પ સમા ક્ષણિક ને
સૌરભ શા ચિરંતન.
ક્ષણમાં વસેલ પેલી ચિરંતન
તથતાને જીવનાર,
વારંવાર વિતથને
અનુભવી,ઓળખીને
અળગા થનાર :

ચિત્ત હોય તો પછી તો
સંપાતિની જેમ ઊડી
તેજ સામે,
બળવું ના.

અધિકની આકાંક્ષામાં
ધરા-આભ વચ્ચે
કરી ઉચ્ચાવચતાનો ભેદ
ત્રિશંકુનું પરિણામ પામવું ના.
રાવણના દેશનાં સમિધમહીં
એક સીતા આગ સહે.
સંશયાત્મા રામ જીવે દ્વૈત.
દ્વૈત એટલે જ યુદ્ધ.
શાશ્વત એ વૈશ્વિક યુદ્ધની
નિજ પ્રતીતિ થી દૂર રહી
પ્રમાણી ના અનિવાર્યતા
તો પછી અશ્વત્થામા બની
ન્યાય કરી દેવા નીકળવું નહીં.
અઢાર અઢાર દિન ઓછા નથી.
કુરુક્ષેત્રે
મૃત્યુમ્લાન પવનોમાં પ્રેત ભમે.
સુદૂર અરણ્યમહીં
નતશિર એકલવ્ય મૂક.
સામે ગુરુમૂર્તિ
છિન્ન અંગૂઠાનો કંપ જોઈ રહે.
કુટિરને દ્વાર ઊભા હરણની
ક્ષમાહીન આંખ રડે.
તરુપર્ણ હવામહીં સમસમે.
કેટલાંક સ્મરણોના સૌંદર્યને
પક્ષાઘાત…
અરે,જેણે આત્મવંચના ન કરી
એવો એકે યુધિષ્ઠિર મળ્યો નહીં.
પોતાને મૂકીને કર્યું અન્ય સામે યુદ્ધ !
છતાં આજ લગી યુદ્ધની કથાઓ
બધી રમ્ય રહી !
યુદ્ધની કથાઓ હવે રમ્ય નથી.

-રઘુવીર ચૌધરી.

[ તથ=સત્ય, વિતથ=અસત્ય, સંપાતિ= જટાયુનો ભાઈ જે વાનરોને લંકા અને રાવણ વિષે માહિતી આપે છે., સમિધ=હવનમાં હોમ કરવાની સામગ્રી અથવા હવન, ઉચ્ચાવચતા=ઊંચા-નીચાપણું અથવા વિવિધતા]

આ અત્યંત બળકટ ચિંતનાત્મક અછાંદસમાં જાણે અનેક કાવ્યો સમાયેલા છે ! માનવસહજ નબળાઈઓને વિસરી સામર્થ્ય વિના હનુમાન-કુદકો મારવાની ચેષ્ટાનો શું અંત હોઈ શકે,ત્યાંથી શરૂઆત કરી કવિ મધ્યભાગમાં એક શકવર્તી ‘statement’ આપી દે છે- ‘ દ્વૈત એટલે જ યુદ્ધ ‘ ! – આ ઘોષણા આ કાવ્યની ચરમસીમા સમાન છે. ત્યાં તો જરા આગળ વધતા બીજી અદભૂત પંક્તિ આપણને આંચકા સાથે થંભાવી દે છે- ‘ અરે, જેણે આત્મવંચના….અન્ય સામે યુદ્ધ ! ‘ બંને વાત એક જ છે,પરંતુ અંદાઝે-બયાંની તાકાત કાવ્યના મૂળ તત્વને વધુ ઠોસ રીતે નિખાર આપે છે. આથી વધુ કઠોર અને ઈમાનદાર આત્મ-નિરીક્ષણ શું હોઈ શકે ? પૌરાણિક સંદર્ભોને જે અધિકારપૂર્વક અને સચોટ રીતે કવિએ પ્રયોજ્યા છે તે પુરાણોનું સાચું અધ્યયન કોને કહેવાય તેના ઉત્તમ ઉદાહરણ સમાન છે.

Comments (7)

(સત્ય અને બળ) – રધુવીર ચૌધરી

સહદેવ, અગ્નિ લાવ;
જે હાથે દ્રૌપદીને હોડમાં મૂકી
એ હાથ હું બાળી નાખું.
ભલે એ હોય મોટાભાઈના.

જાતને હારનાર
બીજાને હોડમાં મૂકે એ મને મંજૂર નથી.
સહદેવ, અગ્નિ લાવ,
હું આ આખી ધૃતસભાને સળગાવી દઉં.
આ સિંહાસન પર સ્થિર થયેલા અંધાપાને
પ્રકાશમાં પલટાવી દઉં.

પાંચાલીના પ્રશ્નનો ઉત્તર કોઈની પાસે નથી
અહીં આશ્રિત બનેલો ધર્મ
અંધાપાને અનુકૂળ રહ્યો છે.
શાંતિના નામે હું દાસ નથી રહેવાનો,
હું અધર્મની છાતી તોડીશ.
સહદેવ, તારું સત્ય લાવ,
એને હું મારા બળમાં પ્રગટાવીશ.

– રઘુવીર ચૌધરી

કાવ્યનો પ્રસંગ બધાને ખબર જ છે. ભીમના મોઢામાંથી બોલાતા આ કાવ્યનો સંદર્ભ સર્વવિદિત છે. પણ આ ઘટનાને કવિ જે અલગ દ્રષ્ટિકોણ આપે છે તે કાવ્યને મહાન બનાવે છે.

ખાલી સત્ય (અને જ્ઞાન)થી કાંઈ શક્ય નથી. સત્યનો આદર કરવાનો એક જ રસ્તો છે – એને આચરણમાં મૂકવાનો.  જે સત્યને તમે કર્મનો ટેકો નહીં આપી શકો તે વિલોપાઈ જ જવાનું. કવિએ કાવ્યમાં ભીમની સાથે સંવાદમાં સહદેવને મૂક્યો છે. સહદેવ બધુ જાણતો હોવા છતાં જાતે કદી કશું કરી શકે નહોતો. એ અહીં નમાલા, અકર્મણ્ય સત્યનું પ્રતિક છે.

સત્યનો પૂર્ણ પ્રકાશ તો એની પાછળ કર્મનું બળ મૂકો તો જ મળે.

Comments (8)

હૈયે કુંજગલી – રઘુવીર ચૌધરી

પગલી પારિજાતની ઢગલી !
ઘરમાં આવ્યું વૃંદાવન ને હૈયે કુંજગલી !

કાલ સુધી જે છાયાઓ આંગણ ઘેરી પથરાતી,
શેરીમાં ચિંતાની રજ ઊડતી ઠરતી અટવાતી.
આજ હવા તુલસીક્યારાની ફરતે ગાવા ચલી.
પગલી પારિજાતની ઢગલી !

પંખીએ માળો બાંધ્યો છે કિરણોનાં તરણાંનો
યમુનાને શો ઉમંગ એણે સાદ સૂણ્યો ઝરણાંનો
સંશયની કારા તૂટી ગઈ, દુનિયા સઘળી ભલી.
પગલી પારિજાતની ઢગલી !

ઘેરાયેલા વાદળ ખાસી જાય અને પૂણ્ય-પથ સહજ થઈ જાય એ અવસ્થાનું કોમળ ગાન. ગીતની સાદગી  અને બુલંદ ઉપાડ નિરંજન ભગતના ‘છંદોલય’નાં ગીતોની યાદ અપાવે છે.  ગીતમાં ક્યાંય ગોપી કે કૃષ્ણની વાત આવતી નથી છતાં ગીતની શબ્દપસંદગી (વૃંદાવન, કુંજગલી, તુલસી, યમુના) ગીતને અજાણતા જ ગોપીભાવથી ભરી દે છે.

(કારા=કેદખાનું)

Comments (8)

તું વરસે છે ત્યારે – રઘુવીર ચોધરી

તું વરસે છે ત્યારે
એક કે બે પંખી
દૂર કે નજીકથી ગાય છે.
કોઈક વટેમારગુ અજાણતાં ભીંજાય છે.

વાદળ સ્થિર થાય છે ત્યાં
વૃક્ષો ચાલીને
તો ક્યારેક ઊડીને
એમની પાસે જાય છે.
આ બાજુ
બાળકો અને શેરી
એક સાથે નહાય છે.

તું વરસે છે ત્યારે
સૂની બારી પર ટકોરા થાય છે,
અગાઉની રજ ભીના અવાજમાં
વહી જાય છે.

તું વરસે છે ત્યારે
અંદરના ઓરડે પ્રકાશ થાય છે.

– રઘુવીર ચૌધરી
(‘વહેતાં વૃક્ષ પવનમાં’)

અદભૂત અભિવ્યક્તિ ! એ સિવાય આ કાવ્ય વિશે કાંઈ કહેવાનું હોય ?

Comments (4)